કરોડોનું આંધણ પણ પ્રજાને વર્ષો સુધી દુવિધા જ મળી
બંને અંડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામ સાથે હાલાકી ભોગવવી પડી
શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઇ
- Advertisement -
ખોદેલા ખાડામાં બસ, કાર, રિક્ષા અને બાઈક સહિત વાહનો ફસાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ હજુ સુધી લોકોને સારી સુવિધા મળી નથી તેની જગ્યા દુવિધા જ મળી છે. મનપાએ કરોડો રૂપિયાનું આંધણ ભૂગર્ભ ગટર, પાણી લાઈન અને ગટર વ્યવસ્થા પાછળ કર્યું પણ હજુ સુધી શહેરીજનોએ ભરેલા ટેક્ષની સુવિધા નથી મળી જૂનાગઢ શહેરમાં પેહલા વરસાદે મહાનગર પાલિકાની કામગીરીનું પાપ પોકારી ઉઠ્યું અને વરસાદે જાણે શહેરને બાનમાં લીધું હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા ઠેર ઠેર પાણી ભરાયા અનેક વાહનો ખોદેલા ખાડામાં ફસાતા વાહન ચાલકોની હાલત કફોડી બની ત્યારે મનપાની પ્રિમોનસુન કામગીરીના દાવા માત્ર કાગળ ઉપર જોવા મળ્યા હતા. પ્રતિ વર્ષ શહેરમાં 1 થી 2 ઇંચ વરસાદ પડે એટલે ઝાંઝરડા અંડરબ્રિજ અને જોશીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે એમાં ખાસ ઝાંઝરડા અંડરબ્રિજ પાણીથી ભરતા ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ અને જીઆરડી જવાન દ્વારા ટ્રાફિક ક્લીયર કરવા વરસતા વરસાદે ભારે મેહનત કરવી પડી હતી. જયારે સોસાયટી વિસ્તારોમાં ખોદેલા રસ્તા રીપેર ન થતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ઘર સુધી પોંહચવા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો પણ બપોરે 1 વાગ્યા પછી વરસાદે જોર પકડતા શહેર પાણી પાણી થયું હતું અને મુખ્ય રસ્તા હોઈ કે , સોસાયટીના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.પાણી લાઈન કે ભૂગર્ભ લાઈનના રસ્તા ખોદીને સુવ્યસ્થિત નહિ કરતા શહેરમાં અનેક જગ્યા બસ, કાર, રીક્ષા, બાઈક સહીતના અનેક વાહન ખુંપી ગયા હતા અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની ટળી હતી એજ રીતે વર્ષોથી તળાવ દરવાજા રોડ પર 1 ફૂટ થી વધુ પાણી ભરાતા બાઈકો બંધ પડી હતી તેમજ કાર ચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કર્યો હતો તેમજ ગટર માંથી દુર્ગંધ મારતું પાણી ઉભરાયને રસ્તા પર આવી ગયું હતું. જયારે મનપાના દાવા હતા ભૂગર્ભ ગટર બની જવાથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નહિ રહે પણ પેહલા વરસાદે મનપાના દાવા પોકળ સાબિત થયા હતા.