અરબી સમુદ્વ પર નવી સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી
હાલ કેરળથી નીકળી મુંબઇમાં અટક્યું ચોમાસું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.04
કેરળ અને મુંબઇ સુધી ચોમાસુંં વહેલું આવ્યા બાદ મહારાષ્ટ્ર અને મુંબઇથી આગળ વધવાના બદલે ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે. હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. દરમિયાન મંગળવારે બપોરના સમયે પ્રતિ કલાક 25 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડે છે. પરંતુ નિયમિત વરસાદ વરસતો નથી.
આ અંગે હવામાન વિભાગના વિજ્ઞાનીઓ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઇ છે પણ કેરળમાંથી ચોમાસુંં આગળ વધીને મુંબઇ સુધી આવીને અટકી ગયું છે. આ ચોમાસુંં ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ ત્યાં જ વરસી રહ્યો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસુંં આગળ વધી શકયું નથી.
- Advertisement -
હવે અરબી સમુદ્વ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષે મે મહિનાના અંતે કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટાં પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદની તો 14 અને 15 જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ 14 અને 15 મી જૂન પછી જ ચોમાસુંં એન્ટ્રી કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
ગુજરાતમાં ચોમાસા પહેલાં ખરીફ વાવેતરનો આરંભ, ગત વર્ષ કરતાં ધીમું વાવેતર
ગુજરાતમાં ખેતીવાડીની ત્રણ સીઝનમાં સૌથી મોટી અને 20 પ્રકારના પાકોમાં સર્વાધિક ઉપજ પેદા કરતી ખરીફ અર્થાત્ ચોમાસુ ઋતુનું વાવેતર શરુ થયું છે. જો કે ગત વર્ષે આજ સુધીમાં 42,355 હેક્ટર સામે આ વર્ષે માત્ર 2678 હેક્ટરમાં વાવણી થઈ છે. એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળો જોઈને ધીમી ગતિએ મગફળી,કપાસ, શાકભાજી સહિત પાકોના બીજ રોપવાનું શરુ કરી દીઘું છે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી શરુ થઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારી કરે છે. મુખ્ય ત્રણ ઋતુની જેમ રાજ્યમાં વાવણીની પણ ત્રણ ઋતુઓ છે. પરંતુ, તેમાં સૌથી વધુ 86 લાખ હેક્ટરનું વાવેતર ચોમાસા દરમિયાન થાય છે જેને ખરીફ ઋતુ કહે છે. આ સીઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગ, મગફળી, કપાસ, દિવેલા, સોયાબીન વગેરે મુખ્ય પાક છે. બાજરી દરેક ઋતુમાં વવાય છે. ઉલ્લેખનીય છે કે આ ઋતુમાં થતા મગફળી અને કપાસના ઉત્પાદનની ગુજરાતના અર્થતંત્ર પર મોટી અસર હોય છે અને સમગ્ર દેશમાં ગુજરાત આ બન્ને પાકોમાં અગ્રેસર છે. શિયાળામાં આશરે 46 લાખ હેક્ટરમાં વાવણી થાય છે, જેમાં મુખ્યત્વે ઘંઉ, જીરુ, ચણા, શેરડી, ધાણાનો પાક ખેડૂતો લેતા હોય છે.



