દિવાળીના પર્વ પર શ્રમિકો અને બાળકોમાં આનંદનો ઉજાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દીપાવલી પર્વ નિમિત્તે શહેરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં શ્રમિક ભાઈઓ, બહેનો અને નાના બાળકોને 1500 પેકેટ ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરીને એસ.બી.આઈ. પેન્શનર્સ એસોસિએશન, રાજકોટના સભ્યોએ ઉમદા માનવતાની સેવા આપી છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપોત્સવી તહેવાર સૌ કોઈ માટે આનંદ, પ્રેમ અને એકતાનું પ્રતિક છે પરંતુ સમાજમાં એક એવો વર્ગ પણ છે કે જે રોજીરોટી માટે જિંદગીની લડત લડે છે, જેમના બાળકો તહેવારની ખુશીઓથી વંચિત રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એસ.બી.આઈ.માં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓના સંગઠન એસ.બી.આઈ. પેન્શનર્સ એસોસિએશનના સભ્યો દ્વારા એક અનોખો ઉપક્રમ હાથ ધરાયો.
સંગઠનના પદાધિકારી શરદભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સભ્યોના સ્વૈચ્છિક આર્થિક યોગદાનથી અંદાજિત રૂા. 75000ના ખચેર્ર્ ગાંઠીયા અને લાડવાના 1500 પેકેટો તૈયાર કરાવવામાં આવ્યા. પેન્શનર્સ એસોસિએશનના લગભગ 20 વડીલ સભ્યો જાતે જ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે નાના મવા, મોટા મવા, રૈયા રોડ, રામનાથપરા, અટલસરોવર, રેસકોર્સ, રેલવે સ્ટેશન, માધાપર ચોકડી, નવા રીંગ રોડ સહિતના સ્થાનોમાં જઈ બાંધકામ સાઈટના શ્રમિકો, ફૂટપાથ પર રહેતાં લોકો અને બાળકોને મીઠાઈના પેકેટો વિતરણ કર્યા.
આ સેવા કાર્ય દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી જોઈને આપણા સભ્યોને અનોખી ધન્યતાની અનુભૂતિ થઈ. સભ્યોએ અનુભવ્યું કે ‘માનવ સેવા એજ માધવ સેવા.’ દિવાળીની પૂર્વસંધ્યાએ આ માનવતાપૂર્ણ કાર્યમાં સહભાગી બનેલા સભ્યોમાં શરદભાઈ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઈ જોશી, કમલેશ પંડ્યા, જીતુ ગણાત્રા, ધીરેન માંકડ, જનાર્દન આચાર્ય, પરેશ જોશી, રમેશભાઈ ઠક્કર, વિજય ચાવડા, મુકુંદ લીંબડ, વિજય ધોળકીયા, ભરત ત્રિવેદી, ભરત સિંગરખીયા, વી. એમ. સોરઠીયા, કિશોરભાઈ કનેરિયા, પરેશ વિઠલાણી, શૈલેષ મહેતા, મુકેશ રૈયારેલા, હઠીસિંહ જાડેજા, કલ્પનાબેન વિઠલાણી અને મનીષા સરવૈયા વગેરેનો સમાવેશ થાય છે.



