By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 days ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 days ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    3 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    4 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
    7 hours ago
    દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
    7 hours ago
    30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા
    7 hours ago
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    1 day ago
    દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 day ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    1 week ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 days ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    1 week ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર
Authorમનીષ આચાર્ય

દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર

Khaskhabar Editor
Last updated: 2026/11/07 at 1:39 PM
Khaskhabar Editor 6 hours ago
Share
33 Min Read
SHARE

ઉત્સવઝેરી લોકો ફટાકડાનો વિરોધ કરે પણ ભારતમાં દિવાળી પર ફોડાતા ફટાકડા નો ઇતિહાસ 1500 વર્ષ જૂનો છે

વેદોમાં દિવાળી જેવા તહેવારનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી

- Advertisement -

પણ દિવાળી એ પૂર્ણ ભૌતિક અને પૂર્ણ આધ્યાત્મિક ઉત્સવ એમ બન્ને છે

 

ધર્મશાસ્ત્રો અને કર્મકાંડી વ્યવસાયિકોના ચોપડાઓ તો એમ કહે છે કે આપણી દિવાળી હિન્દુ પંચાંગના આખરી માસ આસોની વદ અમાસના રોજ આવે છે. પરંતુ એવું નથી! વાસ્તવમાં દિવાળી હિન્દુઓની ચેતનામાં ધબકતો મહાઉત્સવ છે. પ્રત્યેક હિન્દુ અજાગૃત રીતે પોતાના મનના એક અમાસી રાત જેવા પ્રદેશમાં આખું વર્ષ સત્તત દિવાળીની રાહ જોતો હોય છે. તેમાં પણ અષાઢ પછી શ્રાવણ આવતા વાતાવરણમાં દિવાળી ગોરંભાવા લાગે છે. દિવસો તો જન્માષ્ટમીના ચાલી રહ્યા હોય છે, ગણેશોત્સનના ચાલી રહ્યા હોય છે શ્રધ્ધાના ચાલી રહ્યા હોય છે અને નવરાત્રિના ચાલી રહ્યા હોય છે પણ આકાશમાં દિવાળીની અદૃશ્ય સવારી નક્કર ચાલે આપણી તરફ ધસી આવી રહી હોય છે. દિવાળીનો એક આગવો અનોખો રોમાંચ હોય છે, દિવાળી પાસે પોતાનો એક આત્મા હોય છે, દિવાળી પાસે પોતાનું એક ગેબી જલજલાટ વિરાટ રૂપ હોય છે. દિવાળી સ્વયં દેદીપ્યમાન હોય છે એટલે જ તે કરોડો લોકોના જીવનમાં આશ પૂરે છે પ્રકાશ પૂરે છે. દિવાળી પાસે પોતાની એક અલૌકિક સુગંધ હોય છે જે આપણા અસ્તિત્વની આરપાર ઊતરી જઇ આપણાંમાં એક દિવ્ય કેફ સીંચે છે. અને પછી એ દિવ્ય કેફ જ આપણી પાસે બોલાવે છે, “ચાલો ઘરનો ખૂણે ખૂણો સાફ કરી નાખીએ, ચાલો બાવા ઝાપટા પાડીએ, ચાલો નવા વસ્ત્રો સજાવીએ, ચાલો ઘરને રંગરોગાન કરીએ, ચાલો તોરણ સજાવીએ!!
આ સ્પિરિટ છે દિવાળીનો! જુનું ત્યજીએ, બિનજરૂરી ત્યજીએ ગંદુ ત્યજીએ અને નવું અપનાવીએ! ભીતરથી નવપલ્લવિત થઈએ! બિનજરૂરી ગંદી ચીજવસ્તુઓ વિચારોને પકડી રાખવાની માનસિકતા છોડી નવું અજમાવવાનું સામર્થ્ય કેળવીએ!
આવું કોઈ શાસ્ત્રોમાં નથી કહ્યું કે ઘર સાફ કરો ભંગાર કાઢો, પણ આપણે સદીઓ સદીઓથી આવું કરી છીએ, કારણ કે આ દિવ્ય આદેશ આપણને પરમશક્તિ તરફથી મળે છે. આમ દિવાળી એ પરમ ચૈતન્ય સાથે સેતુ ધરાવતા, પરમે જેને આવા આદેશો માટે લાયક માન્યા છે તેનો ઉત્સવ છે. આપણા નવરાત્રીઓમાં અને આપણી દિવાળીના દિવસોમાં પરમશક્તિ આપણને રિચાર્જ કરે છે.

- Advertisement -

*દિપાવલી મહાત્મ્ય*

દિવાળી કે દિપાવલી એ અંધકારથી પ્રકાશ તરફની ગતિ પ્રકાશ તરફની યાત્રાનો તહેવાર છે.
દિપાવલી શબ્દ સંસ્કૃત ભાષાના બે જુદા જુદ્દા શબ્દોની સંધિથી બન્યો છે. જેમાં, દીપ+ આવલી‘દીપ’ એટલે કે દીપક, અર્થાત પ્રકાશ + આવલી! આવલી એટલે પંક્તિઓ, હારમાળા કે શૃંખલા. આમ દીપાવલીનો અર્થ થાય છે, સંખ્યાબંધ દીપકની હારમાળા. દીવડાઓની શૃંખલા. આ પર્વ અંધકાર પર પ્રકાશ, અંધકાર પર જ્ઞાન અને અનિષ્ટો પર સારપના વિજયની પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે.

*”दीपज्योतिः परंब्रह्म, दीपज्योतिर्जनार्दनः।”*
*दीपो हरतु मे पापं, दीपज्योतिर्नमोऽस्तु ते॥*

અર્થાત તે દીપકની જ્યોત જ પરબ્રહ્મનું પ્રતીક છે. આ જ્યોત જ જનાર્દન એટલે કે સૃષ્ટિના સ્વામીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકાશ આપણા સઘળા પાપોનો નાશ કરે. તે જ્યોતને નમન હો નમન હો!

*दीपोत्सवं नराः सर्वे कुर्वन्ति रात्रौ प्रियं हरिम्।*

*दीपमालावृतं तेन तद् दीपावली सम्भृतम्।।*

અર્થાત સર્વે મનુષ્યો એ રાતોમાં પ્રિય હરિ એટલે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે દીપોત્સવ ઉજવે છે. આ જ કારણસર દીપ માળાનું આ પર્વ દિપાવલી તરીકે પ્રસિધ્ધિ પામ્યું.

*दीपो भवति जयति दीपः सर्वत्र जयते।*

*दीपावली पुण्यकाले तस्मात् सर्वं नयति ध्रुवम्।।*
અર્થાત દીપક વિજયી થાય છે, દીપક સર્વત્ર વિજયી થાય છે. દિપાવલીના પવિત્ર કાળમાં નિશ્ચિત રીતે તમામ અંધકારનો નાશ કરી દે છે.

