કંપનીમાં નોકરી કરતાં યુવકે ઘરે કપડાં ધોવા બોલાવી રાત્રે ગોંધી રાખી, વીડિયો પણ બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને રૂમ પર બોલાવી, તેને બંધક બનાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવકની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, આરોપી આકાશસિંઘ વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભિયાસ કરતી વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. બન્ને ચેટિંગમાં વાત પણ કરતા હતાં.
વિદ્યાર્થિનીને કપડા ધોવા હોવાથી આરોપી આકાશસિંઘના રૂમે વોશિંગ મશીન હોવાથી તેણે મિત્રતામાં બોલાવી હતી. વિદ્યાર્થિનીને વારંવાર બોલાવ્યા બાદ તે આરોપીના રૂમે પહોંચી હતી. બાદમાં રાત્રિનો સમય હોવાથી આરોપીએ માયાજાળ રચી વિદ્યાર્થિનીને રાતનો સમય છે, અહીંયાથી નહીં જવાય અને કોઈ જોશે તો કેવું લાગશે? કહી રોકી રાખી હતી.
બાદમાં રાત્રે પોતાના બેડરૂમમાં ફોસલાવી બોલાવી હતી. શરૂઆતમાં આરોપીએ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પીડિયાએ જવા માટે વારંવાર આજીજી કરવા છતાં આરોપીએ પોતાના બેડરૂમમાં આખીરાત ગોંધી રાખી મરજી વિરુદ્ધ હવસ સંતોષી હતી. આટલેથી ન અટકતા, નરાધમ આકાશસિંઘે આ સમગ્ર કૃત્યના વીડિયો પણ ઉતાર્યા હતા, જેથી તે ભવિષ્યમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી ફરી બોલાવી શકે.
પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો, પીડિતાનું મેડિકલ પરીક્ષણ
આખરે વિદ્યાર્થિની આરોપીના ઘરમાંથી સવારે છૂટી સીધી બાપોદ પોલીસ મથકે પહોંચી હતી અને રાત્રે થયેલા બનાવ અંગે શબ્દશ: પોલીસને વર્ણન કર્યું હતું. બાપોદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને આરોપી આકાશસિંઘ સામે ગુનો નોંધી તાત્કાલિક અસરથી અટકાયત કરી હતી. સાથે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીના ફોનમાંથી વાંધાજનક વીડિયો રિકવર કરવા માટે ફોરેન્સિક તપાસની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને અપહરણ સહિતની કડક ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે.



