જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 કેદીઓનો ભાગવાનો પ્રયાસ નિષ્ફ્ળ, ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જુનાગઢ જીલ્લા જેલમાં બળાત્કાર અને પોક્સોના આરોપમાં જેલમાં બંધ કાચા કામના ચાર કેદીએ ભાગવાનો પ્લાન એક અઠવાડિયા પેહલા કરી નાખ્યો હતો જે બેરેકમાં આ લોકો હતા તેમાં ટોટલ 29 કેદીઓ હતા. રાત્રિના 2 વાગ્યા આસપાસ ચારેય કેદી ઊભા થયા હતા અને કપડાં વડે જેલના સળિયા પહોળા કર્યા હતા. એક વ્યક્તિ નીકળી શકે એટલી જગ્યા થતા ચારેય નાશી ગયા હતા. પ્લાનિંગ મુજબ જેલરના બેરેક ઉપર તો પહોંચી ગયા હતા. પણ એસઆરપી જવાનની નજર ચાર ખાલી પથારી ઉપર પડતા તાત્કાલિક તમામ સ્ટાફને એલર્ટ કરી કેદીઓને જગાડી તપાસ કરી હતી.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા જેલમાંથી મોડી રાત્રે બેરેકનાં સળિયા પહોળા કરી પોક્સો, દુષ્કર્મનાં 4 કેદી ભાગ્યા હતા. જોકે જેલ પ્રશાસને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી અંતે ચારેય કેદીને જેલની વહીવટી બિલ્ડીંગના ધાબા પરથી પકડી ફરી બેરેકમાં ધકેલી દીધા હતા. જયારે રાત્રિના વરસાદી વાતાવરણ વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાં નિરવ શાંતિ હતી અને જેલના ગાર્ડ વગેરેના સખ્ત પહેરા હેઠળ મોટાભાગના કેદીઓ સુઈ ગયા હતા. ત્યારે રાત્રિના 2 વાગ્યાના અરસામાં જેલના 4 કેદી વિરેન્દ્ર ભનુ મકવાણા, ભુપત દેવજી, ડાયા ચના અને અશ્વિન ઉર્ફે દીપક કાળુ મકવાણા જેલની બેરેકના લોખંડના સળિયા પહોળા કરી બેરેકમાંથી બહાર નીકળી ભાગી ગયા હતા. જેની જાણ ફરજ પરના એસઆરપી જવાને કરતા હરક્તમાં આવી ગયું હતું. આ દરમ્યાન જેલ અધિક્ષક એચ. ઓ. વાળાએ પણ તાત્કાલિક દોડી આવી સમગ્ર જેલ સ્ટાફ, હેડ ક્વાર્ટરમાં રહેલા સ્ટાફની અલગ અલગ 3 ટીમ બનાવી આખી જેલને કોર્ડન કરવાની સાથે જેલની અંદર, બહાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ જેલની તમામ બિલ્ડિંગ ચેક કરવામાં આવી હતી જેમાં એક ટીમને વૃક્ષો પર ચડાવી તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન જેલની વહીવટી બિલ્ડીંગ પર સર્ચ દરમ્યાન ધાબા પર છુપાયેલા ચારેય કેદી મળી આવતા પકડી લઈ કડક પહેરા હેઠળ ફરી બેરેકમાં મોકલી આપી 4 કેદીનો જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જેલ અધિક્ષક વાળાએ જણાવ્યું હતું કે, વિરેન્દ્ર ભનુ મકવાણા તા. 27 ડિસેમ્બર 2023થી, ભુપત દેવજી સાવડીયા તા. 14 મે 2,024થી વિસાવદર પોલીસ સ્ટેશનના તથા ડાયા ચના ગરસડીયા તા. 31 માર્ચ 2025થી ભેસાણ અને અશ્વિન ઉર્ફે દીપક કાળુ તા. 17 એપ્રિલ 2025થી કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો, દુષ્કર્મ ગુના સબબ જેલમાં આવ્યો હતો. આ ઘટના અંગે ચારેય કેદી સામે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.