*ઉપનિષદોનો મંત્ર, तमसो मा ज्योतिर्गमय’*

હે ઈશ્વર અમન અંધકારથી પ્રકાશ તરફ દોરી જાઓ…

*દિવાળીની શરૂઆત ક્યાંથી થઈ?*

ભારત દિવાળી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, તે પરમ ચૈતન્ય તરફથી માનવીને દિવ્ય આદેશ પ્રાપ્તિનો ઉત્સવ છે પણ લોકો તેનું પૃથ્થકરણ કરવા ક્ષમતાવાન હોતા નથી માટે દિવાળીના બાબતે આપણને અનેક પ્રશ્નો થયા કરે. આ તહેવાર ક્યારથી શરૂ થયો એ કોઈને ચોક્કસ ખબર નથી, એટલે જ તેની શરૂઆત પાછળ એક નહિ અનેક કારણો કહેવાય છે. ભારતનું દરેક રાજ્ય એક જ દિવસે દિવાળી ઉજવે છે પણ તેમની પાસે તેની પાછળની કથા અલગ છે.

*દિવાળી પાછળની 10 પ્રખ્યાત કથાઓ:*

*1. રામાયણની કથા:* આ સૌથી પ્રખ્યાત કથા છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષના વનવાસે ગયા. ત્યાં રાવણે સીતાનું હરણ કર્યું. રામે રાવણને મારીને સીતાને છોડાવી અને કારતક મહિનાની અમાસના દિવસે અયોધ્યા પાછા આવ્યા. અયોધ્યાના લોકોએ તેમના સ્વાગતમાં હજારો દીવા પ્રગટાવ્યા. દીવાની હારમાળા એટલે દીપાવલી.

*2. મહાભારતની કથા:* કૌરવોએ જુગારમાં પાંડવોને હરાવ્યા અને તેમને 13 વર્ષ વનવાસ મળ્યો. કારતક અમાસના દિવસે તેઓ હસ્તિનાપુર પાછા આવ્યા ત્યારે લોકોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું.

*3. લક્ષ્મીજીનો જન્મદિવસ:* કહેવાય છે કે આ દિવસે સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયાં હતાં. ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મીજીનો જન્મ કારતક અમાસે થયો હતો અને વિષ્ણુ ભગવાને તેમની સાથે લગ્ન કર્યા. એ ખુશીમાં દીવા પ્રગટાવાયા. એટલે દિવાળીએ લક્ષ્મી પૂજા થાય છે.

*4. મહાબલી અને વામન અવતાર:* રાજા બલિ બ્રહ્માજીના વરદાનથી અજેય બની ગયો હતો. દેવતાઓ ત્રાસી ગયા. ત્યારે વિષ્ણુ ભગવાને વામન અવતાર લઈને કારતક અમાસે બલિને હરાવ્યો. તેના વિજયની ઉજવણી એટલે દિવાળી.

*5. નરકાસુર વધ:* નરકાસુર નામનો રાક્ષસ ખૂબ ક્રૂર હતો. દિવાળીના એક દિવસ પહેલા વિષ્ણુ ભગવાને તેને મારીને તેના મહેલમાં કેદ હજારો સ્ત્રીઓને મુક્ત કરાવી. તેની ખુશીમાં દિવાળી ઉજવાઈ.

*6. કાળી માતાની કથા:* કેટલાક પ્રદેશોમાં દિવાળીએ કાળી માતાની પૂજા થાય છે. કહેવાય છે કે દુર્ગા માતાના કપાળમાંથી કાળી પ્રગટ થયા અને રાક્ષસોને માર્યા. પછી તે એટલા ગુસ્સામાં આવી ગયા કે બધાને મારવા લાગ્યા. શિવજીએ તેમને રોક્યા. એ જ ક્ષણનું ચિત્ર છે જ્યારે કાળી માતા શિવજી પર પગ મૂકીને અટકી જાય છે.

*7. વિક્રમાદિત્યનો વિજય:* ઈ.સ. પૂર્વે 56 માં રાજા વિક્રમાદિત્ય તેની બહાદુરી અને ડહાપણથી રાજા બન્યા. તેની ખુશીમાં નાગરિકોએ દીવા પ્રગટાવ્યા અને ત્યારથી દિવાળી શરૂ થઈ.

*8. સ્વામી દયાનંદ સરસ્વતી:* મહાન સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. તેઓ કારતક અમાસના દિવસે નિર્વાણ પામ્યા, એ યાદમાં પણ દિવાળી ઉજવાય છે.

*9. મહાવીર સ્વામીની કથા:* જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર 15 ઓક્ટોબર 527 ઈ.સ. પૂર્વે આ જ દિવસે નિર્વાણ પામ્યા હતા. આ દિવસ આત્માની મુક્તિનો દિવસ માનવામાં આવે છે.

*10. શીખ ધર્મની કથા:* ગુરુ અમરદાસે પ્રકાશ પર્વ શરૂ કર્યું. 1619 ની દિવાળીએ 6ઠા ગુરુ હરગોવિંદ સિંહજીને મુઘલ બાદશાહ જહાંગીરે ગ્વાલિયર કિલ્લામાંથી મુક્ત કર્યા હતા. અને આ જ દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરનો પાયો પણ નખાયો હતો.
આમ આ બધી કથાઓમાં એક વાત સમાન છે – *અસત્ય પર સત્યનો, અંધકાર પર પ્રકાશનો અને બુરાઈ પર સારપનો વિજય.* દિવાળીએ આપણે દીવા પ્રગટાવીને આપણા અંદરના અંધકારને, અજ્ઞાનને અને નકારાત્મક વિચારોને દૂર કરીએ છીએ. અંદરનો દીવો એટલે આત્મજ્ઞાન અને બહારનો દીવો એટલે બીજા પ્રત્યે કરુણા.
એટલે જ સદીઓથી દિવાળી આપણા હૃદયને સાફ કરવા, જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા અને સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

*વેદોમાં દિપાવલી*

વેદોમાં પ્રત્યક્ષ રીતે ‘દિવાળી’ કે ‘દિપાવલી’ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી, કારણ કે આ તહેવાર ઐતિહાસિક અને પૌરાણિક કાળ (રામાયણ અને મહાભારત કાળ) દરમિયાન વધુ પ્રચલિત થયો. જો કે, વેદોમાં દીપક (દીવો), પ્રકાશ, અગ્નિ અને તમસ (અંધકાર) માંથી જ્યોતિ તરફ જવાના આધ્યાત્મિક મહિમાનું અદભુત વર્ણન છે, જે દિવાળીના મૂળ પાયા સમાન છે.
વેદોની ફિલસૂફી મુજબ દિવાળી એટલે…..
અંધકાર પર પ્રકાશનો વિજય જે મૂળ વૈદિક પ્રાર્થના છે…
વૈદિક સંસ્કૃતિ હંમેશા અંધકારને દૂર કરી પ્રકાશ તરફ ગતિ કરવાનો સંદેશ આપે છે. શુક્લ યજુર્વેદ (બૃહદારણ્યક ઉપનિષદ) નો આ મંત્ર દિવાળીનો મુખ્ય આધ્યાત્મિક સંદેશ છે:
“તમસો મા જ્યોતિર્ગમય।”
(હે પ્રભુ! અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.)
અહીં અંધકાર એટલે અજ્ઞાન, અહંકાર અને બુરાઈ; જ્યારે જ્યોતિ એટલે જ્ઞાન, પવિત્રતા અને સચ્ચાઈ. દિવાળીના દીવા આ જ વૈદિક સત્યના પ્રતીક છે.

