આગામી રામનવમી, ચેટીચાંદ અને રમઝાન જેવા ધાર્મિક તહેવારો પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સોમનાથ અને પ્રભાસ પાટણ શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાના હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પ્રભાસ પાટણ પી.આઈ એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમે સોમનાથ તેમજ પ્રભાસ પાટણ શહેરના મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને જાહેર સ્થળોએ ફરી વળી હતી. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધુ રહેતા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં મહિલા પીએસઆઇ રાઠોડ, પીએસઆઇ શક્તિસિંહ ઝાલા સહિતના અધિકારીઓ, સર્વેલન્સ સ્ટાફ, જીઆરડીના જવાનો, પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ સ્ટાફ જોડાયા હતા. પોલીસ ટીમે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કર્યો હતો. પોલીસ અધિકારીઓએ વેપારીઓ અને નાગરિકોને તહેવારો દરમિયાન શાંતિ સુલેહ જાળવવા અપીલ કરી હતી. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સઘન ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ તંત્ર તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.



