સફાઈ કર્મીઓની સીધી ભરતીથી નિમણુંક પામેલાને નિમણુંકપત્રો એનાયત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ યુનિ. ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યરની સાર્વત્રિક ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોના રુ.61 કરોડથી વધુના વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ તથા ઈ- ખાતમુહૂર્ત, સીધી અને પારદર્શક ભરતી પ્રક્રિયાથી નિમણુંક પામેલા ઉમેદવારોને નિમણુંક હુકમ વિતરણ અને વોર્ડ વાઈઝ શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરી રહેલા સફાઈ મિત્રોને પ્રોત્સાહનરૂપી ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા.
- Advertisement -
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે શહેરના રૂ.61 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, યશસ્વી પ્રધાનમંત્રી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2005 થી શહેરી વિકાસ માટે શરુ કરેલ યોજનાઓને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થતા 2025 ને ગુજરાત શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું હોવાથી શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે 40% વધારીને રૂ.30,325 કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના શહેરોના આંતર માળખાકીય વિકાસને નવી ઉંચાઈ મળશે. મિશન અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂ.1950 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
શહેરમાં અમૃત મિશન હેઠળ કુલ રુ.પપ0 કરોડના પ્રોજેકટસ પ્રગતિ હેઠળ છે. જેમાં ભૂગર્ભ ગટરનું માળખું સુદ્રઢ થઈ રહયું છે. આ ઉપરાંત તમામ ઘરોમાં પીવાના પાણીની સુવિધાનો ડી.આઈ.પાઈપ લાઈન નાંખી નવીનીકરણ કરવામાં આવી રહયું છે. જેનો મહાનગરના અંદાજે 4 લાખ લોકોને નજીકના સમયમાં લાભ મળનાર છે. આ ઉપરાંત વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ પુર્ણ થતા ભવનાથ અને ઉપરકોટની મુલાકાત લેનાર પ્રવાસીઓને નવું નઝરાણું મળશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ શહેરી આવાસ પૂરા પાડવા માટે રૂ. 1350 કરોડની જોગવાઈ છે. જે અન્વયે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત 103- આવાસો માટે અંદાજિત રકમ રૂ.4.12 કરોડની મંજુરી મળતા 103 પરિવારોને પોતાની છત મળશે. હાલમાં દોલતપરા ફાયર સ્ટેશનનું કામ હાલ પ્રગતિમાં છે.
આ ઉપરાંત ઝાંઝરડા ફાયર સ્ટેશનનું રૂ.7.37 કરોડનું ખાતમુહૂર્ત થશે. તેમજ એક અન્ય ફાયર સ્ટેશનનુ રૂ.4.51 કરોડ ખર્ચે કામ થશે. આ ઉપરાંત ફાયરના અંદાજે રકમ રૂ.40 કરોડના કુલ 16 સાધનો ખરીદીની પ્રક્રિયામાં છે. જે મળતા જૂનાગઢની ફાયર અને ઈમરજન્સી સર્વિસ સુદ્રઢ બનશે.



