રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીને પગલે સરકારી તિજોરી છલકાશે; 2026-27માં બિનખેતી પ્રીમિયમ પેટે જ રૂ. 6,000 કરોડની આવક થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં જમીન-મકાનના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે રાજ્ય સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની આવકનો ધોધ વહી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન સરકારની સ્ટેમ્પ ડ્યુટી આવક રૂ. 21,000 કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. નોંધનીય છે કે, હજુ નવી જંત્રીનો સંપૂર્ણ અમલ બાકી હોવા છતાં આ આંકડો ચાલુ નાણાકીય વર્ષની સરખામણીએ 31% જેટલો વધારો સૂચવે છે, જે રાજ્યના વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટ ક્ષેત્રની પ્રતીતિ કરાવે છે.
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, રૂ. 21,000 કરોડની આ સંભવિત આવકમાં બિનખેતી (ગઅ) પ્રીમિયમ પેટે મળનારા રૂ. 6,000 કરોડનો પણ સમાવેશ થાય છે. આંકડાકીય સરખામણી કરીએ તો, વર્ષ 2024-25માં સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ. 16,000 કરોડ હતી, જે 2025-26માં વધીને રૂ. 19,800 કરોડ થવાનો અંદાજ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ બજેટ દરમિયાન આગામી વર્ષ માટે રૂ. 21,000 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. વર્તમાન વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં જ
રૂ. 13,699 કરોડની આવક નોંધાઈ ચૂકી છે.
કેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોષીએ આ તેજી અંગે જણાવ્યું હતું કે, મોટા શહેરોની આસપાસ જમીનના ઊંચા ભાવના સોદા થઈ રહ્યા છે અને રિયલ એસ્ટેટની ડિમાન્ડ જળવાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોમાં 15% નો વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે. જોકે, તૈયાર મકાનોનો વણવેચાયેલો સ્ટોક એક પડકાર છે, પરંતુ હોમ લોનના વધતા પ્રમાણથી સ્પષ્ટ થાય છે કે રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ત્રણેય ક્ષેત્રમાં ખરીદી નીકળી છે, જેના સીધા પરિણામે સ્ટેમ્પ ડ્યુટીની આવક સતત વધી રહી છે.



