ટંગસ્ટન ધાતુના સ્ક્રેપની ચોરી કરતા રાજકોટના બંને તસ્કરો સીસીટીવીમાં કેદ : શોધખોળ શરુ
સીસીટીવી ચેક કરતા કંપનીમાં જ નોકરી કરતા વિપુલ અને નીતેશ કંપનીમાં જાણ કર્યા વગર એક સફેદ કલરના બાચકામા ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સનો સ્ક્રેપ ભરી લઇ જતા જોવા મળ્યા
- Advertisement -
શાપરમાં ધારાસભ્યના કૌટુંબિક ભત્રીજાની માલિકીની રાજન ટેક્નોકાસ્ટ ફેક્ટરીમાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે આ ચોરીમાં કંપનીના જ બે કર્મચારીઓ ટંગસ્ટન ધાતુના સ્ક્રેપની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયાં હતા જેથી આ અંગે શાપર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.શાપર ગામ મેઈન રોડ પર પટેલવાડી નજીક રહેતા અને છેલ્લા દસ વર્ષથી રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા કૃશાંતભાઇ ઉર્ફે કાળુભાઇ શૈલેષભાઈ ખુંટએ રાજકોટ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા વિપુલ મોહન ખાનડર અને આજી ડેમ પાસે રહેતા નિતેશ હરેન્દ્ર ઠાકુર સામે શાપર પોલીસમાં 50 લાખના ભંગારની ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ બનાવી અને તેનું સી.એન.સી. મશીનીંગ કરી વેચવાનું કામ કરવામાં આવે છે કંપનીમાં 300 માણસો કામ કરે છે. સી.એન.સી. મશીનમાં વપરાતા ટંગસ્ટન ધાતુના ઇન્સર્ટ ટુલ છ મહીનાથી કંપનીના સ્ટોર રૂમમાં પડેલ હતા, જે ટંગસ્ટન ધાતુના ઇન્સર્ટ ટુલનો જથ્થો આશરે 1000 કી.ગ્રામ જેટલો હતો. ગઈ તા.10 ના રોજ આ માલ વેચવા માટે મોકલવાનો હોય જેથી સ્ટોર રૂમમાં પડેલ ટંગસ્ટન ધાતુના ઇન્સર્ટ ટુલના સ્ક્રેપનો જથ્થો જોવા ગયેલ ત્યારે સ્ટોર રૂમમાં રાખેલ સ્ક્રેપનો જથ્થો ક્યાંય જોવામાં આવેલ નહી. જેથી 50 લાખનો 1000 કિલો ટંગસ્ટન ધાતુના સ્ક્રેપની ચોરી થઇ ગયાની જાણ થઇ હતી કંપનીમાં લગાવેલ સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમા ગઈ તા.03 ના રોજ સવારના કંપનીમાં જ નોકરી કરતા વિપુલ અને નીતેશ કંપનીમાં જાણ કર્યા વગર એક સફેદ કલરના બાચકામા ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સનો સ્ક્રેપ ભરી લઇ જતા જોવામાં આવેલ હતા. જેથી મેનેજરે બંને શખ્સો વિરુદ્ધ શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી આધારે આરોપીની ઓળખ કરી પકડવા તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, રાજન ટેક્નોકાસ્ટ ફેક્ટરી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના પિતરાઈ ભાઈના પુત્ર દુષ્યંત ટીલાળાની માલિકીની હોવાનું જાણવા મળ્યું છે.




