કેશ્મ દ્વીપ પર 5 વિસ્ફોટ, ઈરાને બે અમેરિકી જાસૂસી ડ્રોન તોડી પાડયાનો દાવો
ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે ઓછામાં ઓછા પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા. નજીકના બંદર લેંગેહ શહેરમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. અમેરિકામાં મંગળવારે મિડટર્મ ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ દરમિયાન અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાએ કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો છે. જોકે, ઈરાની એજન્સીના અહેવાલમાં આ વિસ્ફોટો પાછળ અમેરિકા અથવા ઇઝરાયલનો હાથ હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાને દાવો કર્યો છે કે તેણે બે અમેરિકન ખચખ-૧૭૦ જાસૂસી ડ્રોન તોડી પાડ્યા છે.
કેશ્મ દ્વીપ આશરે ૧,૪૪૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ઈરાનનો સૌથી મોટો દ્વીપ છે. એક સમયે તે ફ્રી-ટ્રેડ ઝોન અને ટૂરિસ્ટ સ્પોટ માટે જાણીતો હતો, પરંતુ હવે તે એક મોટા સૈન્ય મથકમાં પરિવર્તિત થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર આવેલો આ દ્વીપ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકા તેને અનેક કારણોસર મોટો સૈન્ય ખતરો માને છે. ભૂગર્ભ સૈન્ય નેટવર્કઃ અહેવાલો અનુસાર, કેશ્મ દ્વીપની નીચે સુરંગો અને મીઠાની ગુફાઓનું મોટું નેટવર્ક છે. અહીં ઈરાને દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમો અને ઝડપી હુમલો કરતી નૌકાઓ છુપાવી રાખી છે. દરિયાઈ માર્ગો પર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ: દ્વીપની અંદર ઈરાને એવા સૈન્ય મથકો બનાવ્યા છે, જેમનો હેતુ દરિયાઈ માર્ગો પર નિયંત્રણ રાખવાનો છે. માનવામાં આવે છે કે અહીંથી હોર્મુઝ જળસંધિમાં જહાજોની અવરજવર રોકી અથવા મર્યાદિત કરી શકાય છે. વિશ્વના તેલ પુરવઠા પર અસરઃ હોર્મુઝ જળસંધિ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ અને ગેસના દરિયાઈ માર્ગોમાંથી એક છે.
અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાને કેશ્મ દ્વીપનો ઉપયોગ તેલ ટેન્કરોની અવરજવર રોકવા અથવા દબાણ બનાવવા માટે કર્યો છે. આ પહેલાં સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા હાલમાં ઈરાન પર ફરીથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે તેહરાન સાથે કરાર થઈ શકે છે. પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ મંગળવારે યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું- ‘ના.’ ટ્રમ્પે ઈરાન સાથે કરાર થવાની પણ આશા વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઈરાન સાથે મોટા યુદ્ધની આશંકા ઘટવાને કારણે તેલના ભાવમાં પ્રતિ બેરલ આશરે ૧૦ ડોલરનો ઘટાડો થયો છે. ટ્રમ્પે તેને રેકોર્ડ ઘટાડો ગણાવ્યો. ૩૧ ઑક્ટોબરે તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૮ ડોલર હતા. ૧ નવેમ્બરે તે ઘટીને પ્રતિ બેરલ ૧૦૮ ડોલર પર પહોંચી ગયા.
- Advertisement -



