તાલાલા વિસ્તારના 13 ગામોને મામલતદારે સાવચેત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.25
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્ર્વર ડેમ છલકાઇ જવાની તૈયારી કરી રહ્યો હોવાનાં સમાચારથી તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોમાં હરખ સમાતો નથી.કમલેશ્ર્વર ડેમ 92 ટકાથી પણ વધુ ભરાઈ ગયો હોય ડેમ ગમે ત્યારે છલકાઈ જવાની પ્રતિતિ થતાં સિંચાઈ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે.
- Advertisement -
સિંચાઇ વિભાગના જણાવ્યા પ્રમાણે કમલેશ્ર્વર ડેમ 92 ટકાથી વધારે ભરાઈ ગયો છે અને હજી પણ ડેમ ઉપર ધીમીધારે વરસાદી મોટા મોટા ઝાપટાં વરસી રહ્યા હોય ડેમ ઓવરફ્લો થવા જઈ રહ્યો છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ડેમ ઉપર સતત નજર રાખી રહ્યા છે.સિંચાઈ વિભાગના સેક્શન અધિકારીના પત્ર અંતર્ગત મામલતદાર કૃષ્ણસિંહ ચુડાસમા એ કમલેશ્ર્વર ડેમ હેઠવાસમાં આવતા તાલાલા વિસ્તારના 13 ગામોને સાવચેત કર્યા છે.
ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીને અવગત કરતાં પત્રમાં મામલતદારે જણાવ્યું છે કે કમલેશ્ર્વર ડેમનાં નીચાણવાળા વિસ્તારમાં આવતા ગીરના જંગલમાં આવેલ બે નેસડા અને તાલાલા શહેર ઉપરાંત રમળેચી,ચિત્રાવડ,ચિત્રોડ ગીર,ગીદડીયા,ખીરધાર,બોરવાવ ગીર,સાંગોદ્વા,ઘુંસિયા ગીર ગામોને સાવચેત રહેવા તથા હિરણ નદી કાંઠા ઉપર આવેલ ગામોના લોકો નદીના પટ વિસ્તારમાં અવરજવર કરવી નહીં તેમજ ગામના પશુધનને નદીના પટ વિસ્તારમાં ચરાવવા જાય નહીં તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગામમાં હાજર રહી જીલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂૂમનાં સંપર્કમાં રહે તેમજ કર્મચારીઓ હેડ ક્વાર્ટરમાં અચુક હાજર રહેવા માટે સુચના આપવા ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીને તાકિદ કરી છે.



