સીસીટીવી આધારે તપાસ કરી ગઢીયાનગરના શખ્સ પાસેથી 20 કિલો ચાંદીનું બાચકું કબ્જે કર્યું
રાજકોટના સંત કબીર રોડ પર ત્રિવેણી ગેટ નજીક રસ્તામાં પડી ગયેલું 32 લાખની કિંમતનું 20 કિલો ચાંદીનું બાચકું ઉઠાવી ઘરે લઈ ગયેલા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી આખો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 23ના રોજ સવારે 10 વાગ્યે વેપારી પ્રશાંતભાઈ ઉત્તમભાઈ મેટકરી સાંઈબાબા રિફાઇનરીમાંથી ત્રણ થેલીમાં 20-20 કિલો મળી કુલ 60 કિલો શુદ્ધ ચાંદીના દાણા એક્ટિવા પર રાખી જઈ રહ્યા હતા. દરમિયાન એક બાચકું રસ્તામાં પડી ગયું હતું, જેની જાણ તેમણે પોલીસને કરી હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિકની સૂચના અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમોએ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખ સબાડ, કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજા અને કિશન પાંભરની તપાસમાં ત્રિવેણી ગેટ પાસેથી બાચકું લઈ જનાર ગઢીયાનગરના રાજેશ મોહનભાઈ રાઠોડ મળી આવ્યો હતો. તેની પાસેથી 32 લાખની 20.060 કિલો ચાંદી કબજે કરી મૂળ માલિકને પરત કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે ક્રાઇમ રબન્સ પીઆઈ અજીતસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે પોલીસની પૂછપરછમાં રાજેશ રાઠોડે એવું જણાવ્યું હતું કે રસ્તા પર બાચકું રેઢું પડેલું જોઈ તેણે ઉઠાવી લીધું હતું અને અંદર ચાંદી નીકળતાં પરત કરવાને બદલે પોતાની પાસે રાખી લીધું હતું.




