ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં ખેતી પાક અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે.
ઘેડ વિસ્તારમાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઊભા પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. ખેડૂતોને કપાસ, મગફળી અને અન્ય પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, સતત વરસાદને કારણે ખેતરોની જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે જમીન ખેતીલાયક રહી નથી. આ તારાજી માત્ર ખેતી પૂરતી સીમિત નથી. ઘેડ પંથકના અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પણ ભારે વરસાદના કારણે તૂટી પડ્યા છે. માર્ગો તૂટવાથી ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નુકસાનનો અંદાજ મેળવીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.