*વેદોમાં અગ્નિ અને દીપકનો મહિમા*

વેદોમાં અગ્નિને દેવતાઓનું મુખ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. ઋગ્વેદ નો પ્રથમ મંત્ર જ અગ્નિની સ્તુતિથી શરૂ થાય છે: “અગ્નિમીળે પુરોહિતં…”
• દીવાને અગ્નિનું પવિત્ર અને સૌમ્ય સ્વરૂપ માનવામાં આવે છે.
• વૈદિક માન્યતા અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

*’શારદીય નવસસ્યેષ્ટિ’ યજ્ઞ*

વૈદિક કાળમાં દિવાળીના સમયે (આસો મહિનાની અમાસની આસપાસ) નવો પાક ઘરમાં આવતો હતો. આ ખુશીમાં ‘નવસસ્યેષ્ટિ યજ્ઞ’ કરવામાં આવતો, જેમાં ખેતરમાંથી આવેલા નવા અનાજનો ભાગ અગ્નિદેવને અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવતી હતી. આજે પણ દિવાળી અને બેસતા વર્ષે લક્ષ્મી પૂજનમાં નવા અનાજ અને ધનની પૂજા કરવાની પરંપરા આ વૈદિક પ્રથામાંથી જ આવી છે.

*સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની કામના (લક્ષ્મી સૂક્ત)*

વેદોના ભાગ ગણાતા ખિલસૂક્તોમાં ‘શ્રીસૂક્ત’ અને ‘લક્ષ્મીસૂક્ત’ નો સમાવેશ થાય છે. દિવાળીના દિવસે સુખ-સમૃદ્ધિ અને ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવે છે:
“ધનમગ્નિર્ધનં વાયુર્ધનં સૂર્યો ધનં વસુઃ…”
આ મંત્ર દર્શાવે છે કે પ્રકૃતિના તત્વો (અગ્નિ, વાયુ, સૂર્ય) જ સાચું ધન છે, અને દિવાળી પર પ્રકૃતિ તથા લક્ષ્મી સ્વરૂપી સમૃદ્ધિનો મહિમા ગવાય છે.

*વાક બારસનું મહાત્મ્ય*

આસો વદ બારસ એટલે કે વાક બારસ (વાઘ બારસ) એ દીપોત્સવી (દિવાળી) પર્વમાળાનો સત્તાવાર રીતે પહેલો દિવસ માનવામાં આવે છે. આ દિવસને ભારતના અન્ય ભાગોમાં ‘વસુ બારસ’, ‘ગૌવત્સ દ્વાદશી’ અથવા ‘નંદિની વ્રત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વાક બારસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વ્યાપારિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય છે…

*વાણી અને સરસ્વતી સાધના (વાક્ બારસ)*

સંસ્કૃતમાં ‘વાક્’ એટલે ‘વાણી’. સમય જતાં લોકોમાં તેનો અપભ્રંશ થઈને ‘વાઘ બારસ’ શબ્દ પ્રચલિત બન્યો. આ દિવસે વાણી, જ્ઞાન અને સંગીતની દેવી માઁ સરસ્વતીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. લોકો વાણીની શુદ્ધિ, વિદ્યા અને વાક-સિદ્ધિ મેળવવા માટે આ દિવસે પ્રાર્થના કરે છે.

*ગૌમાતા અને વાછરડાનું પૂજન_વસુ બારસ*

પૌરાણિક કથા અનુસાર, સમુદ્રમંથન દરમિયાન આસો વદ બારસના દિવસે જ ક્ષીર સાગરમાંથી ગૌમાતા પ્રગટ થયા હતા. આ દિવસે ગાય અને તેના વાછરડાને સ્નાન કરાવી, તિલક અને ફૂલહાર પહેરાવીને પૂજા કરવામાં આવે છે. તેમને અડદ, મગ કે ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં ગાયના દૂધ, દહીં, ઘી તેમજ ઘઉંમાંથી બનેલી વાનગીઓ ખાવાનું ટાળવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ગાયના દૂધ પર પહેલો અધિકાર તેના વાછરડાનો છે, જે કરુણાનો સંદેશ આપે છે. પરિણીત મહિલાઓ પોતાના બાળકોના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે વ્રત રાખે છે.

*વેપારીઓ માટે હિસાબની પૂર્ણાહુતિ*

વ્યાપાર જગતમાં ‘વાઘ’ કે વાક નો એક અર્થ નાણાકીય દેવું ચૂકવવું એવો પણ થાય છે. વેપારીઓ આ દિવસે પોતાના જૂના હિસાબ-કિતાબ અને દેવાની પતાવટ કરીને ચોપડા પૂર્ણ કરે છે. ત્યારબાદ લાભ પાંચમ સુધી નવા વ્યાપારિક સોદા કરવાનું ટાળે છે. આ દિવસથી જ ઘરોમાં ઊંબરા પૂજવાની અને આંગણામાં રંગોળી પૂરવાની સત્તાવાર શરૂઆત થાય છે. સાંજના સમયે ઘરના ઉંબરા પર અને તુલસી ક્યારા પાસે દીવા પ્રગટાવવામાં આવે છે. પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસીઓ આ દિવસે પશુધનની રક્ષા માટે ‘વાઘદેવ’ની પૂજા પણ કરે છે. “ભવિષ્ય પુરાણ” અને અન્ય હિન્દુ ધર્મગ્રંથોમાં વર્ણવેલી આ તિથિ મનુષ્યને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા રાખવાનો અને જ્ઞાન તરફ વળવાનો બોધ આપે છે.

*ધનતેરસ અને દીપાવલીનું તાંત્રિક મહાત્મ્ય*

ભારતીય તંત્ર શાસ્ત્રમાં ધનતેરસ અને દિવાળીનું વિશેષ છે. આ રાતોને *’સિદ્ધ રાત્રિઓ’* માં ગણવામાં આવે છે, તે સમયે કરેલી સાધના અને મંત્ર જાપનું ફળ અનેક ગણું વધારે મળે છે.

