ઈતિહાસમાં પ્રથમ વખત સ્કૂલમાં એડમિશન ઓપનનાં પાટિયાં લગાવ્યા
રાજકુમાર કૉલેજની શાખને ધૂળમાં રગદોળી નાંખતા સંચાલકો
- Advertisement -
વિદ્યાર્થીઓને પેટભર ભોજન પણ મળતું નથી અને ડાઈનિંગ ફીમાં તોતિંગ વધારો
ફી વધારા અને નફાખોરી પાછળ મૂળીનાં રણજીતભાઈ અને CFO રાજેશ વસાનું દિમાગ!
મૂળીનાં રાજકુમાર પાસેથી જો વહિવટ રાજકોટ દરબાર પાસે આવે તો હાલત સુધરી શકે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની રાજકુમાર કોલેજ – RKC સ્કૂલમાં કથળી ગયેલા વહિવટીતંત્ર તેમજ એજ્યુકેશન અને ફૂડ ફી વધારા મુદ્દે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં વાલીઓ – વાલીમંડળોએ સત્યતાનો સૂર પૂરાવતા RKC સ્કૂલનાં વહિવટદારો – સંચાલકોની પોલ ખુલી ગઈ છે અને તેમના તરફથી હવે ભીનું સંકેલું લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ખાસ-ખબર આજના અંકમાં RKC સ્કૂલના કથળી ગયેલા મેનેજમેન્ટ તેમજ એજ્યુકેશન અને ફૂડ ફી અંગે વધુ કેટલાંક સત્યો ઉજાગર કરવા જઈ રહ્યું છે.
ફૂડ ફીમાં પણ તોતિંગ વધારો
RKC સ્કૂલમાં એજ્યુકેશન ફી ઉપરાંત ફૂડ ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થીઓને 11 હજાર રૂપિયામાં ફૂલ ડિશ ફૂડ આપવામાં આવતું હતું અને હવે વિદ્યાર્થીઓને 16 હજાર રૂપિયામાં ફિક્સ ફૂડ ડિશ આપવામાં આવે છે. આટલું જ નહીં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સ્ટાફને પણ પહેલા બ્રેકફાસ્ટ અને લંચ ફ્રીમાં આપવામાં આવતું હતું તે હવે પેયબલ થઈ ગયું છે. મતલબ કે, RKCના સ્ટાફને પણ હવે ફરજીયાત ફૂડ ફી ભરવી પડે છે. RKC સ્કૂલમાં ફૂડ ફી વધારો કર્યા બાદ અનલિમિટેડ ફૂડ આપવું જોઈએ એની બદલે ફી વધારો કર્યા બાદ અનલિમિટેડ ફૂડની જગ્યાએ ફિક્સ ફૂડ કરી નાખવામાં આવ્યું છે.
રાજકુમાર સ્કૂલનું તંત્ર ખાડે ગયા પાછળ મૂળીના રાજાના રાજકુમાર જવાબદાર : રાજકોટના રાજા ધ્યાન આપે તે જરૂરી
RKC સ્કૂલમાં ટોટલ 29 લોકોની 7 કમિટી છે જેમાંથી કોર્ટ દ્વારા 2 ટ્રસ્ટીઓને તેનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. લાઠી અને મૂળીના રાજાસાહેબની દેખરેખ હેઠળ RKC સ્કૂલનું સંચાલન કરવાનું નક્કી થયેલું છે ત્યારે મૂળીના રાજાસાહેબના દીકરા રણજીતભાઈની દખલગીરીને કારણે RKC સ્કૂલનું તંત્ર ખાડે ગયું છે. મૂળીના રાજસાહેબ RKC સ્કૂલના સંચાલનમાં ધ્યાન આપતા નથી, તેમના બદલે તેમના પુત્ર રણજીતભાઈ RKC સ્કૂલના સંચાલનમાં વધુ પડતી દખલગીરી કરી રહ્યા છે. રણજીતભાઈની વધુ દખલગીરીથી અન્ય સ્ટેટના ટ્રસ્ટીઓ અને વિવિધ કમિટીના સભ્યો પણ તેમનો વિરોધ કરી રહ્યા છે. રાજકુમાર કોલેજને રણજીતભાઈથી નુકસાન પહોંચી રહ્યું છે એવા સમયે રાજકોટ સ્ટેટ સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરી થોડું ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.
