મચ્છર ઉત્પત્તિ મામલે મનપા આરોગ્ય તંત્રની લાલ આંખ: 362 આસામીઓને નોટિસ, 1 લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી
ઝાડા-ઉલટીના 204 અને ટાઈફોઈડનો 1 કેસ નોંધાયો; મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ શૂન્ય
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૧૬/૧૧/૨૦૨૬ થી તા. ૨૨/૧૧/૨૦૨૬ દરમિયાન આરોગ્ય તંત્રની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પોરાનાશક અને ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના નવા ૫ કેસ નોંધાયા છે, જ્યારે શરદી-ઉધરસના ૮૭૪ અને સામાન્ય તાવના ૭૬૦ કેસ સામે આવ્યા છે.મનપાના ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કુલ ૧,૦૬,૬૯૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ ૧,૦૦૯ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વધુ મચ્છર ઘનતા ધરાવતા સંવેદનશીલ વિસ્તારો, જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.ચેકિંગ દરમિયાન બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ અને ભંગારના ડેલા સહિત ૪૦૧ જેટલી બિન-રહેણાંક પ્રિમાઇસીસની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મચ્છર ઉત્પત્તિ જોવા મળી હતી તેવા રહેણાંકના ૨૮૯ અને કોમર્શિયલ ૭૩ મળી કુલ ૩૬૨ આસામીઓને બાયલોઝ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે.




