રોબિનહુડ આર્મી : ઝીરો ફંડ, હજારો ખુશીઓ અને માનવતાની મીઠાશ
દિવાળીની મીઠાશ માત્ર પોતાના ઘરે જ નહીં ફેરિયાઓ, વોચમેન અને શ્રમજીવી પરિવારો સુધી પહોંચાડી
- Advertisement -
દિવાળી એટલે પ્રકાશ, આનંદ, ઉમંગ અને મીઠાઈઓનો તહેવાર. આ પર્વ દરેક વ્યક્તિના જીવનમાં ખુશીઓ લઈને આવે છે, પરંતુ સમાજમાં આજે પણ અનેક એવા પરિવારો છે જેઓ આર્થિક સંકડામણના કારણે તહેવારોની ખુશીઓથી વંચિત રહી જાય છે. આવા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પણ દિવાળીની મીઠાશ અને ખુશીઓ પહોંચે તેવા ઉમદા હેતુ સાથે ઝીરો ફંડથી કાર્યરત રોબિનહુડ આર્મી સંસ્થા દ્વારા અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી હતી. રોબિનહુડ આર્મી દ્વારા દર વર્ષે દિવાળીના આગલા રવિવારે મિઠાઈ વિતરણની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરાને આગળ ધપાવી રસકોસ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના રોબિન્સ એટલે કે સ્વયંસેવકો તેમજ વિવિધ દાતાઓએ એકજૂથ થઈ મિઠાઈના બોક્સ તૈયાર કરવાની કામગીરીમાં ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. આ મેગા ડ્રાઈવ અંતર્ગત 300 ગ્રામના 1700થી વધુ મિઠાઈના બોક્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ફેરિયાઓ, વોચમેન, રસ્તા પર બેસીને નાની-મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા શ્રમજીવીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને મિઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ માત્ર મિઠાઈના બોક્સ વિતરણ પૂરતી સીમિત ન રહેતાં સમાજના દરેક વર્ગને તહેવારની ખુશીઓમાં સહભાગી બનાવવાનો સંદેશ પણ આપી ગઈ હતી. દિવાળીની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી મર્યાદિત ન રાખીને જેમના જીવનમાં ખુશીઓની મીઠાશ ઓછી છે તેમના સુધી પણ પહોંચાડવાનો રોબિનહુડ આર્મીનો આ પ્રયાસ ખરેખર સરાહનીય બન્યો હતો. માનવતા, સેવાભાવ અને સહકારના માધ્યમથી ‘હર ઘર દિવાળી’નો સંદેશ સાકાર કરતી આ પહેલે તહેવારની સાચી ભાવનાને ઉજાગર કરી હતી.
કોઈપણ પ્રકારના ફંડ વિના માત્ર સેવાભાવના સાથે કાર્ય કરતી સંસ્થા રોબિનહુડ આર્મી
ભારતનાં 400 શહેરમાં કાર્યરત રોબિનહુડ આર્મીનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પ્રસંગો અને કાર્યક્રમોમાં વધતા ભોજનનો બગાડ અટકાવી તેને ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે. સંસ્થાના સભ્યો કોઈપણ પ્રસંગમાં વધેલા ભોજનને એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની કામગીરી કરે છે. કોઈપણ પ્રકારના ફંડ વિના માત્ર સેવાભાવના, સ્વૈચ્છિક સહયોગ અને માનવતાના આધાર પર કાર્યરત આ સંસ્થા સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે.



