વિશ્ર્વ યુદ્ધ અને અશાંતિના સમયમાં યુવાનોને સન્માર્ગે વાળવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સંઘે બાબા સ્વામીના પ્રયાસોને બિરદાવ્યા
લોકો ધ્યાનને ચમત્કાર તરીકે જુએ છે પણ તે આત્મદર્શનનો વિષય છે, બાબા સ્વામીના મતે રોજ 45 મિનિટ ધ્યાન કરવાથી જ્ઞાનના દ્વાર ખૂલે છે અને મન ભટકણથી મુક્ત થાય છે
- Advertisement -
“જાગૃતિમાં આપણે સંસાર જોઈએ છીએ.”
“નિંદ્રામાં સ્વપ્નને જોઈએ છીએ.”
“સમાધિમાં સ્વયંને જોઈએ છીએ.”
આજથી સવા વર્ષ પહેલાં શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવશે અને તે માટે તેમણે શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનને આનો શ્રેય આપતો પત્ર મોકલેલ કે આજે વિશ્વ યુદ્ધ અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપના દ્વારા લોકોને શાંતિના માર્ગે વાળવા, તેમાય ખાસ કરીને યુવાનોને આ સન્માર્ગે વાળવા ના પ્રયત્નો બદલ ખુબ ખુબ બિરદાવવામાં આવેલ.
પૂજ્ય શિવકૃપાનંદ સ્વામી (બાબા સ્વામી) એ રાજકોટમાં પહેલી શિબિર કરી ત્યારથી મારા મધર તેઓ સાથે જોડાયા અને અમે પણ હળવે હળવે તે માર્ગે જવાથી અનેક કૃપાઓની અનુભૂતિ કરી. બાબાએ ગત વર્ષે 2026 નું વર્ષ સમગ્ર વિશ્વ માટે ખૂબ કષ્ટદાઈ રહેશે તે માટે તમામ સાધકોને પ્રથમ પ્રહરમાં વિશ્વ શાંતિ માટે ધ્યાન કરવા અનુરોધ કરેલ અને આપણે સૌ તાજેતરના બનાવોથી વાકેફ જ છીએ કે કઈ રીતે સમગ્ર વિશ્વ બારૂદ જેવી સ્થિતિ ધારણ કરી ચૂક્યુ છે..આમાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ ’ધ્યાન’છે એવું ગુરુજી સૂચવે છે.
તાજેતરમાં 31 માર્ચથી બે એપ્રિલ શ્રી ગજાનન મહારાજ ટ્રસ્ટ અને ભારતના આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે શેંગાવ મહારાષ્ટ્રમાં બાબાની ધ્યાન શિબિર યોજાઈ. મારા પત્ની તેમાં જોડાયેલા તેમના મુજબ પ્રથમ દિવસે ત્યાં દેશ-વિદેશના 35,000 સાધકોની ઉપસ્થિતિ હતી જેમાં અનેક માતાઓ નાના નાના બાળકો સાથે આવેલ છતાં પણ ટાંચણી પડે તોયે સંભળાય તેવી પરમ શાંતિનો અનુભવ તેમણે કર્યો! ત્યાં રોજ શિબિરના અંતે પ્રશ્નોત્તરીમાં કેટલાક લોકોનો એક સામાન્ય પ્રશ્ન રહેતો કે, ’ગુરુદેવ ધ્યાન લાગતું નથી’ ગુરુદેવે કહ્યું “હું શરૂઆતથી કહું છું કે રોજ થોડી મિનિટથી શરૂ કરી 45 મિનિટ એમ 45 દિવસ ધ્યાન કરો ન લાગે તો ફરી 45 દિવસ કેમ કે આ કોઈ સામૂહિક અનુભવનો વિષય નથી..દરેકની અનુભૂતિ અલગ હોય છે… પરંતુ લોકો ધ્યાનને શાંતિના માર્ગ તરીકે અપનાવવાને બદલે ચમત્કારોની પોતાની અપેક્ષાઓની પ્રતિના સાધન તરીકે જોવે છે ધ્યાન એ સ્વયં ને જોવાની વાત છે. તમે શાંતિ માટે જાતજાતના તીર્થધામોમાં ફરો છો તો માત્ર 45 મિનિટ તમારા અંતરાત્માની મુલાકાત લ્યો કેમ કે ધ્યાન એટલે કે સમાધિમાં જ માત્ર આપણે સ્વયમને જોઈએ છીએ.
વર્ષોની મારી વાંચન યાત્રામાં અધ્યાત્મના પુસ્તકોનો પણ સમાવેશ રહ્યો છે પરંતુ “ધ્યાન” નામનું જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક, જેનો અનુવાદ 1973માં શિવલાલ મોદીએ કરેલ.. જે અત્યારે અપ્રાપ્ય છે તેનું મેં અવારનવાર વાંચન કરેલ..પરંતુ ધ્યાન તો હવે જ શરૂ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.બાબાની જેમ જ તેમાં કહેવાયેલું કે ધ્યાનની કોઈ પદ્ધતિ નથી,કોઈ પ્રાર્થના નથી,કોઈ મંત્ર નથી,કોઈ સિધ્ધિ મેળવવાનો માર્ગ નથી,કોઈ ચક્રો ખીલવવાની વાત નથી. કે નથી કોઈ અદ્રશ્ય જગત સાથે ન વ્યવહારની વાત કે કોઈ ચમત્કારો કે પછી ગૂઢ શક્તિઓ કેળવવાની ચાવી નથી અને રોગો મટાડવાની યુક્તિઓ પણ નથી!!
ધ્યાન માત્ર આપણા મનના મહાલયમાં શું શું પડ્યું છે તેના દર્શન કરાવે છે( ખુદની જાતને જોવાની હિંમત દરેકમાં હોતી નથી તેથી લોકો આ માર્ગને ખૂબ કઠિન સમજી ત્યાં જવાનું ટાળે છે) ..ધ્યાન આત્મદર્શનના માર્ગમાં શું શું આવે છે તે દર્શાવે છે. અને માનવીના તથા જગતના દુ:ખોના મૂળ ક્યાં રહેલા છે તેનો માર્ગ બતાવે છે. પ્રકૃતિમાં પ્રેમ ,આનંદ અને સૌંદર્યનો જે ભંડાર ભરેલો છે તેના રહસ્યને ખોલે છે. ધ્યાનનો અર્થ છે.. ક્રિયાહીન થવું. ખુદ એ સર્જેલી ભીડ અને ભટકળ થી મુક્ત થવું.
માત્ર થોડી મિનિટના ધ્યાનથી જીવનમાં અનેક પરિવર્તનો અનુભવ્યા ,જે સંતોષ અને શાંતિનો અનુભવ કર્યો તે અન્ય લોકો સુધી પહોંચાડી કંઈક પરમાર્થ કરવાનો હેતુ માત્ર છે. જેને શિવકૃપાનંદ સ્વામી વિશે વધુ જાણવાની ઈચ્છા હોય તેઓ એ તેમના પુસ્તકો અને યુ ટ્યુબ પરના વિડિઓ જોવા જોઈએ તથા શક્ય બને તો રાજકોટની સૌથી નજીક આવેલ સિંધાવદર ધ્યાનસ્થળીની મુલાકાત અચૂક લેવી. જય બાબા સ્વામી.



