રાજસ્થાનના અજમેર જિલ્લામાં આયોજિત પુષ્કર પશુ મેળો ભલે ૨૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ પૂરો થઈ ગયો હોય, પરંતુ ત્યાં આવેલી એક નાનકડી ભેંસની ચર્ચા હજુ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ મેળામાં સામાન્ય રીતે મોટા અને ભારે-ભરખમ પશુઓની ભીડ જોવા મળે છે, ત્યાં આ વખતે માત્ર ૨ ફટ ઊંચી ‘પિંકી’ સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર બની રહી. લગભગ ૩ વર્ષની આ અનોખી ભેંસને મહારાષ્ટ્રના થાણેથી પુષ્કર લાવવા માટે પશુપાલક સોહિલ શકીલે લગભગ ૧૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો. સામાન્ય ભેંસની તુલનામાં પિંકીની ઊંચાઈ એટલી નાની છે કે દેશી-વિદેશી પ્રવાસીઓથી લઈને બાળકો સુધી, દરેક તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોમાં તેની સાથે સેલ્ફી લેવાનો પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. પિંકીની નાની ઊંચાઈનું કારણ જણાવતાં સોહિલે કહ્યું, ‘આ કોઈ ખાસ જાતિના કારણે નથી, પરંતુ કુદરતી છે. ૫ વર્ષની હોવા છતાં તેનો શારીરિક વિકાસ સામાન્ય ભેંસોની જેમ થયો નથી. પિંકીની માતાની ઊંચાઈ પણ લગભગ ૩ ફૂટ હતી અને તે દરરોજ ૨ લિટર દૂધ આપતી હતી, જ્યારે પિંકીએ હજુ સુધી કોઈ બચ્ચાને જન્મ આપ્યો નથી. સોહિલનું માનવું છે કે પિંકી વિશ્વની સૌથી નાની ભેંસ છે, જોકે હજુ સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અથવા કોઈ મોટી સંસ્થા દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ભેંસના માલિક સોહિલ થાણેમાં કૃષિ ફાર્મ ચલાવે છે. તેમનું કહેવું છે કે તેમની પાસે હજુ પણ ઘણા અનોખા પશુઓ છે, જેને તે આવતા વર્ષે મેળામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પિંકીની કિંમત ૧ કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી છે. જોકે સોહિલે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પુષ્કર મેળો શું છે?
રાજસ્થાનના પુષ્કરમાં યોજાતો વિશ્વના સૌથી મોટા પશુ મેળાઓમાંનો એક છે. આ વખતે મેળામાં ૭,૦૦૦થી વધુ પશુઓ પહોંચ્યાં હતા. આ વખતે મેળામાં આ ખાસ પશુઓ પણ આવ્યાં હતા. દેવા નામનો પાડો, જેનું વજન ૭૫૦ કિલો છે, તેની કિંમત ૧૧થી ૧૫ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. રન્દ્ર નામનો પાડો, જે બોટલમાંથી જ્યૂસ પીવે છે. તેની કિંમત ૬૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. માત્ર અઢી ફૂટ ઊંચી પુન્ગનૂર ગાય અને તેના વાછરડાં તો માત્ર ૧૫ ઇંચનાં છે.



