ડિજિટલ ગવર્નન્સના મસમોટા દાવા રાજકોટ મનપાની ઓનલાઈન કામગીરીનો ફિયાસ્કો
જન્મ-મરણના દાખલા અને ટેક્સની કામગીરી અટકી: કરોડોના બજેટવાળી મનપા પાસે વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટ સિટીના દાવા કરતી રાજકોટ મહાનગરપાલિકાની ઓનલાઈન કામગીરીનો મોટો ફિયાસ્કો સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી મનપાના તમામ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરોના સર્વર સદંતર ઠપ થઈ જતાં વહીવટી તંત્ર રામભરોસે ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સર્વર જાણે ‘કોમા’માં સરી પડ્યું હોય તેમ ઓનલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ પડી છે, જેના કારણે વિવિધ સર્ટિફિકેટ્સ કઢાવવા અને ટેક્સ ભરવા આવતા હજારો અરજદારો ભારે ‘ચિંતા’માં મુકાયા છે. બીજી તરફ, નાગરિકોની આ હાલાકી દૂર કરવાના કે વૈકલ્પિક રસ્તા શોધવાના બદલે મનપાના જવાબદાર બાબુઓ પોતાના ‘રોફ’માં મસ્ત હોવાનો ગંભીર આક્રોશ પ્રજામાં જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, દર વર્ષે ટેકનોલોજી અને ડિજિટલ પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરતી આ મનપા પાસે સતત બે દિવસ સુધી સર્વર ડાઉન રહેવા છતાં કામગીરી ચાલુ રાખવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે બેકઅપ સિસ્ટમ જ નથી. સિવિક સેન્ટરો પર સવારથી સાંજ સુધી લાઈનોમાં ઉભા રહેતા સામાન્ય લોકોને અંતે ‘સર્વર બંધ છે, પછી આવજો’ એવો ટૂંકો અને રૂક્ષ જવાબ આપી રવાના કરી દેવાય છે. મનપાના સેન્ટરો પર સામાન્ય દિવસોમાં જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, પ્રોપર્ટી ટેક્સ અને ગુમાસ્તા ધારા સહિતની અતિ મહત્વની વહીવટી કામગીરી થતી હોય છે, જે હાલ સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. સેન્ટ્રલ આઈટી વિભાગની ટેકનિકલ બેદરકારીના કારણે આ આખી મુશ્કેલી ઉભી થઈ છે અને બે દિવસ વીતી જવા છતાં યુદ્ધના ધોરણે સર્વર રિપેર કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. દૂર-દૂરથી ભાડું ખર્ચીને અને નોકરીમાંથી રજા લઈને આવતા અરજદારો મનપા કચેરીએ ધરમધક્કા ખાઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી મનપા એક સર્વર સરખું ન કરી શકતા રોષે ભરાયેલા નાગરિકો હવે પૂછી રહ્યા છે કે આ આળસુ અને રોફ જમાવતા બાબુઓ સામે ઉચ્ચ અધિકારીઓ ક્યારે લાલ આંખ કરશે.



