ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભારતનું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ની પ્રસિદ્ધિ તા. 07 નવેમ્બર, 1882ના રોજ થઈ હતી, જેને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
’વંદે માતરમ્’ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ, દેશની આન, બાન અને શાન સમાન છે. આ પ્રસંગે ‘વંદે માતરમ 150’ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો છે, જે આ પ્રસંગની અમિત છાપ છોડશે. આ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં બે સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાદેશિક માહિતી કચેરી ખાતે ઇનચાર્જ સંયુક્ત માહિતી નિયામક એમ.ડી. મોડાસીયાના માર્ગદર્શન અનુસાર ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. તદુપરાંત, જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ અને ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ દેશની એકતા-અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટેના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. આમ, જૂનાગઢ જિલ્લામાં દેશભક્તિના પવિત્ર ભાવ સાથે આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.



