T20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાના ત્રીજો ટોપ સ્કોરર, મેલબર્ન સ્ટાર્સ માટે રમતો રહેશે
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષીય મેક્સવેલે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે લિસ્ટ-A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. મેક્સવેલે જૂન 2025માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે મેલબર્ન સ્ટાર્સ માટે બિગ બેશ લીગમાં રમતો રહેશે. મેલબર્ન સ્ટાર્સ સાથે તેનો કરાર 2027-28 સીઝનના અંત સુધીનો છે. મેક્સવેલે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરીમાં ઓમાન સામે રમી હતી. આ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ હતી.
- Advertisement -
મેક્સવેલે 2012માં પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે 130 T20 ઇન્ટરનેશનલ મેચમાં 2,897 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ત્રીજો ટોપ સ્કોરર છે. તેના નામે 5 સદી નોંધાયેલી છે. ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે પણ T20 ઇન્ટરનેશનલમાં આટલી જ સદી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 7 ટેસ્ટ મેચ પણ રમી છે. તેમાં તેણે 339 રન બનાવ્યા છે. તેની એકમાત્ર ટેસ્ટ સદી 2017માં ભારત સામે રાંચીમાં આવી હતી.
મેક્સવેલે કહ્યું કે તેના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. ‘ધ ફાઇનલ વર્ડ’ પોડકાસ્ટમાં તેણે જણાવ્યું કે T20 વર્લ્ડ કપ પહેલાં અને પછી આ મુદ્દે ચર્ચા થઈ હતી. તેણે કહ્યું, ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ દબાણ નહોતું. અમે કમબેકનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો. કેટલીક સિરીઝમાં ટીમ નવા ખેલાડીઓને તક આપવા માંગતી હતી. બાંગ્લાદેશમાં એવું થયું અને ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. ઇંગ્લેન્ડ સામેના વ્હાઇટ-બૉલ પ્રવાસ દરમિયાન મેલબર્નમાં એક T20 મેચ રમાશે. મેક્સવેલને આશા હતી કે તેને તેમના ઘરઆંગણાના મેદાન MCG પર ફેરવેલ મેચ રમવાની તક મળશે. તેણે કહ્યું, મારી નાનકડી આશા હતી કે MCGમાં ફેરવેલ મેચ મળી શકે, પરંતુ હું ટીમની આગળની યોજના સમજું છું. આગામી 12થી 24 મહિનામાં ટીમમાં ઘણો બદલાવ આવશે. 2028 ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવી જરૂરી છે. મેક્સવેલે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી T20 ફોર્મેટ તેના માટે ઘર જેવું રહ્યું છે. તેથી તે આ ફોર્મેટમાં યાદગાર ફેરવેલની આશા રાખી રહ્યો હતો.