*ધનતેરસનું તાંત્રિક મહત્વ*

તાંત્રિક પરંપરા મુજબ, ધનતેરસ (ત્રયોદશી) તંત્ર સાધના અને ધનની ઊર્જાને જાગૃત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

*”રુદ્રયામલ તંત્ર” નામના મહાગ્રંથ* મુજબ આ દિવસે ભગવાન કુબેર અને માઁ લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ અને ધન-ધાન્યની ઊર્જા સક્રિય થાય છે.
ધન અને વૈભવની પ્રાપ્તિ માટે
*”ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા”* આ ખાસ કુબેર મંત્રના જાપ કરવામાં આવે છે.

*યમ દીપ દાન*
અકાળ મૃત્યુના ભયથી મુક્તિ અને રક્ષા માટે આ દિવસે યમરાજના નિમિત્તે દીપદાન કરવામાં આવે છે.

*કાળી ચૌદસ કે નરક ચતુર્દશી,,,આસો વદ ચૌદસ*

આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અત્યાચારી અસુર નરકાસુરનો વધ કરી ૧૬,૧૦૦ કન્યાઓને મુક્ત કરાવી હતી. આ દિવસે હનુમાનજી, કાળી માતા અને ભૈરવ દાદાની પૂજા થાય છે, જે નકારાત્મક ઉર્જા, કષ્ટ અને રોગનો નાશ કરે છે. આ રાત્રે કકળાટ કાઢવામાં આવે છે અને કેટલાક લોકો સ્મશાનમાં તંત્રોકત પૂજા પણ કરે છે.
*સર્વસિધ્ધિ મહારાત્રિ દિવાળનું તાંત્રિક મહત્વ*

કારતક માસની અમાસની દિવાળીની રાતને વર્ષની સૌથી મોટી ‘મહાસિદ્ધ રાત્રિ’ માનવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે સામાન્ય દિવસો કરતાં મંત્ર જાપ અને સાધનાનું ફળ તરત અને ખૂબ જ તીવ્ર ગતિથી મળે છે.
આ રાત અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક હોવાની સાથે તાંત્રિકો, અઘોરીઓ અને સાધકો દ્વારા વિશેષ સિદ્ધિ, ધ્યાન, મૌન અને યંત્ર-પૂજન માટે પસંદ કરવામાં આવે છે.

*નિશા નિશીથ કાળ*

રાત્રે 12 વાગ્યા પછીનો સમય તાંત્રિક ક્રિયાઓ, વિશેષ મંત્ર જાપ અને અનુષ્ઠાનો માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ રાત્રે મહાલક્ષ્મી, ભગવાન ગણેશ, માઁ કાલી, માઁ સરસ્વતીની સાથે માઁ માતંગી અને માઁ કમલાની વિશેષ આરાધના કરવામાં આવે છે.

*યંત્ર અને કોડી પૂજન*

આર્થિક સ્થિરતા અને રક્ષા માટે આ રાત્રે સ્ફટિકની માળા પર વિશેષ લક્ષ્મી મંત્રોનો જાપ અને 11 પીળી કોડીઓની સ્થાપના જેવા પ્રયોગો કરવામાં આવે છે.

*નૂતન વર્ષ કે બેસતું વર્ષ…કારતક સુદ એકમ*

વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો અહંકાર ઓગાળવા માટે ગોવર્ધન પૂજા કરી હતી. મંદિરોમાં ભગવાનને વિવિધ વાનગીઓનો ‘અન્નકૂટ’ ધરાવવામાં આવે છે. નવા સંકલ્પો અને નવી આર્થિક યોજનાઓ શરૂ કરવાનો દિવસ છે. વેપારીઓ આ દિવસે પોતાના સગા-સંબંધીઓ અને ગ્રાહકો સાથે સંબંધો મજબૂત કરે છે, જે લાંબા ગાળે વ્યાપારી હિત માટે જરૂરી છે.

*ભાઈબીજ.. કારતક સુદ બીજ*

મૃત્યુના દેવ યમરાજ આ દિવસે તેમના બહેન યમુનાજીના ઘરે ભોજન કરવા ગયા હતા. યમુનાજીએ યમરાજ પાસે વરદાન માંગ્યું કે જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે. કૌટુંબિક સંબંધોને સુદ્રઢ બનાવવાનો આ દિવસ છે. ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ધન, વસ્ત્રો કે ભેટ આપીને તેના આર્થિક સુખની કામના કરે છે. સ્ત્રી શક્તિના સન્માનથી ઘરમાં લક્ષ્મીનો વાસ વધે છે.

*લાભ પાંચમ..કારતક સુદ પાંચમ*

દિવાળીના તહેવારો પછી આવતી આ પંચમીને ‘જ્ઞાન પંચમી’ કે ‘લાભ પાંચમ’ કહે છે. આ દિવસે ભગવાન ગણેશ અને સરસ્વતી માતાની પૂજા થાય છે. વેપારીઓ ચોપડામાં ‘શ્રી’ અને ‘લાભ-શુભ’ લખીને પોતાના વ્યવસાયના શ્રીગણેશ કરે છે. દિવાળીના વેકેશન પછી વેપાર-ધંધા અને દુકાનો પુનઃ શરૂ કરવા માટેનો આ સૌથી શુભ મુહૂર્તનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરેલા કાર્યોમાં ક્યારેય નુકસાન થતું નથી અને સતત આર્થિક લાભ થાય છે.

*દેવ દિવાળી.. કારતક સુદ પૂનમ*

આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો, જેની ખુશીમાં દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવ્યા હતા, તેથી તેને ‘દેવ દિવાળી’ કહે છે. આ ઉપરાંત, આ જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને તુલસી વિવાહનો ઉત્સવ પણ આ દિવસે સંપન્ન થાય છે. ચાતુર્માસનો અંત આવતા દેવો જાગૃત થાય છે. આ તહેવારોની મોસમનો પૂર્ણાહુતિનો દિવસ છે. આ દિવસે ગંગા કે પવિત્ર નદીઓ કિનારે દીપદાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આર્થિક દ્રષ્ટિએ, આ દિવસ લક્ષ્મીજીની કૃપાથી સ્થિર સમૃદ્ધિ મેળવવાનો અને દાન-પુણ્ય દ્વારા ધનનો સદુપયોગ કરવાનો બોધ આપે છે.

