ગિર મધ્યે આવેલા કનકાઇ મંદિરને હેરિટેજનો દરજ્જો આપો : ભાજપ પ્રમુખ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગિર મધ્યે કનકેશ્વરી તિર્થધામ આવેલું છે. આ મંદિર અતિ પ્રાચીન છે. કનકાઇ મંદિરનો સૌપ્રથમ જિર્ણોદ્ધાર સંવત 1864માં થયો હતો. કનકાઇ માતાનાં મંદિરને હેરીટેજ દરજ્જો આપવા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે કરી છે.
ગિર જંગલ મધ્યે આવેલા માં કનકેશ્વરીના તિર્થધામને હેરીટેજનો દરજ્જો આપવાની રજૂઆત કરાઇ છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે પ્રવાસન મંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ઓસ્ટ્રેલીયાથી જે પૌરાણિક 29 મૂર્તિ આવી છે તેમાંથી 1 મૂર્તિ માં કનકાઇની છે. જેથી આ મંદિર ખૂબજ પૌરાણિક હોવાનું મનાઇ રહ્યું છે. માં કનકાઇ ચોર્યાસી જ્ઞાતિના કુળદેવી છે.સ્થાનિક લોકોને ભારે આસ્થા હોય તેમજ દેશ વિદેશમાંથી પણ માંઇ ભક્તો આવતા હોય આ પૌરાણિક મંદિરને હેરિટેજનો દરજ્જો આપવાની રજૂઆત છે. ઇતિહાસ મુજબ ઇસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામે રાજા થઇ ગયો તેમણે કનકાઇ (કનકાવતી) નગરીની સ્થાપના કરી માં કનકાઇને અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા.
બીજી લોકવાયકા મુજબ વળાકના મૈત્રક વંશના મુળ પુરૂષ કનકસેન અયોધ્યાના સુર્યવંશી રાજવી હતા. તેમણે સૌરાષ્ટ્રમાં વિરનગર આવી રાજાને હરાવ્યો હતો. તેમના વંશજ વિજયસેને વિજયપુર(ધોળકા) વસાવ્યું હતું. વિજય સેનના વંશજ ભટ્ટાર્કે વલ્લભીપુરની સ્પાથના કરી અને કનકસેને મધ્યગિરમાં આવી કનકાવતી નગરી વસાવી અને અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઇની સ્થાપના કરી હતી. મંદિરનો સૌપ્રથમ જીર્ણોદ્વાર સવંત 1864માં કરાવાયો હોવાની લોકવાયકા છે. બાદમાં 142 વર્ષ વિતી ગયા છે. 2006માં જીર્ણોદ્વાર માટે સમિતીની રચના કરાઇ હતી. સવંત 2008માં 3 માર્ચ 1952માં જૂના મંદિરમાં હતી તેજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આમ,આ પૌરાણિક મંદિર છે જેને અઢારેય વરણના લોકો કુળદેવી તરીકે માનીને પૂજે છે ત્યારે માં કનકાઇના મંદિરને હેરિટેજનો દરજ્જો આપવાની જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી છે.



