‘તને હું નોકરી અપાવીશ’ કહી દીકરીને નાસિક થઇ દિલ્હી મોકલવા પાછળનો ઈરાદો શું ?
દાઢીધારી શખ્સનો પ્લાન ફેઈલ થતા મોડી રાત્રે ટિકિટ અને નંબર ડીલીટ કરી રાવકી મૂકી ગયો : એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ જીલ્લામાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની છાત્રા ઘરેથી ભાગી નીકળ્યા બાદ રાજકોટ પહોંચી પોતાના મિત્રને ફોન કરી પોતાની સાથે ભાગી જવાનું કહેતાં મિત્રએ ના પાડતાં તે રાજકોટ એસટી બસ સ્ટેશને આવી હતી. અહિથી તેણીને નાસિક જવું હોઇ એક સિકંદર નામના રિક્ષાવાળાએ તેણીને બસ નહિ મળે લીમડા ચોકથી બસ મળશે તેમ કહી તેને અડપલાં કરી જાતીય સતામણી કરતાં અને બાદમાં લીમડા ચોકમાં લાવી સુરતની ટીકીટ કરાવી દીધા બાદ તેણીને હું તને નોકરી અપાવીશ, તું અત્યારે સુરત ન જતી પણ વચ્ચે ગામ આવે ત્યાં ઉતરજે અને ફોન કરજે, અને દિલ્હી જતી રહેજે તેવી વાતો કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજકોટ જીલ્લાના એક ગામમાં રહેતાં બાળાના પિતાએ સિકંદર નામના શખ્સ વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 15 વર્ષની દીકરી ધોરણ-10માં અભ્યાસ કરે છે ગત તા.28ના રોજ અમારે કુટુંબમાં પ્રસંગ હોઇ જેથી દિકરી ઘરે આવી હતી તા,10-2ના રોજ તે ઘરે હાજર ન મળતાં અમે શોધખોળ શરુ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હોતો. આ દરમિયાન10-2ના રાતે દિકરીએ મને ફોન કરી કહેલું કે હું રાજકોટ છું અને મને રાવકી ગામેથી તેડી જાવ. આથી અમે રાવકી પહોંચતા ત્યાં દિકરી મળી હતી. આ પછી અમે દિકરીને ઘરેથી કયાં ગઇ હતી? તે વિશે પુછતાં તેણીએ કહ્યું હતું કે-મારો ફ્રેન્ડ જામકંડોરણા તરફ રહે છે તેને મેં ફોન કરી માધાપર ચોકડીએ આવવા અને ત્યાંથી બંને ભાગી જઇએ તેવુ કહ્યું હતું. પરંતુ મિત્રએ ભાગવાની કે રાજકોટ આવાવની ના પાડી દીધી હતી. મારે ઘરે આવવું ન હોઇ અને નાસિક સગાના ઘરે જતું રહેવું હોય જેથી હું રિક્ષામાં બેસી રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પહોંચી હતી. બસ સ્ટેશનમાં આવેલી દુકાનેથી મોબાઇલનું ચાર્જર લઇ હું બહાર બેઠી હતી ત્યારે એક દાઢીવાળો શખ્સ આવ્યો હતો. જેણે મને ’બહેન તમારે કયાં જવું છે?’ પુછતાં મેં તેને કહેલુ કે મારે ગોંડલ-નાસિક રૂટની બસમાં બેસી નાસિક જવું છે. આથી તેણે કહેલું કે-બસ હવે નહિ હોય, તું અહિથી સુરત જતી રહે, ત્યાંથી નાસિકની બસ મળી જશે. આ પછી હું અને અજાણ્યો શખ્સ બસ સ્ટેશનમાં ગયા હતાં. જ્યાં સુરતવાળી બસ ઉભી હોઇ તેમાં ચડી હતી, પણ બસ ખાલી ન હોઇ જેથી નીચે ઉતરી જતાં એ શખ્સ ફરીથી આવ્યો હતો અને મારી પીઠ પાછળ હાથ ફેરવી કહેલું કે- તું હજી અહિ કેમ ઉભી છો? જેથી કહેલું કે બસ ફુલ છે, આથી તેણે હું તને લીમડા ચોક લઇ જાવ, ત્યાંથી બસ મળી જશે. તેમ કહેતાં હું તેની રિક્ષામાં બેસી લીમડા ચોક જવા નીકળી હતી. ત્યાં ત્રણેક ટ્રાવેલ્સ ઓફિસે તપાસ કરી