*પર્શિયન પ્રવાસી અબ્દુલ રઝાક અને દિવાળી નિમિતે ભારતમાં ફટાકડા ફોડવાનો સહુથી જૂનો લેખિત ઉલ્લેખ*

પર્શિયન પ્રવાસી અને રાજદૂત અબ્દુલ રઝાકે ઈ.સ. 1443માં દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય બીજાના શાસનકાળ દરમિયાન આ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના પ્રવાસવર્ણનમાં વિજયનગરના ભવ્ય ‘મહાનવમી’ (નવરાત્રી) ઉત્સવ દરમિયાન થતી આતશબાજી અને ફટાકડાનું અત્યંત આકર્ષક વર્ણન કર્યું છે.
ભારતીય ઇતિહાસમાં ફટાકડાના ઉપયોગના સૌથી જૂના અને વિશ્વસનીય લેખિત પુરાવાઓમાંથી આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. વિજયનગરના ફટાકડાનું વર્ણન કરતાં અબ્દુલ રઝાક લખે છે, “વિજયનગરના રાજા પોતાની શક્તિ, વૈભવ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે દર વર્ષે ભવ્ય મહાનવમી ઉત્સવનું આયોજન કરતા હતા. આ મનોરંજનના ભાગરૂપે રાત્રે ભવ્ય આતશબાજી (ફટાકડા) કરવામાં આવતી હતી.”
તેમના લખાણ અનુસાર, ઉત્સવમાં થતી રમતગમત, નૃત્ય અને ફટાકડાની ભવ્યતા એટલી અદ્ભુત અને વિશાળ હતી કે તેને ટૂંકમાં અથવા શબ્દોમાં વર્ણવવી ખૂબ જ મુશ્કેલ હતી. જે કલાકારો અને કારીગરો આ અદ્ભુત ફટાકડા અને આતશબાજીનું પ્રદર્શન કરીને રાજા તેમજ પ્રજાનું મનોરંજન કરતા, તેમને વિજયનગરના સમ્રાટ તરફથી સોનાના સિક્કા અને કિંમતી વસ્ત્રો ભેટ તરીકે આપવામાં આવતા હતા.
તેમના આ પ્રવાસવર્ણન પરથી સાબિત થાય છે કે મુઘલોના ભારતમાં આવ્યા (૧૬મી સદી) પહેલાં જ, ૧૫મી સદીમાં વિજયનગર સામ્રાજ્યમાં તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાની અને ભવ્ય આતશબાજી કરવાની કળા ખૂબ જ વિકસિત હતી.
જોકે ભારતમાં ફટાકડા દિવાળી સાથે મૂળભૂત રીતે સંકળાયેલા નથી. ફટાકડા મૂળે ચીનની ખોજ છે. ફટાકડા ચીનથી ભારત કેવી રીતે આવ્યા તેની વિસ્તૃત નોંધ માર્કો પોલો એ પોતાના પુસ્તકમાં કરી છે.
ચીનમાં ફટાકડાની શોધનો ઇતિહાસ

*ફટાકડા અને ચીન*

ફટાકડા (Fireworks) ની શોધ પ્રાચીન ચીનમાં થઈ હતી અને તેનો ઇતિહાસ આશરે ૨૦૦૦ વર્ષ જૂનો છે. ફટાકડાની શોધ અકસ્માતે થઈ હતી, જે પાછળથી સમગ્ર વિશ્વમાં તહેવારો અને ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની ગઈ.
ચીનમાં ફટાકડાના વિકાસનો ક્રમિક ઇતિહાસ તપાસીએ તો,

_*કુદરતી ફટાકડા, વાંસનો ધમાકો, 2800 વર્ષ પહેલાની વાત*

બહુ પહેલા ફટાકડા કુદરતી હતા. *ચીનના લિયુયાંગ* વિસ્તારમાં લોકો જ્યારે લીલા વાંસના ટુકડાઓને અગ્નિમાં નાખતા, ત્યારે વાંસની અંદર રહેલી હવાની પોલાણ ગરમ થવાના કારણે તે મોટા અવાજ સાથે ફાટતા હતા. ચીની લોકોનું માનવું હતું કે આ મોટા અવાજથી *’નિયાન’ નામના રાક્ષસ અને દુષ્ટ આત્માઓ* ભાગી જાય છે. આથી તેઓ નવા વર્ષ અને તહેવારો પર વાંસ બાળતા હતા.

*ઇસ્વીસન 600 દરમિયાન ગનપાઉડર એટલે કે દારૂગોળોની આકસ્મિક શોધ*

ચીનના *ટેંગ રાજવંશના* સમયગાળા દરમિયાન, ચીનના કિમિયાગરો અમર થવા માટેની જીવન સંજીવની જેવી એટલે કે અંગ્રેજીમાં જેને Elixir of Life કહેવામાં આવે છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પ્રયોગો દરમિયાન *એક વૈજ્ઞાનિક (લી ટિયેને* પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર તેમજ કોલસાનું મિશ્રણ કર્યું. આ મિશ્રણમાં આગ લાગતા જ એક જોરદાર ધમાકો થયો અને આ રીતે વિશ્વના પ્રથમ ‘ગનપાઉડર’ ની શોધ થઈ.
ગનપાઉડરની શોધ પછી, ચીની લોકોએ આ કાળા પાવડરને વાંસના પોલા ટુકડાઓમાં ભરીને સળગાવવાનું શરૂ કર્યું, જેથી સામાન્ય વાંસ કરતાં પણ ઘણો મોટો ધમાકો થતો હતો. સમય જતાં વાંસની જગ્યાએ કાગળની નળીઓ Paper Tubes નો ઉપયોગ શરૂ થયો અને તેમાં દિવેટ મૂકવામાં આવી.

_*સોંગ રાજવંશ અને વ્યવસાયિક વિકાસ (ઈ.સ. ૯૬૦ – ૧૨૭૯)*_

સોંગ રાજવંશ (Song Dynasty) દરમિયાન ફટાકડા બનાવવાની કળા ખૂબ જ લોકપ્રિય બની. *આ સમયગાળામાં ચીની કારીગરોએ ફટાકડાને એકસાથે જોડીને લૂમ (સાંકળ) બનાવી, જેને તેઓ ‘બિયાનપાઓ’ (Bianpao) કહેતા હતા.*
એક તબ્બકે ફટાકડા માત્ર દુષ્ટ આત્માઓને ભગાડવા પૂરતા સીમિત ન રહેતા, લગ્ન, જન્મ અને શાહી દરબારના મનોરંજન અને ઉજવણીનું સાધન બન્યા.

