ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ઢોરના ડબ્બા, નવનિર્મિત આધુનિક ગૌશાળાઓ તેમજ એનિમલ શેલ્ટર હોમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કમિશનરે મનપા દ્વારા પકડાયેલા ગૌવંશ અને અન્ય અબોલ પ્રાણીઓની સુખાકારી તેમજ જાળવણી અંગેની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
વિવિધ વિસ્તારોના ઢોર ડબ્બા અને ગૌશાળાઓનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું તેની સાથે ઝાંઝરડા રોડ નજીક બની રહેલી નવી આધુનિક ગૌશાળા અને નિર્માણ હેઠળનું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર તથા ડોગ શેલ્ટર હોમની મુલાકાત દરમિયાન કમિશનર પ્રભવ જોષીએ પશુઓની સુવિધા માટે અધિકારીઓને સ્થળ પર જ અત્યંત મહત્વના સૂચનો આપ્યા હતા. ગૌવંશ માટે આપવામાં આવતા આહારમાં કોઈ બાંધછોડ કર્યા વિના નિયમિતપણે ગુણવત્તાયુક્ત લીલો અને સૂકો ચારો પૂરતા પ્રમાણમાં આપવો તેમજ હાલની કાળઝાળ ઉનાળાની ગરમીની ઋતુને ધ્યાને રાખીને તમામ પ્રાણીઓને પીવાનું પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી અને બીમાર કે ઈજાગ્રસ્ત પશુઓની તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને પશુ ચિકિત્સકની સુવિધા તાકીદે ઉપલબ્ધ કરાવવી. ઝાંઝરડા રોડ પર બની રહેલી અત્યાધુનિક ગૌશાળાના બાંધકામની પ્રગતિ નિહાળીને આ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.



