રામનાથપરા વિસ્તારમાં આઝાદી પહેલાથી એટલે કે 125 વર્ષથી અહીં ગરબી થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે જયઅંબે મંડળ દ્વારા આયોજિત ગરુડની ગરબી રાજકોટ શહેરની જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની પ્રાચીન ગરબીઓમાંથી એક છે. ગરબાની પરંપરા ગુજરાતમાં વર્ષો જૂની છે. જોકે હવે પ્રાચીન ગરબા કરતા અર્વાચીન ગરબા વધારે પ્રમાણમાં યોજાય છે. પરંતુ તેમ છતાં રાજ્યના કેટલાક શહેરોમાં વર્ષો જૂની ગરબીની પરંપરા આજે પણ યથાવત છે. આવી જ વર્ષો જૂની છે રાજકોટની ગરુડની ગરબી. રાજકોટ શહેર ખાતે રામનાથ પરા વિસ્તારમાં આઝાદી પહેલાથી એટલે કે 125 વર્ષથી ગરુડની ગરબી થાય છે.
આ વર્ષના પ્રથમ નોરતે બાળાઓએ હુડો રાસ, તાલી રાસ, ઉલારીયા રાસ, સાથિયા રાસ, ખંજરી રાસ, દાંડિયા રાસ દ્વારા પંખીડાં તુ ઉડી જાજે પાવાગઢ સહિતના રાસ રજૂ કર્યા હતા. આ ગરુડની ગરબીની વિશેષતા એ છે કે ખાસ પ્રકારે ગરુડની પ્રતિકૃતિ તૈયાર કરી આકાશમાં ફેરવવામાં આવે છે.
આ ગરબીનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને ચમત્કારી છે. આ ગરબીની શરૂઆત દેશ આઝાદ થયો તે પહેલા કરવામાં આવી હતી. આ ગરબીનું નામ ગરુડની ગરબી પડ્યું તેની પાછળ પણ એક રોચક કથા છે. આ મંદિર વિશે માન્યતા છે કે 18મી સદીમાં રામનાથ પરા પાસે ગઢ આવ્યો હતો અને તેની રક્ષા કરતા રક્ષકોએ અંબા માતાના મંદિરની અહીં સ્થાપના કરી હતી. તે સમયે ફાનસની લાઈટ અને તબલાના તાલે બાળાઓ ગરબી રમતી હતી.
- Advertisement -
લાખાજીરાજ બાપુના હસ્તે આ ગરબીની શરૂઆત કરાઈ હતી. તે સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું. ગરબીમાં દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરેલી બાળકીઓ બેસતી અને ગરુડ નીચે ઉતરતું હતું. આઝાદી પહેલા શરૂ થયેલી આ ગરબીનું અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ અસ્તિત્વ ટકી રહ્યું છે.
રાજકોટ શહેરમાં પણ ગરૂડીની ગરબીનું વિશેષ મહત્વ છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ગરબીના ખાસ રાસ જોવા ઉમટે છે. ગરુડની ગરબી ખાતે મશાલ રાસ, ત્રિશુલ રાસ, મહાકાળીનો રાસ, મહિષાસુરનો રાસ સહિતના રાસ ખૂબ જ પ્રખ્યાત છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો છે.



