નંબર પ્લેટમાં છેડછાડ કરતા ચેતજો: DCP પૂજા યાદવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. આ દરમિયાન નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડવાળા 233 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ અંગે ટ્રાફિક ઉઈઙ પૂજા યાદવે જણાવ્યું હતું કે, હવે નંબર પ્લેટ કે લાયસન્સ વિનાનાં વાહનો લઈ નીકળતા લોકો દંડ દઈને છૂટી શકશે નહીં તેમજ 18 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવતા ઝાડપાય તો વાહન ડિટેઇન કરવામાં આવશે ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ તેમણે કરી છે.DCP પૂજા યાદવનાં જણાવ્યા મુજબ ગઈકાલે એક ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. કામગીરીમાં ટ્રાફિક ઉપરાંત ઝોન-1 અને ઝોન-2ના તમામ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
પોલીસ દ્વારા ખાસ કરી નંબર પ્લેટ વગરની મોટર સાયકલ, રીક્ષા તથા ફોર વ્હીલર્સ મોટી સંખ્યામાં ડિટેઇન કરાયા હતા. આ દરમિયાન ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 91 મોટરસાયકલ, 2 ટ્રેક્ટર, 22 રીક્ષા મળી 115 વાહનો ડિટેન કરાયા હતા. જ્યારે ઝોન-1 વિસ્તારનાં પોલીસ અધિકારીઓએ 56 મોટરસાયકલ, 2 કાર તથા 1 રીક્ષા મળી કુલ 59 વાહનો ડિટેઈન કર્યા હતા. તેમજ ઝોન-2 વિસ્તારના અધિકારીઓ દ્વારા 59 મોટર સાયકલ ડિટેઇન કરવામાં આવ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો ઇ-મેમોથી બચવા માટે એક નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા નંબર પ્લેટના કોઈ એક આંકડામાં છેડછાડ કરે છે. આવી છેડછાડ બાદ જો અકસ્માત સર્જાય તો આરોપીને ઝડપી લેવો પણ મુશ્કેલ બનતો હોય છે. જેને લઈને ટ્રાફિક ડ્રાઇવમાં આવા લોકો પર ખાસ નજર રાખવામાં આવી હતી. અત્યાર સુધી આવા લોકો સ્થળ ઉપર મામૂલી દંડ ભરીને છૂટી જતા હતા પરંતુ, હવે આવું ચલાવી લેવામાં આવશે નહીં. આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કુલ 206 ટુ-વ્હીલર્સ, 2 કાર, 2 ટ્રેક્ટર્સ અને 23 રીક્ષા મળી 233 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.સગીરોનાં લાયસન્સ વિના વાહન ચલાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે, 18 વર્ષથી નીચેના લાયસન્સ વિનાના લોકોએ વાહન ચલાવવું એ ગુનો છે. સાથે આ બાળકોને વાહન ક્યાં કેટલી સ્પીડમાં ચલાવવું તેનો ખ્યાલ હોતો ન હોવાને કારણે અકસ્માત થવાની શક્યતા વધે છે. ત્યારે વાલીઓએ સામેથી બાળકોને વાહન ચલાવવા આપવા જોઈએ નહીં. આવા કિસ્સામાં વાહન ચાલક અને તેની સામેવાળાનાં જીવનું પણ જોખમ થવાની શક્યતા હોય લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેમજ નંબર પ્લેટમાં ચેડાં થવાનાં કારણે પણ અકસ્માત સર્જ્યા બાદ આરોપી ભાગી છુટતા હોવાથી હાલ આ બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને ટ્રાફિકનાં નિયમો પાળવાની અપીલ પણ તેમણે કરી હતી.



