હિરણ-1, હિરણ-2 તેમજ મચ્છુન્દ્રી ત્રણ ડેમ 100 ટકા ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 6 તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 37 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં 51.52 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં 27.52 ઇંચ, તાલાલા તાલુકામાં 51.52 ઇંચ, વેરાવળ-પાટણ તાલુકામાં 45.92 ઇંચ, સુત્રાપાડા તાલુકામાં 40.84 ઇંચ, કોડિનાર તાલુકામાં 34.88 ઇંચ અને ઊના તાલુકામાં 24.16 ઇંચ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
આમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.29-08 ના બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ 37 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલાલા તાલુકામાં 51.52 ઇંચ નોંધાયો છે, જ્યારે ઊના તાલુકામાં સૌથી ઓછો 24.16 ઇંચ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 0.15 મીટર ઓવરફ્લો થયો
તાલાલા પંથકના ગીરના જંગલમાં અવિરત પડી રહેલ ભારે વરસાદને કારણે તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 0.15 મીટર ઓવર ફ્લો થયો છે અત્યારે ડેમમાં 729 ક્યુસેક નવા પાણીની આવક આવે છે ડેમના હેઠવાસના તાલાલા પંથકના 10 ગામોને સાવચેતીના મેસેજ મામલતદાર તથા સિંચાઈ વિભાગ પહોંચાડી રહ્યું છે.
સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગત ત્રણ દિવસથી સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં પડેલા વરસાદને કારણે હિરણ-1, અને હિરણ-2 તેમજ મચ્છુન્દ્રી ડેમ 100 ટકા ભરાયા છે. જિલ્લાના કુલ પાંચ ડેમમાંથી તાલાલા તાલુકાનો હિરણ-1 અને હિરણ-2 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે ગીર ગઢડા તાલુકાનો મચ્છુન્દ્રી ડેમ પણ 100 ટકા છલોછલ થયો છે. જ્યારે ગીરગઢડા તાલુકાનો રાવલ ડેમ 97 ટકા અને શિંગોડા ડેમ 90 ટકા જેટલા ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને જો પાણીનો પ્રવાહ વધે તો ડેમના દરવાજા વધુ ખોલવામાં આવી શકે છે. જેથી નીચાણવાણા વિસ્તારમાં રહેતાં લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં પોતાના ઢોર-ઢાંખરને ન લઈ જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.