પરમાત્માના ચરણોમાં ડૉ.શરદ ઠાકરના વંદન. જીવનપ્રવાસના એક ચોક્કસ પડાવ પર ઊભા રહીને વીતેલા સમય પર નજર ફેંકું છું ત્યારે આત્મપરીક્ષણ જાગે છે. આપણાં શાસ્ત્રોમાં વિવેક અને વૈરાગ્યનો મહિમા ગાવામાં આવ્યો છે. આપણામાંથી દરેકે વિચારવું જોઇએ કે આ બે શબ્દોને આપણે જીવનમાં કેટલા અંશે અપનાવ્યા છે?મારી અંગત વાત કરું તો, વિવેકબુદ્ધિનો હું કાયમી સમર્થક રહ્યો છું. વિવેકબુદ્ધિ એટલે માત્ર વાણીનો જ વિવેક નહીં. કયા માણસને, કયા પ્રસંગે, કઇ વાત, કેવી રીતે કહેવી એ પણ વિવેકબુદ્ધિ માગી લે છે. ગુજરાતમાં એક ચોક્કસ જ્ઞાતિના પતિદેવો પોતાની પત્નીઓ સાથે ઉગ્ર ઝઘડો કરતી વખતે પણ ‘તમે’ કહેવાનું ચૂકતા નથી. મહાત્મા ગાંધી કહેતા હતા, ‘કડવામાં કડવી વાત પણ મીઠી ભાષામાં કહી શકાય છે.’ આને કહેવાય વાણીનો વિવેક.વાણી ઉપરાંત વર્તનનો વિવેક પણ જરૂરી છે. કોઇના ઘરે મંગળ પ્રસંગમાં કાળાં વસ્ત્રો પહેરીને જવું કે કોઇના બેસણામાં સૂટ-બૂટ અથવા કલરફુલ સિલ્કની સાડી પહેરીને જવું, એ વર્તનનો અવિવેક કહેવાય.આ બધાં તો જાડાં ઉદાહરણો થયાં. હવે સૂક્ષ્મ વિવેકની વાત કરું. ૧૯૮૦માં હું અમદાવાદની વી. એસ. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રેસિડેન્સી કરતો હતો. વિશ્વપ્રસિદ્ધ ડો. નાડકર્ણીસાહેબ અમારા યુનિટના વડા હતા. સાહેબ હંમેશાં વેલસ્ટિચ્ડ સૂટ પહેરીને ડિપાર્ટમેન્ટમાં આવતા હતા. બિલ્ડિંગમાં દાખલ થવાનાં પગથિયાં પાસે હાથમાં સાવરણો લઇને સફાઇકામ કરતો એક આધેડ કર્મચારી આવતાં- જતાં તમામ સાહેબો અને મેડમોને સહેજ ઝૂકીને ‘જય શ્રીકૃષ્ણ’ બોલતો હતો. લગભગ બધાં જ સાહેબો અને મેડમો ઔપચારિક રીતે સહેજ માથું હલાવીને, પેલાનું અભિવાદન ઝીલવાનો ઉપકાર દર્શાવીને પસાર થઇ જતા હતા. એકમાત્ર ડો. નાડકર્ણીસાહેબ ચાલતાં ચાલતાં ઊભા રહીને પેલા સફાઇ કામદાર સામે ફરીને એના જેટલા જ વિનય અને વિવેકપૂર્વક બે હાથ જોડીને, માથું સહેજ ઝુકાવીને ભાવપૂર્વક ‘જય શ્રીકૃષ્ણ’ બોલતા હતા.
એક દિવસ મેં સાહેબને આવું કરવા વિશે પૂછ્યું. ત્યારે એમણે સુંદર જવાબ આપ્યો હતો, ‘એ માણસ મારી અંદર રહેલા કૃષ્ણત્વનો જયકાર કરતો હોય તો મારે પણ એની અંદર રહેલા કૃષ્ણને પ્રણામ કરવાં પડે. હું સવારના પહોરમાં એવું સાબિત કરવા નથી માગતો કે ગાયનેક વિભાગનો અધ્યક્ષ વિવેકની બાબતમાં એક સફાઇ કામદાર કરતાં નીચો છે.’
- Advertisement -
*ૐ નમઃ શિવાય*




