‘તિજોરી ભલે તળિયાંઝાટક હોય, અમને મોંઘી કાર વગર નહીં ચાલે’
મનપાના બાબુઓ કાર પાછળ કરશે 48 લાખનો ધુમાડો
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મનપા કમિશનર 36 જેટલી દરખાસ્તોને મંજૂરી આપશે
આવતીકાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં વિવિધ 36 જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવશે. જેમાં ખાસ મહત્ત્વની રાજકોટ મનપાની પ્રાણી સંગ્રહાલય શાખાની એનિમલ કિપર સંવર્ગની હંગામી ઉપસ્થિત કરેલી બે જગ્યાઓની મુદતમાં વધારો કરવા અંગે અને રાજકોટ મનપાના પદાધિકારીઓ માટે નવી કાર ખરીદવા અંગે નિર્ણય લેવામાં આવશે.કાલે યોજાનાર રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મનપા કમિશનર અમિત અરોરા 36 જેટલી દરખાસ્તોને મંજૂરી આપશે. એકબાજુ મનપાની તિજોરી તળિયાઝાટક છે. કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે ત્યારે મનપાને સત્તાધીશો માટે લાખેણી કાર લેવાના અભરખા જાગ્યા છે. વિપક્ષી નેતા માટે ઈનોવા જેની કિંમત 22.10 લાખ, સી.એફ.ઓ. માટે સ્કોર્પિઓ જેની કિંમત 14.64, ફાયર ચેરમેન માટે મરાજો જેની કિંમત છે 12 લાખ. આમ ટોટલ 48 લાખની ત્રણ લાખેણી ગાડીઓ લેવાની દરખાસ્ત મંજૂર કરાશે. એક પ્રશ્ર્ન એવો પણ થાય છે કે શું મોંઘી કારની જગ્યાએ સસ્તી કિંમતની કાર ન લઈ શકાય? તો શું આ કારનો તમામ ખર્ચ પ્રજાની કેડ પર જ આવશે?
વોર્ડ નં. 18માં નવી વોર્ડ ઓફીસ બનાવવાના કામ અંગે, રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો પરના કોવિડ માટેના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે થયેલા ખર્ચની બહાલી આપવા અંગે વોર્ડ નં. 12માં મવડી મેઈન રોડ અને શ્રીનાથજી સોસાયટી વિનાયકનગર વગેરે વિસ્તારોમાં પેવર રિકાર્પેટ કરવાના કામનો રિવાઈઝડ ખર્ચ મંજૂર કરવા સહિતની અન્ય 31 જેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવનાર છે.
- Advertisement -
વધુમાં રાજકોટમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકની સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં જુદા-જુદા મુખ્ય રસ્તાઓ પર આવેલ ટ્રાફિક સર્કલ- આઈલેન્ડનું ડેવલપમેન્ટ કરવામાં આવશે તથા મુખ્ય માર્ગો પરના ટ્રાફિક સર્કલ- આઈલેન્ડ વ્યાપારી તથા સામાજિક સંસ્થાઓ મારફત જનભાગીદારીથી સ્વખર્ચે ડેવલપ કરવામાં આવે છે. જે પૈકી જે ટ્રાફિક સર્કલ અને આઈલેન્ડના કોન્ટ્રાક્ટની મુદત ચાલુ હોય અથવા મુદત પૂર્ણ થયેલ હોય અને ફાળવણીની ટેન્ડર પ્રક્રિયા ચાલુ થયેલ ન હોય અથવા જેવા ફાળવણીની ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય તેમના જૂના ટ્રાફિક સર્કલ તરીકે વ્યાખ્યાયિત કરવાના રહેશે તથા ત્રણ વર્ષ માટેની મુદત પૂર્ણ થયા બાદ આ મુદત પરસ્પર સમજૂતીથી સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી લંબાવી શકાશે. આમ શરતોને ધ્યાનમાં રાખી સર્કલ- આઈલેન્ડની મંજૂરી લેવાની રહેશે અને દેખરેખ રાખવાની રહેશે તેવું અંતમાં મ્યુ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.



