6000 ચોરસ મીટરની જગ્યા પર 70 કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ-પાટણ ખાતે સર્વે નંબર 831 સરકારની માલિકીની જગ્યામાં જ્યાં નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે એ આશરે 6000 ચોરસ મીટરની જગ્યા પર 70 થી વધુ કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્શન કાપવામાં આવ્યાં હતાં.
વારંવાર સમજુતી કરવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપરપઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું નહોતું. જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની સગવડતામાં વધારો થશે.



