કેશોદમાં 8 સ્પા પર પોલીસના દરોડા: સીસીટીવી અને પરપ્રાંતીય સ્ટાફનું ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં કાયદો, વ્યવસ્થા અને શાંતિની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા સેન્ટરો માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની કડક અમલવારીના ભાગરૂપે જૂનાગઢ એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો દ્વારા કેશોદ વિસ્તારમાં આવેલા કુલ 8 સ્પામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર, તમામ સ્પા સંચાલકો માટે સ્પામાં કામ કરતા કર્મચારીઓના ઓળખના પુરાવા અને જરૂરી માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. ઓફિસે આપવી ફરજિયાત છે. આ ઉપરાંત સ્પામાં સીસીટીવી કેમેરા લગાવવા અને તેનું ફરજિયાત 30 દિવસનું વિડીયો બેકઅપ રાખવું જરૂરી છે. પોલીસ ચેકિંગ દરમિયાન કેશોદના ઓલા ફેમિલી સ્પામાં ગુજરાત રાજ્ય બહારના (પરપ્રાંતીય) વ્યક્તિઓને કામે રાખવામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું, જેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નહોતી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જણાતા પોલીસે સ્પા સંચાલક જયેશભાઈ હાસમભાઈ ભાણવડીયા રહે. ચૂના ભઠ્ઠી રોડ, રોયલ પાર્ક સોસાયટી, કેશોદ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી. મકવાણા તથા એસ.ઓ.જી., એલ.સી.બી. અને કેશોદ પોલીસ સ્ટાફના સંયુક્ત કરવામાં આવી હતી.



