ભાજપના એક જૂથના વિરોધ વચ્ચે પખવાડિયા પહેલા ડિરેક્ટર બનાવ્યા, આસોદરીયા એકે’ય બેઠકમાં હાજર નહીં પણ સટ્ટામાં હાજરી ખુલી
રાદડીયાએ કહ્યું ક્રિકેટ સટ્ટામાં નામ ખુલ્યું છે પક્ષની સૂચનાથી રાજીનામું માંગી લીધું છે, નવા મુકાશે
રાજકોટ લોધિકા સહકારી સંઘમાં રાજકોટ જિલ્લા બેન્કના પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે હજુ ગત તા.24ના પ્રદેશ ભાજપના મેન્ડેટ અન્વયે મુકાયેલા મહેશ આસોદરિયાનું નામ ક્રિકેટના સટ્ટામાં આરોપી તરીકે ખુલતા આજે સાંજે પ્રદેશ ભાજપમાંથી આસોદરિયાનું ડિરેક્ટર પદેથી રાજીનામુ લઈ લેવા આદેશ જારી કરાયો છે. મહેશ આસોદરીયા એ પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના માનીતા છે અને થોડા સમય પહેલા ભાજપના જ એક જૂથે ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતીમાં લાખો રૂમ.નો ભ્રષ્ટાચારની ફરિયાદ પ્રદેશ ભાજપ,રાજ્ય સરકારને કરી છે તેમાં અરજી કરનારા પૈકીના એક વિજય સખિયાને લોધિકા સંઘમાં ડિરેક્ટર પદેથી હટાવીને પ્રદેશ ભાજપનો મેન્ડેટ મેળવીને તેમની જગ્યાએ આસોદરીયાની નિમણુક કરાઈ હતી.
આસોદરીયા હજુ આ સહકારી સંઘની એક પણ બેઠકમાં હાજરી નથી ત્યાં જ ક્રિકેટ જૂગારમાં નામ નીકળતા આજે રાદડીયા વિરોધી જૂથ મેદાને પડયું હતું અને પ્રદેશમાં આક્રમક રજૂઆત કરી હતી. પ્રદેશમાંથી આસોદરીયાનું તાકીદે રાજીનામુ લઈ લેવા જિલ્લા ભાજપ પ્રમુખને સૂચના મળી છે. પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે મહેશ આસોદરીયાને રાજીનામુ લઈ લેવાશે અને ટૂંક સમયમાં તેમની જગ્યાએ નવી નિમણુક કરાશે.