_*વિશ્વમાં ફટાકડાનો ફેલાવો*_

૧૩મી સદીમાં ઇટાલિયન પ્રવાસી માર્કો પોલો ચીનથી આ ગનપાઉડર અને ફટાકડા બનાવવાની તકનીક પોતાની સાથે યુરોપ લઈ ગયો. ત્યારબાદ યુરોપના દેશો (વિશેષ કરીને ઇટાલી અને જર્મની) એ આમાં વધુ સંશોધનો કરીને ફટાકડામાં વિવિધ રંગો (પ્રકાશ) ઉમેરવાની શરૂઆત કરી, જે આજે આપણે આધુનિક આતશબાજી સ્વરૂપે જોઈએ છીએ.
આગળ કહ્યું તેમ પર્શિયન પ્રવાસી અને રાજદૂત અબ્દુલ રઝાક ઈ.સ. ૧૪૪૩માં વિજયનગર સામ્રાજ્યની મુલાકાતે આવ્યો હતો. તે સમયે વિજયનગરમાં સંગમ વંશના મહાન શાસક દેવરાય દ્વિતીયનું શાસન હતું.
અબ્દુલ રઝાકે તેના પ્રવાસવર્ણનમાં વિજયનગર સામ્રાજ્યની ભવ્યતા, કિલ્લેબંધી અને તહેવારોનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. તેના લખાણોમાં વિજયનગરના ફટાકડા અને આતશબાજી વિશેની મહત્વની નોંધ કરતા લખ્યું છે કે, *”વિજયનગરના રાજા પોતાના વૈભવ, ભવ્યતા અને શક્તિનું પ્રદર્શન કરવા માટે દર વર્ષે એક ભવ્ય ઉત્સવ ઉજવતા હતા, જેને ‘મહાનવમી’ કહેવામાં આવતો. આ ઉત્સવ દરમિયાન યોજાતી વિવિધ રમતો, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે રાત્રે અદભુત અને ભવ્ય ફટાકડાની આતશબાજી કરવામાં આવતી હતી.*
ભારતમાં ફટાકડાના ઉપયોગના સૌથી પ્રારંભિક અને વિશ્વસનીય ઐતિહાસિક પુરાવાઓમાં અબ્દુલ રઝાકની આ નોંધનો સમાવેશ થાય છે. *તેના આ લખાણ પરથી સાબિત થાય છે કે મુઘલોના આગમન પહેલાં જ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય દરમિયાન તહેવારોમાં ફટાકડા ફોડવાની અને ભવ્ય આતશબાજી કરવાની પરંપરા ખૂબ જ લોકપ્રિય હતી.*
*તેણે પોતાના પુસ્તક ‘માતલા-ઉસ-સદૈન વ મજ્મા-ઉલ-બહરૈન’ (Matla-us-Sadain wa Majma-ul-Bahrain) માં વિજયનગરની આ જાહોજલાલી વિશે વિગતવાર લખ્યું છે.*

*શિવાકાશી અને ભારતમાં ફટાકડાનો વ્યવસાય શરૂ કરનાર અય્યા નાડા અને શિવા નાડા*

તમિલનાડુના શિવાકાશી શહેરને ભારતમાં ફટાકડા અને માચીસ ઉદ્યોગની રાજધાની બનાવવાનો શ્રેય બે પિતરાઈ ભાઈઓ પી. અય્યા નાડા અને એ. સન્મુગા નાડાને જાય છે. દૂરોગામી દ્રષ્ટિ ધરાવતા આ બે ઉદ્યોગસાહસિકોએ શિવાકાશી જેવા દુષ્કાળગ્રસ્ત અને ગરીબ ગામને ભારતના મિની જાપાન તરીકેની ઓળખા અપાવનાર એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબમાં બદલી નાખ્યું હતું.
તેમના સંઘર્ષ અને ફટાકડા વ્યવસાયની શરૂઆતની દિલધડક કહાની જોઈએ તો…

*કોલકાતા (કલકત્તા) પ્રવાસ અને ઉદ્યોગની શીખ 1922*

વર્ષ 1922 ની આસપાસ, શિવાકાશીમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને ખેતી ક્ષેત્રે કોઈ તક નહોતી. આજીવિકાની શોધમાં ૧૭ વર્ષના અય્યા નાડા અને તેમના મોટા પિતરાઈ ભાઈ સન્મુગા નાડા કોલકાતા (ત્યારનું કલકત્તા) ગયા.
ત્યાં તેમણે માચીસ (દીવાસળી) બનાવતી એક નાની ફેક્ટરીમાં સામાન્ય મજૂર અને પેકિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
કામ કરવાની સાથે-સાથે તેમણે ત્યાં કેમિકલ એન્જિનિયરની મદદથી માચીસ અને ફટાકડા બનાવવાની રાસાયણિક પ્રક્રિયા અને પદ્ધતિઓ ખૂબ જ બારીકાઈથી શીખી લીધી.

*શિવાકાશી પરત અને પ્રથમ શરૂઆત 1923*

આશરે 8 મહિના કોલકાતામાં વિતાવ્યા બાદ, બંને ભાઈઓ 1923માં પોતાના વતન શિવાકાશી પાછા ફર્યા.
તેમણે જર્મનીથી મશીનરી આયાત કરીને શિવાકાશીમાં ‘સાઉથ ઇન્ડિયા લ્યુસિફર મેચ ઇન્ડસ્ટ્રી’ (SILMI) ની સ્થાપના કરી.
શરૂઆતમાં મહાત્મા ગાંધીજીના કુટિર ઉદ્યોગના આંદોલનથી પ્રેરિત થઈને, તેમણે સ્થાનિક લોકોને વધુ રોજગારી મળી રહે તે માટે આ વ્યવસાયને મશીનોને બદલે હાથથી બનાવતી પદ્ધતિમાં ફેરવી નાખ્યો.

*ફટાકડા વ્યવસાયમાં પ્રવેશ_ 1926 – 1940*

વર્ષ 1926 માં બંને ભાઈઓ વ્યવસાયિક રીતે અલગ થયા. અય્યા નાડાએ ‘અનિલ’ (Anil – ખિસકોલી) બ્રાન્ડ અને સન્મુગા નાડાએ ‘કાકા’ (Kaka – કાગડો) બ્રાન્ડ (જે પાછળથી પ્રખ્યાત Standard Fireworks તરીકે ઓળખાઈ) શરૂ કરી.

*૧૯૩૦ના દાયકામાં તેમણે માચીસ ઉપરાંત રંગીન દિવાસળીઓ અને સ્પાર્કલર્સ (તારાબજી/કોઠી) બનાવવાનું શરૂ કર્યું, જે અત્યાર સુધી જર્મનીથી આયાત થતા હતા.*

*• વર્ષ 1940 માં ભારતીય વિસ્ફોટક કાયદામાં સુધારો થયો, જેનાથી ભારતમાં અધિકૃત રીતે સેફ્ટી ફેક્ટરીઓમાં ફટાકડા બનાવવાનું કાયદેસર બન્યું. આ તકનો લાભ લઈને બંને ભાઈઓએ દેશની પ્રથમ સત્તાવાર ફટાકડા ફેક્ટરીઓ જેમ કે National Fireworks અને Standard Firework ની સ્થાપના કરી.*

*શિવાકાશી કેમ સફળ થયું?*

અય્યા નાડા અને સન્મુગા નાડાની મહેનત ઉપરાંત શિવાકાશીના ભૌગોલિક વાતાવરણે પણ આ વ્યવસાયને મોટી મદદ કરી.