હતી પણ બસ ફુલ હતી. આથી તે ચોથી ટ્રાવેલ્સની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં એક સિંગલ સોફાની સીટ ખાલી છે તેવુ કહેતાં મેં ટિકીટ લીધી હતી. એ વખતે આ શખ્સે ટીકીટના રૂપિયા આપ્યા હતાં અને મારા મોબાઇલમાં ફોન કરી અને ટીકીટમાં નંબર લખાવ્યા હતાં. મેં તેનું નામ પુછતાં તેણે સિકંદર જણાવ્યું હતું. બાદમાં તેણે મારી ટિકીટ ક્ધફર્મ કરાવી કહ્યું હતું કે બસ રાતે પોણા બારની છે. એ પછી ફરી મને રિક્ષામાં બેસાડી હતી અને મારો મોબાઇલ લઇ તે ઓફિસમાં ચાર્જીંગમાં મુકવા ગયો હતો. એ પછી મને કહેલુ કે-હું તને નોકરી અપાવીશ, તું આ બસમાં બેસીને સુરત ન જતી પણ હું કહું એ ગામમાં જતી રહેજે અને ત્યાંથી તું દિલ્હી જતી રહેજે. તને બસ ન મળે તો મને ફોન કરજે. ત્યાંથી નાસિકની બસ કરાવી આપીશ તેમ કહ્યું હતું બાદમાં ચા લાવીને મને પરાણે પીવડાવી હતી. બાદમાં તેણે નાસ્તાનું અને જમવાનું પુછ્યું હતું અને આપણે બંને હોટેલમાં જમવા જઇએ તેવું કહ્યું હતુ. પણ મેં ના પાડી હતી.એ પછી તેણે કોઇ બીજા સાથે અને કોઇ લેડીઝ સાથે ફોનમાં વાત કરી હતી. એ પછી હું ટ્રાવેલ્સની ઓફિસમાં મારો ફોન ચાર્જીંગમાં રાખ્યો હોઇ તે લેવા ગઇ હતી અને ફરીથી મારા ફ્રેન્ડને ફોન કરતાં તેણે હું હમણા આવુ છું. તેમજ નાસિક રહેતાં મામાને પણ ફોન કરીને હું નાસિક આવુ છું તેમ કહેતાં તેણે મને ફોન કરતી રહેજે, ધ્યાન રાખજે તેમ કહ્યું હતું. એ પછી સિકંદર આવ્યો હતો અને કહેલું કે મારે પણ સુરત જવાનું હતું. પણ મારે કામ ન હોત તો ડબલના સોફામાં બેસાડીને તને નાસિક મુકી જાત. આ પછી મારા ફ્રેન્ડો ફોન આવ્યો હતો. તે વખતે હું રિક્ષામાં બેઠી હતી. ત્યાં જ મારા કુટુંબી ભાઇઓ પણ આવી ગયા હતાં. જેથી મેં સિકંદરને કહેલું કે તમે રિક્ષા ભગાવો. આથી તે રિક્ષા ચાલુ કરી નવાગામ તરફ લઇ ગયો હતો. એ દરમિયાન હું ભણું છું એ સંસ્થાના મહિલા કર્મચારીનો મને ફોન આવ્યો હતો અને મારું લોકેશન માંગ્યું હતું. જેથી મેેં કહેલું કે મને ખબર નથી કે હું કયાં છું. જેથી મેં સિકંદરને ફોન આપતાં મહિલા કર્મચારીએ તેને કહેલું કે તું આને મવડી ચોકડીએ ઉતારી જા. આથી સિકંદરે રિક્ષા પાછી વાળી હતી અને મને કહેલું કે તારે મારી ઘરે આવવું છે. જેથી મેં ના પાડી જ્યાંનુ કીધુ ત્યાં રિક્ષા લઇ લેવાનું કહેતાં તેણે રસ્તામાં ઓવર બ્રીજ પર મેં રિક્ષા ઉભી રખાવી બાથરૂમ જવા ઉતરી હતી એ વખતે તેણે મારી બસની ટીકીટ લઇ લીધી હતી. તેના મોબાઇલ નંબર ડીલીટ કરી નાંખ્યા હતાં. પછી મને કહેલું કે તારે તારા ઘરેથી ભાગવું હોય ત્યારે મને કહેજે, આપણે બસ સ્ટેશનથી અહિ સુધી જે વાત થઇ તે તારા ઘરનાને ન કહેતી. તેમ કહી તે રાવકી મુકી ગયો હતો. જ્યાં મારા કુટુંબીઓ અને સંસ્થાના મહિલા કર્મચારી હાજર હતાં. બાદમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જંગલેશ્વરના સિકંદરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.



