ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ મેળવેલી જીતમાં અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહેમદની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા નૂરના આ પ્રદર્શન પાછળ ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીનું માર્ગદર્શન નિર્ણાયક સાબિત થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
નેટ્સમાં ધોનીએ આપી હતી ખાસ ટિપ્સ
- Advertisement -
મેચ બાદ ચેન્નાઈના બોલિંગ કોચ શ્રીધરન શ્રીરામે જણાવ્યું હતું કે, ‘નૂર અહેમદની વાપસી પાછળ ધોનીનું તેજ દિમાગ હતું. જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર એક જ વિકેટ ઝડપી શકનાર નૂરને ધોનીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન ગૂગલીનો વધુ પડતો ઉપયોગ ટાળવાની અને તેના લેગ-બ્રેક બોલિંગમાં આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપી હતી.’
ફ્લેમિંગ અને ધોનીનું ખાસ નિરીક્ષણ
મેચના આગલા દિવસે યોજાયેલા લાંબા નેટ સેશનમાં મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ અને એમ.એસ. ધોનીએ નૂરની બોલિંગ પર બારીકાઈથી નજર રાખી હતી. ધોની નેટની પાછળ ઊભા રહીને દરેક બોલનું નિરીક્ષણ કરી રહ્યો હતો. આ સેશનના અંતે થયેલી વિગતવાર ચર્ચાની અસર બીજા જ દિવસે મેદાન પર દેખાઈ, જ્યાં નૂરે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 મહત્ત્વની વિકેટ ઝડપી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો.
- Advertisement -
વ્યૂહનીતિમાં ફેરફાર
ગયા વર્ષે 24મી વિકેટ ઝડપનાર નૂર આ સીઝનમાં પોતાની લાઇન-લેન્થ ગુમાવી બેઠો હતો, જેના કારણે તેને ટી20 વર્લ્ડ કપની અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળ્યું ન હતું. જોકે, KKR સામે તેણે ધોનીના માર્ગદર્શન હેઠળ પોતાની વ્યૂહનીતિ બદલી હતી. જેમાં બોલની ગતિમાં ઘટાડો કર્યો. બોલ પર વધુ સાઇડ સ્પિન ઉમેર્યા અને બોલને ડ્રોપ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
‘રક્ષણાત્મક નહીં, આક્રમક બનો’
કોચ શ્રીરામે વધુમાં ઉમેર્યું કે, ‘સ્પિનરો જો રક્ષણાત્મક માનસિકતા સાથે બોલિંગ કરે તો બેટ્સમેનો હાવી થઈ જાય છે. પરંતુ નૂરે આક્રમક અભિગમ અપનાવ્યો અને પિચ પરથી ટર્ન મેળવવા પર ધ્યાન આપ્યું. તેના આ પરિવર્તનને કારણે KKRના બેટરોનો લાચાર દેખાયા હતા.’ ધોનીની સચોટ સલાહ અને નૂર અહેમદની મહેનતે CSKને માત્ર જીત જ નથી અપાવી, પરંતુ પ્લે-ઓફની રેસમાં પણ મજબૂત સ્થાન અપાવ્યું છે.




