મુખ્યસંચાલક ગામો, નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસના બોબી પટેલના કનેક્શનની ચર્ચા
અમદાવાદના દરિયાપુરમાં આવેલી મનપસંદ ક્લબમાં ચાલતાં હાઈપ્રોફાઈલ જુગારમાં ગઈકાલે(૨ ઓગસ્ટ) બપોરથી SMCની રેડ ચાલી રહી છે. ગઈકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં જુગારીઓ કલબમાં હાજર હતા. આ દરમિયાન રેડ થતા તમામને કલબમાં જ રાખવામાં આવ્યા છે. રેડ દરમિયાન SMCના SP અને DIG સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા ૨૦ કલાક વધુથી રેડ ચાલુ છે, હજુ આરોપીના નિવેદન લેવામાં આવી રહ્યા છે. મનપસંદ જીમખાનાનો મુખ્ય સંચાલક ગામો ઉર્ફે ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ છે. ગામા સાથે એક નિવૃત પોલીસકર્મી અને કિંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલ પણ જોડાયેલા હોવાની ચર્ચા છે. અગાઉ પણ આ ક્લબમાં અનેક રેડ થઈ છે.
- Advertisement -
અગાઉની કેટલીક રેડમાં હાઈકોર્ટનો ઓર્ડર બતાવી ગામો બચી જતો હતો, ત્યારે આ વખતે SMCની રેડમાં પોલીસના સંકજામાં આવી ગયા છે. દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબમાં ગઈકાલે બપોરથી SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કલબમાં જુગાર રમતા ૧૮૦ જુગારીઓ ઝડપાયા હતા. જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં ૩૫થી ૪૦ ટેબલ પર જુગારીઓ જુગાર રમતા હતા. SMCની ટીમે તમામની અટકાયત કરી મોબાઇલ ફોન, રોકડ રકમ, જુગારના કોઈન, વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રેડના ૨૦ કલાક બાદ પણ કક્લબમાં હજુ આરોપીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જુગારીઓ ન સમાતા પોલીસ ગોથે ચડી!
રેડ પૂરી થયા બાદ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. જોકે છેલ્લી રેડમાં પણ મોટી સંખ્યામાં આરોપીઓ હોવાથી તમામ આરોપીઓ એક દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવી શકે તેમ ન્હોતા, જેથી આસપાસના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા.આ રેડમાં પણ ૧૫૦થી ૧૮૦ જેટલા આરોપીઓ હોવાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સિવાય અન્ય પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવશે.




