મોરબી જિલ્લામાં 12 વર્ષમાં 31,245 મહિલાઓએ મેળવી મદદ: જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 708 કિસ્સામાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ટીમ
મોબાઈલ એપના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ ફીચર્સથી ટેકનોલોજી બની સુરક્ષાનું હથિયાર: રાજ્યમાં 18 લાખથી વધુ મહિલાઓને મળ્યું માર્ગદર્શન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
વિશ્વ મહિલા દિવસ, 8 માર્ચ 2015ના રોજ ગુજરાતમાં શરૂ થયેલી ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળતાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ હેલ્પલાઈન આજે માત્ર એક નંબર નથી, પરંતુ રાજ્યની લાખો મહિલાઓ માટે મુશ્કેલીના સમયે આશાનું કિરણ અને મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ છે. 24ડ્ઢ7 કાર્યરત આ સેવામાં તાલીમબદ્ધ કાઉન્સિલર્સ અને મહિલા પોલીસની ટીમ દિવસ-રાત કાર્યરત રહે છે.
મોરબી જિલ્લામાં છેલ્લા 12 વર્ષ દરમિયાન કુલ 31,245 મહિલાઓએ આ સેવાનો લાભ લીધો છે. વર્ષ 2025ના આંકડા મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 708 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાંથી 396 કિસ્સાઓમાં સ્થળ પર જ કુશળ કાઉન્સિલિંગ દ્વારા સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે 300 જેટલા ગંભીર કિસ્સાઓમાં પીડિતાઓને પોલીસ સ્ટેશન કે ઓ.એસ.સી. જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી ન્યાય અપાવવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં 12 વર્ષમાં 18,10,913થી વધુ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. રાજ્યમાં દોડતી 59 અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન દ્વારા 3.60 લાખથી વધુ કિસ્સામાં ઓન-સ્પોટ મદદ પહોંચાડાઈ છે. આધુનિક યુગમાં ’181 મોબાઈલ એપ’ પણ ખૂબ ઉપયોગી નીવડી રહી છે, જેમાં ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ દ્વારા મહિલાઓ ફોન કર્યા વગર પણ પોતાનું લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડી શકે છે.



