એક સારો શિકારી પોતાના કરતાં પોતાના શિકારના ઠેકાણા વધુ સારી રીતે જાણે છે.
વર્ષ દરમિયાન વિશ્વમાં પશુઓ દ્વારા માનવોની હત્યાના સમાચાર અવારનવાર આવતા જ હોય છે, પણ એક જ પ્રાણી દ્વારા સૌથી વધુ માનવહત્યાના રેકોર્ડ વિશે ઘણાને ખબર નહીં હોય. અહીં એક જ પ્રજાતિનાં પ્રાણીઓની નહીં, પણ માત્ર એક જ પ્રાણીની વાત થાય છે. એ રેકોર્ડ ભારતની ‘ચંપાવતની માનવભક્ષી વાઘણ’ના નામે છે. ‘ટાઇગર ઓફ ચંપાવત’ તરીકે આખા વિશ્વમાં કુખ્યાત એ વાઘણે ૧૯૦૦ના દાયકામાં ૪૩૬ (જી હા, પૂરા ૪૩૬!) નરબલી લીધા હતા, જેમાંથી ૨૦૦ કમનસીબો નેપાળના અને ૨૩૬ હતભાગી લોકો ભારતના હતા.રસપ્રદ વાત એ છે કે કોઈ પણ વાઘ જન્મજાત માનવભક્ષી હોતો નથી. પાછળથી જાણવા મળ્યું હતું કે શિકારીની ગોળી વાગવાથી આ વાઘણના જમણી બાજુના ઉપર અને નીચેના રાક્ષસી દાંત (Canines) તૂટી ગયા હતા. કુદરતી શિકાર કરવામાં અસમર્થ બનેલી અને ભૂખથી પીડાતી એ વાઘણે લાચારીમાં મનુષ્યને પોતાનો આસાન શિકાર બનાવ્યો હતો. જેમને આખા વિશ્વમાં મહાનતમ શિકારી કહેવાય છે અને જેમના નામે ભારતનો ‘કોર્બેટ નેશનલ પાર્ક’ છે, તે સર્વકાલીન મહાન શિકારી સર જિમ કોર્બેટે ૧૯૦૭માં જીવના જોખમે એ વાઘણનો શિકાર કરીને કુમાઉં પંથકને તેના આતંકમાંથી મુક્તિ અપાવી હતી. નિવૃત્તિ બાદ જિમ કોર્બેટે પોતાના અનુભવો પરથી ‘મેન-ઇટર્સ ઓફ કુમાઉં’ જેવાં ઘણાં અદભુત પુસ્તકો લખ્યાં, જેમાં આ બધા રોમાંચક અનુભવો તેમણે વર્ણવ્યા છે. ‘સફારી’ના એક અંકમાં આ વાઘણ વિશે વાંચ્યું. (નોંધનીય છે કે જિમ કોર્બેટ પાછળથી શિકારી મટીને ભારતના સૌથી મોટા વન્યજીવ સંરક્ષક બન્યા હતા.)સાહિત્યની વાત કરીએ તો અંગ્રેજીમાં જિમ કોર્બેટ, કેનેથ એન્ડરસન કે હિન્દીમાં શ્રીરામ શર્માએ અત્યંત રોમાંચક શિકારકથાઓ લખી છે. પ્રાણીઓના શિકાર કે માનવ-પ્રકૃતિના સંઘર્ષ પર ‘જોઝ’ (Jaws), ‘ધ રેવેનન્ટ’ (The Revenant), ‘ધ ગ્રે’ (The Grey) કે ‘કાલ’ અને ‘શેરદિલ’ જેવી ફિલ્મો હોલીવુડ તથા બોલીવુડમાં બની છે, પણ ગુજરાતીમાં આવી કહાણીઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.જોકે, ગુજરાતી સાહિત્યમાં આ ક્ષેત્રે જે કંઈ લખાયું છે તે અત્યંત સમૃદ્ધ છે. તેમાં કનૈયાલાલ રામાનુજે સર્જેલો પહેલાંના શિકારીઓના અનુભવો પર આધારિત કથાસંગ્રહ ‘અનોખી શિકારકથાઓ’ એક મસ્ત વાંચન-અનુભવ આપી શકે છે. લેખકે કહેલી શિકારકથાઓમાં અદભુત વૈવિધ્ય છે. એક તરફ આદમખોર દીપડાના શિકારની વાત છે, તો બીજી તરફ એક પાગલ હાથીના શિકારની પણ વાત છે. એક વાર્તામાં લેખક અજગરના જીવલેણ ભરડાની વાત કરે છે, તો બીજીમાં એક કિંગ કોબ્રા જંગલી કૂતરાઓના સકંજામાં કેમ સપડાયો તેની પણ વાત છે. આગ ઓકતાં ઝાડ, વાઘ બની જતા સાધુ કે પાગલ ગેંડા વિશેની વાતો ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી છે. આ વાર્તાઓ માત્ર શિકારની નથી, પણ જંગલના અણધાર્યા રહસ્યો અને માનવીય સાહસની ગાથાઓ છે.આ જ ક્રમમાં સાગરકાંઠાની સાહસકથાઓ અને તેમાં પણ ખાસ ‘દરિયાલાલ’ નવલકથા માટે પ્રખ્યાત એવા ગુણવંતરાય આચાર્યને કેમ ભૂલાય? તેમણે પોતાની વાર્તાઓમાં ગુજરાતી પ્રજાને પરંપરાગત માન્યતાઓથી વિપરીત અત્યંત સાહસિક, નિર્ભય અને ખમીરવંતી બતાવી છે. આવા લેખકે ટારઝન કે મોગલીની વાર્તા જેવી થીમ પર અને તે પાછી સાવ કાલ્પનિક નહીં, પણ ગીરના જંગલના માલધારીઓની એક લોકવાયકા પર આધારિત ‘કાળો પહાડ’ નામની એક અદભુત નવલકથા લખી છે. ગીરના નેસડા, સિંહોની ડણક અને પ્રકૃતિના ખોળે ઉછરેલા માનવીની આ કથા ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન છે.
- Advertisement -
બોલિવૂડમાં આમેય શિકાર અને વન્યજીવનના સંઘર્ષ પર ફિલ્મો એકાદ-બે માંડ બની હશે, તેમાં જિમ કોર્બેટસાહેબની આ શિકારકથા એક રોમાંચક અને મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ માટેની પરફેક્ટ સ્ક્રીપ્ટ બની શકે. હિમાલયની તળેટીનું ગાઢ ધુમ્મસ, ૪૩૬ મોતનો ખૌફ અને એક શિકારીની ધીરજ—આ બધું જો પડદા પર ઉતારવામાં આવે તો એક ક્લાસિક ફિલ્મ બની શકે. મારા મતે આવી ફિલ્મને વિશાલ ભારદ્વાજ, શૂજીત સરકાર કે અનુરાગ કશ્યપ જેવા સંવેદનશીલ અને વાસ્તવદર્શી ડિરેક્ટરો જ સાચો ન્યાય આપી શકે.




