સરકારી દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની હાલત તો કલ્પનાતિત જ!
- સત્તાવાર અછત નહીં હોવાથી નવા બોર ગાળવાનું કોઈ આયોજન નહીં, જ્યાં બોર પુનર્જિવિત કરવા પડે ત્યાં લોકફાળો લેવાશે
મોટાભાગના ડેમોમાં પૂરતી જળરાશિ સંગ્રહિત છે, ટેન્કર યુગ પૂરો થયો અને આ ઉનાળે ક્યાંય પાણીની તકલીફ નહીં પડે એવા-એવા સરકારી દાવાઓ વચ્ચે અત્યારથી જ રાજકોટ આસપાસના 11 ગામે ટેન્કરો મારફત પાણી પહોંચાડવાની નોબત આવી પડી છે, અને સૌરાષ્ટ્રના દૂર-દૂરના ગામડાંઓમાં તો સ્થિતિ કેવી હશે તેની કલ્પના જ સ્હેજે’ય કરી શકાય તેમ છે.

- Advertisement -
રાજકોટ શહેરની માત્ર દસે’ક કિલોમીટરની પેરીફેરીમાં આવતા સાત ગામોમાં તથા વીસે’ક કિલોમીટરના અંતરે આવેલા એક ગામે ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. જ્યાં 10- 10 હજાર લિટરવાળા ટેન્કરો મોકલવાની જરુર ઊભી થઈ છે એવા ગામોમાં ગુંદાળા, જીવાપર, ગારીડામાં બે- બે ફેરા, રામપરા બેટીમાં એક, રાજકોટથી સાવ અડોઅડ આવેલા આણંદપર નવાગામમાં પાંચ, નવાગામ (બામણબોર)માં 10 અને રુડાની હદવાળા મનહરપુર રોણકીમાં છ ફેરા ઉપરાંત હીરાસર ગામે પાંચ હજાર લિટરવાળા ટેન્કરનો એક ફેરો સહિત કુલ 35 ફેરા કરાવવો પડે તેવી સ્થિતિ છે.
સંબંધિત સત્તાવાર વર્તુળોએ જો કે એમ જણાવી રહ્યા છે કે હાલ છ ગામે ટેન્કરો મોકલાય છે અને જિલ્લાના વધુ ચાર-પાંચ ગામની ડિમાન્ડ આવી છે, જે ટૂંક સમયમાં જ જિલ્લા પાણી સમિતિની આગામી બેઠકમાં મંજૂર કરી દેવામાં આવશે પરંતુ આમાંનાં મોટા ભાગનાં ગામો ટેકનિકલ ફોલ્ટવાળા છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટમાં ભેળવવામાં આવેલા ગામો પણ છે. એ સિવાય, મચ્છુ જૂથ યોજનામાં સમાવિષ્ટ રાજકોટના 48 ગામને તકલીફ નહીં પડે કેમ કે મચ્છુ ડેમમાં જૂન- જુલાઈ સુધી ચાલે એટલી 724 એમસીએફટી જળરાશિ સંગ્રહિત છે તથા સૌની યોજના સાથે લિન્કઅપ હોવાથી જરુર પડયે નર્મદા નીર પણ મળી શકે તેમ છે.
દરમિયાન, જિલ્લાનો માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. સત્તાવાર અછત નહીં હોવાથી ચાર અને છ ઈંચના નવા બોર ગાળવાનું આયોજન નથી તેમજ જ્યાં બોર પુનર્જિવિત કરવા પડે તેમ હશે ત્યાં એ માટે 10 ટકા લોકફાળો લેવામાં આવશે.


