“કોરોના મુકત ગુજરાત” ની સંકલ્પનાને સાકાર કરવા રાજકોટ જિલ્લામાં ૨૫ થી વધુ સેન્ટરો પર ૧૮ પ્લસ તમામ લોકોને વિનામૂલ્યે રસીકરણ શરૂ કરાયું
આજથી ૧૮ પ્લસ તમામ નાગરીકો માટે વોક ઇન વેક્સિનેશનનો પ્રારંભ
કોરોનાની મહામારી થી બચવા કોરોના પ્રતિરોધક રસી એક માત્ર અમોઘ ઉપાય છે. આથી “કોરોના મુકત ગુજરાત”ની સંકલ્પનાને સાકાર કરવા આજથી સમગ્ર રાજયમાં વિનામૂલ્યે કોવીડ વેક્સિનેશન શરૂ કરાયું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે નિઃશૂલ્ક કોવીડ રસીકરણનો પ્રારંભ કરાયો હતો.
- Advertisement -
આ તકે મંત્રી બાવળીયાએ રાજય સરકારના આ કોરોના પ્રતિરોધક રસીકરણના મહાઅભિયાનનો લાભ લઇને કોરોના સામે સુરક્ષા કવચ મેળવી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કોરોનાથી બચવા રસીકરણ એ એક માત્ર અમોધ શસ્ત્ર હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોરોના મુક્ત ગુજરાત બનાવવાના નિર્ણાયક અને સંવેદનશીલ કદમને બિરદાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે આ વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ, નગરપાલિકાના સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. ૨૦ મી જૂન સુધીમાં ૨ કરોડ, ૨૦ લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને ૪૪ થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના ૧,૩૮,૧૨,૫૯૫ ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને ૩૦,૭૫,૧૬૩ વેક્સિન ડોઝ અપાયા છે.
- Advertisement -
રાજયભરના તમામ ૧૮ પ્લસ લોકોનો સરળતાથી અને ઘર આંગણે રસી મળી રહે તે માટે રાજય ભરમાં ૫૦૦૦ થી વધુ વેક્સિનેશન સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં વોક ઇન વેક્સીનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજકોટ જિલ્લામાં કુલ ૨૫ જેટલા સુનિશ્ચિત કરાયેલા વિવિધ વેક્સિનેશન સેન્ટર પર ધારાસભ્યો ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, સરદાર પટેલ જળસંયચ નિગમના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા સહિત જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન ઓ, નગરપાલિકાના પ્રમુખ ઓ, સદસ્યો અને આગવાનો પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.


