આજે સોનામાં ₹5100 અને ચાંદીમાં ₹8750 તૂટયાં: 10 જ દિવસમાં અનુક્રમે 35000 તથા 17000નો ઘટાડો નોંધાયો
એકધારી મંદીને કારણે માર્કેટમાં ‘સપ્લાય ચેઈન’ પ્રભાવીતઃ જૂનો માલ વેંચનારા અટકી ગયા-નવો આયાતી માલ અટવાયો
- Advertisement -
વર્ષના પ્રારંભે અસામાન્ય અને રેકોર્ડબ્રેક તેજી સુચવનાર સોના-ચાંદીમાં હવે પ્રચંડ કડાકાનો દોર રહ્યો છે. ૧૯૮૦ જેવી આ મંદીથી બુલીયન બજારમાં હાહાકાર સર્જાયો છે. આજે પણ ભાવ વધુ પટકાયા હતા. ઉઘડતી બજારે જ સોનામાં ૫૧૦૦ તથા ચાંદીમાં ૮૭૫૦ નો કડાકો સર્જાયો હતો સોનું સવા લાખ તથા ચાંદી દોઢ લાખની નીચે સરકી હતી. વિશ્વ બજારમાં સોનુ-ચાંદી સતત ગગડતા રહ્યા છે અને તેની પાછળ ભારતીય માર્કેટ પણ સતત પટકાતું રહ્યું છે. ૧૯૮૦ જેવી મહામંદીની સ્થિતિ સર્જાય છે. ૧૯૮૦ માં ચાંદીની કિમત ઉચ્ચતમ સ્તરથી ૬૩ ટકા ઘટી ગઈ હતી અને ત્યારે પણ મોટો હાહાકાર સર્જાયો હતો. મંદીના પ્રવર્તમાન દોરમાં ચાંદી માત્ર ૧૦ દિવસમાં ૩૫૦૦૦ ઘટી છે. સોનાના ભાવમાં આ દરમ્યાન ૧૭૦૦૦નો કડાકો સર્જાયો છે. સોના-ચાંદી ઉપરાંત પ્લેટીનમ તથા બીટકોઈન પણ ઉંધા માથે પટકાયા હતા. સોનામાં ૧૩ મહિના તથા ચાંદીમાં ૧૪ મહિનાનું નીચલુ સ્તર જોવા મળ્યુ છે. આજે વિશ્વબજારમાં સોનાનો ભાવ ફરી ૯૦ ડોલરથી વધુ ગગડયો હતો અને ૩૫૭૨ ડોલર હતુ. લોકલ વાયદામાં ૫૧૦૦ રૂપિયાના કડાકાથી ૧૨૨૩૪૦ હતું આજ રીતે ચાંદીનો ભાવ વાયદામાં ૮૭૫૦ ના કડાકાથી ૧૪૮૭૨૫ થયો હતો.
વેપારીઓએ કહ્યું કે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત મજબુત થઈ રહ્યો છે. આજે ૧૯ પૈસા વધીને ૯૩.૧૧ થયો હતો. તેને કારરે પણ આયાત પડતર નીચી આવવાનું અને ભાવ ઘટવાનું સ્પષ્ટ છે. સોના-ચાંદીના વર્તમાન કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે તેમાં અમેરિકી ડોલરની મજબુતી અમેરિકી વ્યાજદર વધવાની આશંકા તથા બોન્ડ પીલ્ડમાં ઉછાળો સામેલ છે. વેપારીઓએ એમ કહ્યું કે એકધારી મંદી વચ્ચે સપ્લાયમાં મોટો વિક્ષેપ છે.માર્કેટમાં સપ્લાય ટાઈટ છે. તેજી બજારો સામાન્ય લોકો મોટા પ્રમાણમાં જુનુ સોનું વેચતા હતા અને માલ માર્કેટમાં ઠલવાતો હતો આ જુનો માલ આવતો અટકયો છે. આ સિવાય કસ્ટમ ટેરિફમાં ફેરફારની ટેકનીકલ સમસ્યાને કારણે આયાતી માલ વેપારીઓ સુધી પહોંચ્યો નથી તેની પણ અસર છે.



