ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) એક નવી સુવિધા શરૂ કરવા જઇ રહી છે
પ્રોપર્ટી ખરીદતા પહેલાં બિલ્ડરના અગાઉના પ્રોજેક્ટ, ગ્રાહકોની ફરિયાદો અને રેરાની કાર્યવાહી જાણી શકાશે
- Advertisement -
પેનલ્ટીથી લઈને પ્રોગ્રેસ રિપોર્ટ સુધીની વિગતો એક જ પોર્ટલ પર થશે ઉપલબ્ધ : ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ ઉમેરાશે
ગુજરાતમાં મકાન, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરી રહેલા નાગરિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખરીદદારોના હિતોનું રક્ષણ કરવા અને બિલ્ડરોની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરાત રેરા) એક નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ સુવિધા અમલી બન્યા બાદ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક ગ્રાહકો માત્ર એક ક્લિકમાં બિલ્ડર અથવા પ્રમોટરનો ભૂતકાળ, અગાઉના પ્રોજેક્ટની કામગીરી અને તેની સામે થયેલી ફરિયાદોની વિગતો જાણી શકશે. ગુજરાત રેરાના વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજમાં ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ ઉમેરવામાં આવશે. આ વિભાગના માધ્યમથી જે બિલ્ડરના પ્રોજેક્ટમાં ગ્રાહક ઘર, ફ્લેટ, દુકાન કે ઓફિસ ખરીદવા માગતો હોય તે બિલ્ડરે અગાઉ રાજ્યમાં કયા પ્રોજેક્ટ બનાવ્યા છે અને તેની કામગીરીનો રેકોર્ડ કેવો રહ્યો છે તેની માહિતી મેળવી શકશે. ખાસ કરીને અગાઉના પ્રોજેક્ટમાં ગ્રાહકો સાથે કોઈ વિવાદ થયો હોય, ફરિયાદ નોંધાઈ હોય અથવા રેરાએ કોઈ કાર્યવાહી કરી હોય તો તેની વિગતો પણ ઉપલબ્ધ થશે.
નવી સુવિધાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે હવે માત્ર બિલ્ડરના પ્રોજેક્ટની યાદી જ નહીં, પરંતુ તેની સામે થયેલી ફરિયાદો અને તેના નિકાલની વિગતો પણ ગ્રાહકો જોઈ શકશે. કોઈ પ્રોજેક્ટ અંગે ગ્રાહકે ગુજરાત રેરામાં ફરિયાદ નોંધાવી હોય તો તે ફરિયાદ પર ઓથોરિટીએ શું નિર્ણય લીધો હતો, કયા આદેશો આપ્યા હતા અને ફરિયાદના ચુકાદાની નકલ શું હતી તે પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરાશે. ઉપરાંત કોઈ બિલ્ડર કે પ્રમોટર સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા પેનલ્ટી ફટકારવામાં આવી હોય તો તેની વિગતો પણ નવા વિભાગમાં જોવા મળશે. પરિણામે પ્રોપર્ટી ખરીદતાં પહેલાં ગ્રાહક બિલ્ડરની વિશ્વસનીયતા અને અગાઉના વિવાદો અંગે માહિતી મેળવીને વધુ સાવચેતીપૂર્વક નિર્ણય લઈ શકશે. હવે ગ્રાહકો માત્ર આકર્ષક જાહેરાતો કે બિલ્ડર દ્વારા કરવામાં આવતા દાવાઓના આધારે નહીં, પરંતુ ઉપલબ્ધ સત્તાવાર રેકોર્ડના આધારે પણ નિર્ણય લઈ શકશે. આ સુવિધા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જવાબદારી વધારવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને બિલ્ડરોને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં ઉપયોગી બની શકે છે.
- Advertisement -
પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટ પરથી પણ જાણી શકાશે કામગીરી
ગુજરાત રેરાની આ પહેલમાં પ્રમોટર દ્વારા અગાઉના વિવિધ પ્રોજેક્ટ માટે કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે તેની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવશે. પ્રોજેક્ટની કામગીરી દરમિયાન બિલ્ડર દ્વારા નિયમિત રીતે પ્રગતિના અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે કે નહીં તે જાણવાની તક મળશે. તેના આધારે પ્રમોટરની કામગીરી, પારદર્શિતા અને પ્રોજેક્ટ પ્રત્યેની જવાબદારીનો અંદાજ મેળવી શકાશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનેક વખત બિલ્ડરો દ્વારા સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ ન થવા, બાંધકામમાં વિલંબ, વચન મુજબની સુવિધાઓ ન મળવા અથવા અન્ય મુદ્દાઓને લઈને ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં અગાઉના પ્રોજેક્ટનો રેકોર્ડ ખરીદદારો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
17 હજારથી વધુ પ્રોજેક્ટની માહિતી પહેલેથી જ પોર્ટલ પર ઉપલબ્ધ
રેરાના વેબ પોર્ટલ પર હાલમાં રાજ્યના 17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી ઉપલબ્ધ છે. નાગરિકો કોઈ પણ પ્રકારના લોગ-ઈન વિના માત્ર પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને સંબંધિત પ્રોજેક્ટની વિગતો મેળવી શકે છે. હાલના પોર્ટલ પર પ્રોજેક્ટના જરૂરી દસ્તાવેજો, મંજૂર થયેલા બિલ્ડિંગ પ્લાન, કાર્પેટ એરિયા, બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ અને બાંધકામની પ્રગતિ સહિતની વિગતો ઉપલબ્ધ છે. હવે તેમાં પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડનો નવો વિભાગ ઉમેરાતાં ખરીદદારોને પ્રોજેક્ટની સાથે તેને બનાવનારા બિલ્ડરની કામગીરી તપાસવાની પણ સુવિધા મળશે.