*હવામાન* શિવાકાશીનું વાતાવરણ આખું વર્ષ ગરમ અને સૂકું (ઓછો વરસાદ) રહે છે, જે ફટાકડા સુકવવા અને કેમિકલ પ્રોસેસ માટે આદર્શ છે.
ખેતી નિષ્ફળ જવાને કારણે સ્થાનિક સ્તરે સસ્તી અને મહેનતુ મજૂરી સરળતાથી ઉપલબ્ધ થઈ ગઈ.

*પૂરક ઉદ્યોગો*

ફટાકડાના પેકિંગ માટે જરૂરી એવા ઓફસેટ પ્રિન્ટિંગ ઉદ્યોગનો પણ આ ભાઈઓએ જ શિવાકાશીમાં પાયો નાખ્યો.
આજે શિવાકાશી ભારતભરના કુલ ફટાકડાના આશરે 90% જેટલું ઉત્પાદન કરે છે. આ બે ભાઈઓની દ્રષ્ટિને કારણે જ આજે દિવાળી અને ફટાકડા એકબીજાના પર્યાય બની ગયા છે.

*ભારતમાં દિવાળી પર ફટાકડાનું કુલ વેચાણ*

ભારતમાં દિવાળી દરમિયાન ફટાકડાનું કુલ વાર્ષિક વેચાણ ટર્નઓવર Rs. 15000 કરોડની આસપાસ અંદાજવામાં આવે છે. દેશમાં ફટાકડાના કુલ વાર્ષિક વેચાણનો લગભગ 70% થી 80% હિસ્સો માત્ર દિવાળીના તહેવાર દરમિયાન જ નોંધાય છે. શિવાકાશી ભારતમાં ફટાકડાનું મુખ્ય કેન્દ્ર છે, જે દેશના કુલ ઉત્પાદનનો ૯૦% હિસ્સો પૂરો પાડે છે.
પ્રદૂષણ નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બાદ બજારમાં CSIR-NEERI દ્વારા પ્રમાણિત ‘ગ્રીન ફટાકડા’ (Green Crackers) નું વેચાણ વધ્યું છે. તમિલનાડુમાં ભારે વરસાદ અને ઉત્પાદન પર પડેલી અસરોને કારણે ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 25% થી 50% સુધીનો મોટો વધારો જોવા મળ્યો છે. ભારતમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી હોમ ડિલિવરી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને પ્રતિબંધિત છે, તેથી હવે માત્ર લાયસન્સ ધરાવતા સ્થાનિક સ્ટોલ પરથી જ તેનું વેચાણ થઈ શકશે.

ભારતમાં ફટાકડાના વેપારીઓ, ઉત્પાદકો અને અન્ય સંલગ્ન કાર્યો સહિત ફટાકડા ઉદ્યોગ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નભતા લોકોની કુલ સંખ્યા આશરે આઠ લાખથી વધુ છે. ભારતના કુલ ફટાકડાના કુલ ઉત્પાદનનું આશરે 90% ઉત્પાદન એકલા આ શિવાકાશીમાં થાય છે. ફક્ત આ વિસ્તારમાં જ આશરે ત્રણ લાખ જેટલા લોકો ફટાકડા બનાવવાની ફેક્ટરીઓમાં સીધી રીતે કામ કરે છે. પાંચ લાખથી વધુ લોકો ફટાકડાના નાના-મોટા વેપારીઓ, હોલસેલર્સ, છૂટક વિક્રેતાઓ, પેકેજિંગ, કાગળના બોક્સ અને ટ્યુબ બનાવવાના એકમો, ટ્રાન્સપોર્ટ અને કાચા માલના સપ્લાયર્સ તરીકે આ ઉદ્યોગ પર નભે છે. દેશભરમાં અંદાજે પાંચ લાખથી વધુ પરિવારો પોતાની રોજીરોટી માટે સંપૂર્ણ કે આંશિક રીતે આ વ્યવસાય પર નિર્ભર છે. ચીન પછી વિશ્વમાં ભારત ફટાકડાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

*ચીનનો ફટાકડા ઉદ્યોગ*

ચીનમાં ફટાકડા ઉદ્યોગ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નભતા લોકોની કુલ સંખ્યા ભારત કરતા લગભગ ચાર ગણી એટલે કે 32 લાખ જેટલી છે. ફટાકડાના મુખ્ય હબ ગણાતા માત્ર હુનાઈ પ્રાંતમાં જ અંદાજે 700,000 શ્રમિકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ચીન પક્ષે ફટાકડાનું વાર્ષિક રિટેલ વેચાણ અને કુલ ટર્નઓવર 100 અબજ યુઆન, આશરે $14.5 અબજ યુએસ ડોલર સુધી પહોંચે છે. જો માત્ર મુખ્ય કેન્દ્ર લિયુયાંગ શહેરની વાત કરીએ, તો તેનું વાર્ષિક ઉત્પાદન મૂલ્ય જ 50 અબજ યુઆન એટલે કે $.7 અબજ યુએસ ડોલરથી વધુ નોંધાયું છે. ચીન વિશ્વમાં ફટાકડાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર દેશ છે, જે વૈશ્વિક સ્તરે અંદાજે 90% ઉત્પાદન હિસ્સો ધરાવે છે.

*રંગાવલી – રંગોળી*

દુનિયામાં રંગોળીની શરૂઆત ભારતીય ઉપખંડમાંથી થઈ હતી અને તેનો ઈતિહાસ આશરે 8000 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને પૌરાણિક કથાઓ અનુસાર તેના મૂળ સિંધુ ખીણની હડપ્પા અને મોહેંજો-દરો સંસ્કૃતિમાં છે. પુરાતત્વીય પુરાવાઓ દર્શાવે છે કે આશરે 8000 વર્ષ જૂની હડપ્પા અને મોહેંજો-દરો સંસ્કૃતિના અવશેષોમાંથી પણ રંગોળી અને અલ્પના જેવા ચિહ્નો મળી આવ્યા છે. આથી કહી શકાય કે આ કળા આર્ય યુગ કરતાં પણ પ્રાચીન છે. રંગોળી શબ્દ સંસ્કૃત શબ્દ ‘રંગાવલી’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘રંગોની રેખા કે હારમાળા’ થાય છે. વેદો અને પુરાણોમાં યજ્ઞકુંડને સજાવવા અને ધાર્મિક વિધિઓ માટે ચોક પૂરવા કે રંગોળી બનાવવાનો ઉલ્લેખ છે. કામસૂત્ર ગ્રંથ (૩જી સદી) માં પણ ૬૪ કળાઓમાં રંગોળીનો સમાવેશ કરાયો છે. આજે આ પ્રાચીન ભારતીય કળા વિશ્વભરમાં ફેલાઈ ચૂકી છે અને ભારતના અલગ-અલગ રાજ્યોમાં તે અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારતમાં દિવાળી પર થતી રંગોળીનો કુલ કારોબાર આશરે Rs.600 કરોડની આસપાસ છે.

