રાજકોટ સિવિલ હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરી
અમારું ધ્યેય માત્ર સર્જરી કરવાનું નથી પરંતુ દર્દીને ફરીથી નિર્ભયતાથી જીવન જીવવા સક્ષમ બનાવવાનું છે : ડૉ. શૈલેષ રામાવત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સામાન્ય રીતે લોકોને કિડનીમાં પથરી, પિતાશયમાં પથરીની સમસ્યાઓ આવતી હોય છે પરંતુ ઘૂંટણમાં પથરી હોવાની વાત મેડીકલ ક્ષેત્રમાં રેર કેસ સમાન છે. ઓર્થોપેડીકની ભાષામાં ઘૂંટણની પથરીને ‘લુઝ બોડિસ’ કહેવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવો જ એક રેર કિસ્સો ઓર્થોપેડીક વિભાગ સામે આવ્યો હતો. દર્દી સુમિતાબહેન વિઠ્ઠલપરાના ઘૂંટણમાં 20 જેટલી પથરી હોવાનું સામે આવ્યું. સુમિતાબહેનના ઘૂંટણની પથરીના જટિલ ઓપરેશન અંગે વિગતવાર વાત કરતાં ઓર્થોપેડીક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. શૈલેષ રામાવતે જણાવ્યું હતું કે, દર્દી ઓર્થોપેડીક વિભાગના યુનિટ – 3માં દાખલ થયા હતા. તપાસ કરતાં સામે આવ્યું હતું કે, દર્દીના જમણા પગના ઘૂંટણમાં ‘લુઝ બોડિસ’(અંદર ફરતાં નાના હાડકા/કાર્ટિલેજના ટુકડા) સર્જાતા તેમને ભારે દુખાવો થતો હતો તેમજ અચાનક ઘૂંટણ લોક થઈ જવાથી પગ વાંકો કે સીધો કરવામાં પણ અસમર્થતા આવતી હતી. રોજિંદા જીવનમાં અવરોધ, સતત દુખાવો અને ચાલવામાં થતી તકલીફને કારણે તેમનું જીવન લગભગ થંભી ગયું હતું. પરંતુ પરિવારના સહારે અને આત્મવિશ્વાસના કારણે દર્દીએ સારવાર લેવામાં હિંમત દેખાડી. ત્યારબાદ નિષ્ણાંત ડોકટરોએ તમામ તપાસ કર્યા બાદ દર્દીની સમસ્યા આર્થોસ્કોપી સર્જરીથી દૂર કરી શકાય તેવું હતું. ઓપરેશન અત્યંત જટિલ હોવા છતાં ટીમે કુશળતા અને વિશ્વાસપૂર્વક કામગીરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન અંદરના આશરે 20 જેટલા ‘લુઝ બોડિસ’ (ઘૂંટણની પથરી) દૂર કરવામાં આવ્યા અને સાંધાને ફરીથી કાર્યક્ષમ બનાવવામાં આવ્યો હતો.



