તારીખ 1 એપ્રીલથી 10 એપ્રીલ રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં માધવપુર મેળાની સાંસ્કૃતિક ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના દિવ્ય વિવાહનું સાક્ષી બનેલું પૌરાણિક મહત્વ ધરાવતું માધવપુર(ઘેડ) ગામ વર્ષોથી પરંપરાગત રીતે કૃષ્ણ-રૂકમણીના લગ્ન મેળાનું આયોજન કરે છે. વર્ષ 2018થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ મેળાને બહુમાન મળતા મેળાનું મહાત્મ્ય વધ્યું છે. અને જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના ગૌરવને સર કરે છે. વર્ષ 2025માં, માધવપુર ઘેડમાં યોજાતો આ મેળો અતિવિશેષ અને ઐતિહાસિક બની રહ્યો છે કેમકે હવે આ મેળો માત્ર પાંચ દિવસનો નહીં, પરંતુ દસ દિવસીય ભવ્ય રાજ્યવ્યાપી સાંસ્કૃતિક મહોત્સવ તરીકે ઉજાગર થયો છે, જે ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઉંચાઈ પર લઇ જવા માટે સક્ષમ બન્યો છે.
આ સાંસ્કૃતિક મહોત્સવ 1 એપ્રિલથી 10 એપ્રિલ 2025 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉજવાશે, આ ઉત્સવની ભવ્ય શરૂઆત 1 એપ્રિલે સુરતથી થઈ ચૂકી છે, ત્યારબાદ 2 એપ્રિલે વડોદરા, 3 એપ્રિલે અમદાવાદ, 5 એપ્રિલે સોમનાથ, અને 6 થી 9 એપ્રિલ દરમિયાન મુખ્ય મેળો માધવપુર(ઘેડ) ખાતે યોજાશે. સાંસ્કૃતિક મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 10 એપ્રિલે દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં ભારતીય સાંસ્કૃતિક એકતાનું ઉજ્વળ પ્રદર્શન થશે.
આ મહોત્સવ દરમિયાન ગુજરાત તથા ઉત્તર-પૂર્વીય રાજ્યોના કલાના રંગોએ સજીત 1600 થી વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તદુપરાંત, પરંપરાગત લોકનૃત્ય, લોકગીતો, હસ્તકલા પ્રદર્શનો અને શિલ્પકારોની કૃતિઓ આ મેળાને વિશેષ જ્યોતિ પ્રદાન કરશે. સ્થાનિક તેમજ પરપ્રાંતિય કારીગરો, કલાકારો અને પર્યટન ઉદ્યોગ માટે આ મહોત્સવ એક સુંવર્ણ અવસર પુરો પાડશે.
માધવપુરનો આ ભવ્ય મેળો માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક જ નહીં, પરંતુ ગુજરાતની પરંપરા અને વારસાને જીવંત રાખતો એક મહત્વપૂર્ણ મહોત્સવ છે. સમગ્ર રાજ્યના નાગરિકો અને સંસ્કૃતિપ્રેમીઓ માટે આ દસ દિવસો એક અમૂલ્ય તહેવાર સમાન રહેશે, જે ગુજરાતની સાંસ્કૃતિક મહેકને વિશ્વમંથન સુધી પહોંચાડશે.