* *દિપાવલી વસ્ત્રો*

જોકે આજે તો લોકો બારે માસ વસ્ત્રોની ખરીદી કરે છે પણ અગાઉ મોટા ભાગે લોકો કેવળ દિવાળી કે લગ્ન પ્રસંગ નિમિતે જ વસ્ત્રો શિવડાવતા હતા. આજે તો દરજી પાસે કપડાં સીવડાવવાને બદલે સ્ત્રી પુરુષોમાં રેડીમેડ કપડાનો જબરો ટ્રેન્ડ છે. બાળકો અને વયસ્કોના થઈ દિવાળી નિમિત્તે ખરીદવામાં આવતા રેડીમેડ કપડાનું કુલ બજાર આશરે 45000 કરોડ જેટલું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના અહેવાલો મુજબ, નવરાત્રીથી દિવાળી સુધીની સમગ્ર ભારતીય તહેવારોની ખરીદીનું કુલ ટ્રેડિંગ કદ Rs.6 લાખ કરોડને પાર પહોંચી જાય છે, જેમાં રેડીમેડ ગારમેન્ટ્સ (વસ્ત્રો)નો હિસ્સો લગભગ 7% જેટલો હોય છે.
સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં રેડીમેડ વસ્ત્રોનું વાર્ષિક બજાર કદ આશરે 112 અબજ ડોલર (લગભગ ₹૯.૪ લાખ કરોડ) છે, જેમાંથી ૨૫% થી ૩૦% જેટલો બિઝનેસ માત્ર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચેના તહેવારોના ગાળામાં જ થાય છે.

*રંગરોગાન પેઇન્ટ્સ*

દિવાળી આસપાસ થતા સામાન્ય રંગરોગાન અને HiFi પેઇન્ટ્સ પાછળ ભારતીયો દર વર્ષે આશરે Rs.65000 કરોડ વાપરે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને ગરીબ લોકો દ્વારા અસંગઠિત ક્ષેત્રના સ્થાનિક રંગ ઉત્પાદકો પાસેથી દિવાળી નિમિત્તે Rs. 10000 કરોડના રંગો ચૂના ગેરુઆ વિગેરે ખરીદવામાં આવે છે.

*ફૂટવેર*

દિવાળી નિમિતે સ્ત્રી પુરુષો બાળકો અને વૃધ્ધો માટે ખરીદવામાં આવતા પગરખાનું કુલ વેચાણ ભારતમાં 11000 કરોડ રૂપિયાને આંબી જાય છે. તેમાં ઓનલાઈન વેચાણનો આંકડો અલગ છે. આ ઉપરાંત બિલકુલ સામાન્ય અસંગઠિત ક્ષેત્ર અને નાના ગ્રામીણ વેપારીઓ પાસેથી થતી ખરીદીનો આંકડો પણ ખાસ્સો મોટો હોય શકે છે.

*દિવાળી નિમિત્તે ઇલેક્ટ્રીક ડેકોરેશન અને ગૃહસજાવટ*

દિવાળી નિમિત્તે ભારતમાં સામાન્ય ઇલેક્ટ્રીક ડેકોરેશન ગૃહ સજાવટ નાના-મોટા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેનો કુલ બજાર રૂપિયા 70,500 કરોડનું છે. આ ઉપરાંત દિવાળી નિમિત્તે થતી મોબાઈલ ટીવી વગેરે ની ખરીદી પાછળ ભારતીય લગભગ 70 થી 80,000 કરોડ રૂપિયા નાખે છે.

*મુખવાસ*

ભારતના માઉથ ફ્રેશનર માર્કેટ અને દિવાળીના કુલ વેપારના અંદાજોના આધારે ગણતરી કરીએ તો, દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર ભારતમાં અંદાજે Rs. 3500 કરોડ રૂપિયાના મુખવાસનું વેચાણ થતું હોવાનો અંદાજ લગાવી શકાય છે.
ભારતમાં પરંપરાગત હર્બલ મુખવાસ અને ચૂરણનું વાર્ષિક માર્કેટ અંદાજે ₹10,000 કરોડથી ₹12,000 કરોડ સુધીનું છે. જો બ્રાન્ડેડ પાન મસાલા અને માઉથ ફ્રેશનર ગણીએ તો આ આંકડો ₹૪૫,૦૦૦ કરોડને પાર કરી જાય છે.

*મીઠાઈઓ*

ભારતમાં પરંપરાગત મીઠાઈઓનું કુલ બજાર આશરે ₹60,000 કરોડથી ₹80,000 કરોડ ની વચ્ચે અંદાજવામાં આવ્યું છે, જેમાંથી લગભગ 90% બજાર સ્થાનિક, અનઓર્ગેનાઈઝ્ડ અને નોન-બ્રાન્ડેડ હલવાઈઓ (સ્થાનિક દુકાનો) હસ્તક છે. માત્ર દિવાળીના તહેવારની વાત કરીએ તો, આ આખા વર્ષના વેચાણનો આશરે 20% થી ૨૫% હિસ્સો ધરાવે છે, જેનો અર્થ એ છે કે દિવાળી દરમિયાન સ્થાનિક નોન-બ્રાન્ડેડ મીઠાઈઓનું બજાર આશરે ₹12,000 કરોડથી ₹18,000 કરોડ નું વિશાળ કદ ધરાવે છે.

*માટીના દીવા તોરણો*

આજકાલ દિવાળી નિમિત્તે ઘર આંગણે કરાતા પરંપરાગત દીવામાં ઈલેક્ટ્રિક લેમ્પ અને ફેશનેબલ આર્ટીકલ નો ક્રેઝ શરૂ થયો છે પરંતુ દિવાળીના મૂળભૂત દીવા તરીકે માટીના કોડિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે દિવાળી પર પ્રગટાવવામાં આવતા માટીના કોડિયાનો કુલ બજાર ભારતમાં આશરે 20 અબજ રૂપિયાથી ઉપર આંકવામાં આવે છે. તે ઉપરાંત દિવાળી પર પગ લુછણીયા વગેરે જેવી પરચુરણ વસ્તુઓ પાછળ પણ ભારતીય અબજો રૂપિયા ખર્ચી નાખે છે. આમ હવે દિવાળી એ કેવળ દીપમાળા નથી બલકે એક ઝળહળ રોશની ફેલાવતા પાવર હાઉસ જેવી એન્ટિટી બની ગઈ છે.

You Might Also Like

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ

ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ

આશીર્વાદ મેળવવાનો અવસર આવ્યો… દિવાળી – નૂતન વર્ષ

દિવાળી-નવું વર્ષ : ગુજરાતીઓનો સ્વાદોત્સવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ
Next Article સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorDr. Sharad Thakar

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ
ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ
તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
આશીર્વાદ મેળવવાનો અવસર આવ્યો… દિવાળી – નૂતન વર્ષ
દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorDr. Sharad Thakar

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?