ગણેશજીની ભક્તિમાં ઉમટી પડ્યા ભક્તો, આવતીકાલે સત્યનારાયણ કથાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના હૃદયસ્થળ સમા યાજ્ઞિક રોડ પર સ્થિત ’રાજકોટ કા મહારાજા’ ગણેશ પંડાલમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવના સાતમા દિવસે આજે અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ’છપ્પન ભોગ’ રૂપે મહાપ્રસાદ અર્પણ કરી ગજાનન મહારાજના ચરણોમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. આખો પંડાલ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં છલકાઈ ગયો હતો.
આજની મહાઆરતીમાં બ્રહ્મ પરિવારો ઉપરાંત શહેરના અનેક અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોએ હાજરી આપી હતી. જેમાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર, વોર્ડ નં. 14ના પ્રમુખ શ્રી સુરેશભાઈ વાડોલિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા, મોરબી-વાંકાનેર બ્રહ્મસમાજના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ રાવલ, 17 તાલુકા બ્રહ્મસમાજના અગ્રણી જે.પી. ત્રિવેદી, મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજના શૈલેષભાઈ જાની સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તડગોળના અગ્રણીઓ, જાણીતા ડોક્ટરો, ઝાલાવાડ ઔદીચ્ય બ્રહ્મસમાજ ભગિની મંડળની બહેનો દ્વારા ગણેશ અથર્વશીર્ષના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું હતું.
ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય તેજસભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુરુવારના રોજ સાંજે 4 વાગ્યે પંડાલમાં પ્રખર શાસ્ત્રીજી અને ભાગવતાચાર્ય જયભાઈ ત્રિવેદીના મધુર સ્વરમાં ’શ્રી સત્યનારાયણ ભગવાનની કથા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કથાનું શ્રવણ કરવાથી જીવનના દુ:ખ-ક્લેશ દૂર થઈ સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે તેવી માન્યતાને લીધે ભૂદેવ સેવા સમિતિએ તમામ ધર્મપ્રેમી જનતા અને ગણેશભક્તોને આ પવિત્ર પ્રસંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
આ ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને મહાઆરતીને સફળ બનાવવા માટે ભૂદેવ સેવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
તેજસભાઇ ત્રિવેદીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ માનવ વ્યાસ, મિત ભટ્ટ, વિશાલ આહ્યા, ભરત દવે, પરાગ મહેતા, વિકી ઠાકર, દિલીપ જાની, વિરલ જોશી, ચેતન દૂસરા, પ્રશાંત ઓઝા, જીગ્નેશ પંડ્યા, રાજ ભટ્ટ, દીપક જસ્વાલ, આશિષ ત્રિવેદી, કૌશલ ત્રિવેદી, જય રાવલ સહિતના સભ્યોના સમર્પણથી આ કાર્યક્રમ અવિસ્મરણીય બન્યો હતો.