વધતી જતી ફી, ઓછી થતી ફેસેલિટી, કારણ છે CFO રાજેશ વસા
RKC સ્કૂલના CFO રાજેશ વસા છે. રાજેશ વસા પાસે RKC સ્કૂલના મેનેજમેન્ટમાં નાના-મોટા ફેરફાર કરવાથી લઈ તોતિંગ ફી વધારો કરવા સુધીના પાવર્સ છે. આ રાજેશ વસા જ્યાં હોય ત્યાં ફી વધારો કરી વાલીઓના ખિસ્સા ખંખેરવા માટે માહેર છે. રાજેશ વસા અગાઉ એસ.એન.કે.માં હતા ત્યાં પણ તેમણે લોકડાઉન સમયે તોતિંગ ફી વધારો કરી વાલીઓ પાસે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધી હતી. હવે રાજેશ વસા આર.કે.સી.માં છે એટલે અહીં પણ તેણે પોતાના સ્વભાવને વશ થઈ એવું જ કર્યું. RKC સ્કૂલના CFO રાજેશ વસાએ જ અહીં ફી વધારો કરાવ્યો છે અને RKC સ્કૂલમાં વધી રહેલી ફી સામે ઘટી રહેલી ફેસિલિટી પાછળ પણ રાજેશ વસા જ જવાબદાર છે.
પ્રથમવાર એડમિશન ઓપનના પાટિયા લાગ્યા!
આશરે 200 વર્ષ જૂની રાજા-રજવાડાઓની RKC સ્કૂલમાં એડમિશન મેળવવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર ગણવામાં આવતું હતું. માતબર પરિવારનાં સંતાનોને પણ એક સમયે RKC સ્કૂલમાં એડમિશન મળવું અશક્ય ગણાતું હતું. અને આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે RKC સ્કૂલ દ્વારા સ્કૂલની બહાર જ એડમિશન ઓપનના પાટિયા મારવામાં આવ્યા છે. હવે RKC સ્કૂલમાં વાલીઓ પોતાના સંતાનોનું એડમિશન કરાવતા પહેલા વિચારી રહ્યા છે, સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવા માટે બેનરો લગાવી જાહેરાત કરવી પડે છે. આ પરથી RKC સ્કૂલના ખાડે ગયેલા વહીવટીતંત્ર અને એજ્યુકેશન સિસ્ટમનો અંદાજ લગાવી શકાય છે.
ડે-સ્કોલરને ડે-બોર્ડરમાં શિફ્ટ કરવા સ્ટાફ પર દબાણ?
RKC સ્ફૂલમાં બોર્ડર (કાયમી હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસ), ડે-બોર્ડર (સવારથી સાંજ સ્ટડી માટે આવતા સ્ટુડન્ટસ), ડે-સ્કોલર (સવારથી બપોર સ્ટડી માટે આવતા સ્ટુડન્ટસ) અભ્યાસ કરે છે. ડે-બોર્ડરની એજ્યુકેશન ફીને FRCના નિયમો લાગુ પડતા ન હોય ડે-સ્કોલરને ડે-બોર્ડરમાં શિફ્ટ કરવા માટે RKCના મેનેજમેન્ટ દ્વારા તેના સ્ટાફ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. RKCનું મેનેજમેન્ટ બહુ જ ચાલાકીથી તમામ ડે-સ્કોલરને ડે-બોર્ડરમાં ક્ધવર્ટ કરી મનફાવે તેવી ફી ઉઘરાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને આ ષડયંત્રમાં પાર પડવા તેઓ પોતાના સ્ટાફ પર દબાણ લાવી રહ્યા છે. FRCના નિયમો લાગુ ન પડે તે માટે RKC તેના તમામ ડે-સ્કોલરને ડે-બોર્ડરમાં ફેરવી દેવા ઈચ્છે છે.


