અમદાવાદમાં વાત કરવાનું કહી સગીરાને સાથે લઈ ગયો: પિતાને ફોન કરી કહ્યું, તમારી દીકરીને પતાવી દીધી: હત્યા બાદ મંગેતર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં ગઈકાલે (11 ફેબ્રુઆરી) રાત્રે કાંકરિયાના ગેટ નંબર 7 પાસે એક યુવકે સગીરાની હત્યા કરી દીધી હતી. મૃતક સગીરા અને આરોપીની બે દિવસ પહેલાં જ સગાઈ તૂટી હતી. સગાઈ તૂટતાં આરોપી સગીરાને વાત કરવાનું કહીને સાથે લઈ ગયો હતો. બાદમાં કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું. હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર હેવાન મહંમદ આવેઝ પઠાણની ધરપકડ કરી લીધી છે.
ગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની મહંમદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. 11 ફેબ્રુઆરી રાતના સમયે સગીરા અને આવેઝ રાતના 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર 7 પાસે મળ્યાં હતાં. આવેઝને કેટલાક સમયથી સગીરા પર શંકા હતી, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આવેઝે ગુસ્સામાં કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારીને હત્યા કરી હતી.
પોતાની મંગેતરની હત્યા કર્યા બાદ આરોપી આવેઝ સામેથી મણિનગર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મણિનગર પોલીસને બનાવની જાણ થતાં ડીસીપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવની જગ્યા કોર્ડન કરીને સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ મામલે ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે યુવકે સગીરાને પથ્થર મારીને હત્યા કરી છે. યુવકને સગીરા પર શંકા હતી અને તેના જ કારણે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.
હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે: મૃતકના પિતા
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી દુકાને હતી ત્યારે વાત કરવાનું કહીને આવેઝ તેની સાથે લઈ ગયો હતો, સાથે લઈ ગયા બાદ હત્યા કરીને મને સામેથી ફોન કરીને કહે છે કે તમારી દીકરીની હત્યા કરીને હું પોલીસને સરેન્ડર કરી રહ્યો છે. સગાઈ તોડી એટલે હત્યા કરી છે. મારી દીકરીનું મોઢું ઓળખાય એવું રાખ્યું નથી. અમારી માગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે.



