સરકારી માલિકીની BSNL અને MTNL સહિત તમામ ટેલિકોમ કંપનીઓ પર દંડ બાકી છે, જેની વસૂલાત માટે રેગ્યુલેટર ટ્રાઈએ હવે કડક વલણ અપનાવ્યું છે.
ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સ્પામને લઈને ટેલિકોમ કંપનીઓ પર પોતાનું વલણ વધુ કડક કરી લીધું છે. આ માટે ટ્રાઈએ ટેલિકોમ વિભાગને સૂચન કર્યું છે કે તે સ્પામ સાથે જોડાયેલા નિયમોને લઈને લગાવવામાં આવેલા દંડને વસૂલ કરવા માટે ટેલિકોમ કંપનીઓની બેંક ગેરંટી એનકેશ કરાવે.
- Advertisement -
ટ્રાઈ પાસેથી ન હતી આવા કડક વલણની અપેક્ષા
એક અહેવાલ મુજબ, TRAI એ ટેલિકોમ કંપનીઓને સ્પામને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ લાદવામાં આવેલા દંડની વસૂલાત તેમની બેંક ગેરંટીમાંથી કરવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને સૂચન કર્યું છે. આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ટ્રાઈની આ સખતાઈ અણધારી છે. TRAI સ્પામને લઈને આટલું કડક વલણ અપનાવશે એવી કોઈને અપેક્ષા નહોતી.
ટેલિકોમ કંપનીઓ પાસેથી સ્પામ નિયમો સંબંધિત લગભગ 115 કરોડ રૂપિયા વસૂલ કરવાના છે. સૌથી વધુ લેણું સરકારી ટેલિકોમ કંપનીઓ BSNL અને MTNL પર છે. બંને પર 8-10 વર્ષમાં ડિફોલ્ટને કારણે બાકી લેણાંનો આંકડો 50 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. તે પછી, ભારતી એરટેલ પાસેથી રૂ. 20 કરોડ, વોડાફોન આઇડિયા પાસેથી રૂ. 15 કરોડ અને રિલાયન્સ જિયો પાસેથી રૂ. 12 કરોડની વસૂલાત કરવામાં આવવાની છે. પ્રાઈવેટ કંપનીઓ પર લેણાંની અવધિ 10 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની હોય છે.
- Advertisement -
ઘણી વખત મોકલ્યા હતા રીમાઇન્ડર્સ
ટેલિકોમ રેગ્યુલેટરે ઘણી વખત તમામ કંપનીઓને રિમાઇન્ડર મોકલીને દંડ ભરવા માટે યાદ અપાવ્યું છે. વારંવાર રિમાઇન્ડર છતાં દંડ ન ભરવાના કારણે TRAIએ આ પગલું ભર્યું છે. કાયદા અનુસાર, TRAIને એ સત્તા આપવામાં આવી છે કે સતત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેલિકોમ કંપનીઓના લાઇસન્સ રદ કરી દે, પરંતુ અત્યાર સુધી આવા કડક પગલાં ક્યારેય લેવામાં આવ્યા નથી.
તાજેતરમાં જ લંબાવવામાં આવી હતી ડેડલાઇન
ટ્રાઈએ તાજેતરના સમયમાં સ્પામ પર સતત તેની સખતાઈ વધારી છે. આ માટે રેગ્યુલેટરે તમામ કંપનીઓને ડેડલાઇન આપી હતી, પરંતુ બાદમાં ડેડલાઇન લંબાવવા મજબૂર થવું પડ્યું. આ માટે, નવી બ્લોકચેન આધારિત સિસ્ટમ અપનાવવામાં આવી છે, જે સ્પામ એસએમએસને રોકવા માટે છે. અગાઉ કંપનીઓને માત્ર ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે ટ્રાઈએ આ ડેડલાઇન બદલીને 1 ઓક્ટોબર કરી દીધી છે.