દિવાળીના પાંચેય દિવસોમાં આપણે સૌ અંધકારને ઉલેચી શેરી એ શેરી અને ગલી એ ગલી એ ઝળહળતા દીવડાઓ પ્રગટાવી આપણે ઘરોમાં જ નહીં પણ દિલમાં પણ આનંદ અને ઉર્જા ભરવાનો સુંદર પ્રયાસ કરીએ છીએ.દિવાળી કે દીપાવલી તે એક તેવો તહેવાર છે કે, જે પ્રત્યેક ઘરમાં ખુશીઓ , નવીનતા અને પરિવારને એકસાથે લઈને આવે છે.પરંતુ મુદ્દો અહીં તે છે કે, દિવાળીની નવલી રાતોમાં 5 દિવસ દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાંઓને લઈને કેટલાક પર્યાવરણવાદીઓ અને સુધારાવાદીઓ દિવાળી પહેલા થી જ કકળાટ કરી મુકે છે કે, ફટાકડા ન ફોડો ..પ્રદૂષણનું સ્તર વધી જશે..ફેફ્સાઓને નુકસાન થશે.તો થોભો ભાઈ નુકસાન કદાચ થતું હશે પણ આવું નુકસાન તો આપણે કોઈક ને કોઈક રીતે રોજે રોજ વેઠીએ છીએ ..ત્યારે તમને દિવાળીમાં ફટાકડા જ ખાલી નુકસાન કરે છે અને હોળીમાં જ ખાલી પાણી વેડફાય છે તેની જ કેમ ચિંતા છે.આ રોજે રોજ ઝેરી થતી જતી હવાથી દમ ઘૂટી ઘૂંટીને મરતા લોકો ની કોઈ ચિંતા છે ? કેમ ક્ષણિક ચિંતા સામે લોકોની ખુશીઓ અને આખા વર્ષ ના ઉત્સવોના રાજા દિવાળીને બગાડવા બેસો છે..
દિવાળી એટલે ફટાકડા, રંગોળી, મીઠાઈ અને નવા કપડાં અને ન જાણે શું શું કે બહુ બધું ખરું ને ? લોકો આખું વર્ષ ખુશીઓ લઈને આવતી દિવાળીની રાહ જોતા હોય છે.વિશેષમાં ખાસ તો અહીં આપણે દિવાળી મુદ્દે ફટાકડા અને પ્રદુષણની થોડી અહીં વાત કરીશું,અસલમાં દિવાળીમાં ફટાકડાં ફોડવાની પરંપરા પાછળ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પ્રકાશ, ઉત્સવ, આનંદ, સામૂહિક ઉજવણી અને કેટલીક સાંસ્કૃતિક માન્યતાઓ પણ જોડાયેલી છે. પરંપરાગત રીતે પ્રકાશ અને મોટા અવાજને અશુભતા દૂર કરવાના પ્રતીક તરીકે પણ જોવામાં આવતાં હતાં. ચોમાસા પછી મચ્છરો અને જીવજંતુઓની સંખ્યા વધતી હોવાથી ફટાકડાં ફોડવાની પરંપરા શરૂ થઈ હોવાની વાત પણ ક્યારેક કરવામાં આવે છે, જોકે દાવા કેટલા સાચા છે તે કહી શકાય નહીં.પરંતુ સદીઓથી ચાલી આવતી દરેક પરંપરા પાછળ એક ગણિત ચોક્કસ હોય છે.
- Advertisement -
પરંતુ હવે સવાલ એ છે કે દિવાળી આવે એટલે અચાનક આખા દેશની પર્યાવરણ પ્રત્યેની સંવેદના જાગી ઊઠે છે. ફટાકડાંનો ધુમાડો, હવાનું પ્રદૂષણ, શ્વાસની તકલીફ અને સ્વાસ્થ્યને થતા નુકસાનની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ફટાકડાંના ધુમાડાથી હવાની ગુણવત્તા બગડે છે માન્યું ચલો પરંતુ પ્રદુષણ સામેની આ જાગૃતિ માત્ર દિવાળીના ચાર દિવસ પૂરતી જ કેમ સીમિત થઈ જાય છે?વિશેષમાં ભારતમાં ફટાકડાંનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ઇતિહાસકાર પી. કે. ગોડેના સંશોધન મુજબ ભારતમાં ફટાકડાંનો ઉપયોગ આશરે 15મી સદીથી જોવા મળે છે. 1443માં વિજયનગર સામ્રાજ્યના મહાનવમી ઉત્સવમાં ફટાકડાંના પ્રદર્શનનો ઉલ્લેખ મળે છે. 16મી સદીમાં ગુજરાતનાં લગ્નપ્રસંગોમાં પણ ફટાકડાં અને રોકેટ છોડવામાં આવતાં હતાં. ત્યારબાદ રાજવી ઉજવણીઓ અને 18મી સદીના દિવાળીના ભવ્ય ઉત્સવોમાં ફટાકડાંનો ઉપયોગ વધતો ગયો. એટલે ફટાકડાંની પરંપરા સમય જતાં દિવાળીની ઉજવણીનો એક ભાગ બની છે.જો કે, કેટલાક લોકો ની સમસ્યા ત્યાં છે કે, તેઓ રોજે રોજ લોકોને મારતાં પ્રદુષણ પર જાગૃતિ ફેલાવવાને બદલે ઉત્સવો પર જ લોકોને સલાહ આપવા નીકળી પડે છે કે તેમના ચિંતા થાય છે.તેમજ તે વાત ભૂલી જઈએ છીએ કે, દિવાળી ચાર દિવસની, પણ પ્રદૂષણ તો બારેમાસનું હોય છે ત્યારે આ મુદ્દે પણ થોડી ચર્ચા કરીયે તો,
એકવાર આખા વર્ષના પ્રદૂષણનો હિસાબ પણ અહીં સમજીએ , શહેરોમાં આખું વર્ષ રસ્તાઓ પર ઉડતી ધૂળ, બાંધકામ સ્થળોએથી ફેલાતા રજકણો, અધૂરા રસ્તાઓ, વાહનોનો ધુમાડો અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ઉત્સર્જન પણ હવાની ગુણવત્તાને સતત અસર કરે છે.PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ ધૂળના રજકણો શ્વસનતંત્ર માટે જોખમી છે. બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણના નિયમોનું કેટલું પાલન થાય છે? રસ્તાઓની નિયમિત સફાઈ અને ધૂળ ઘટાડવા માટે પાણીના છંટકાવની વ્યવસ્થા કેટલી અસરકારક છે? ખુલ્લી માટી અને બાંધકામની સામગ્રીમાંથી ઊડતી ધૂળ રોકવાની જવાબદારી કોની છે?
ત્યારે સવાલ તે છે કે, જે લોકોને ફટાકડાંનો ધુમાડો દેખાય છે, પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણનું દેખાય છે ખરું ?કેટલીક કંપનીઓમાંથી નીકળતા ઝેરી વાયુઓ, કેમિકલયુક્ત પ્રવાહી અને નદીઓમાં છોડાતા પ્રદૂષિત પાણી સામે પણ એટલી જ ગંભીરતા જરૂરી છે. ઔદ્યોગિક એકમોમાં ઉત્સર્જન નિયંત્રણનાં સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં, એફ્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન ખરેખર કામ કરે છે કે નહીં અને નિયમોનો ભંગ કરનાર કંપનીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે?
માન્યું કે,ઉદ્યોગો દેશના અર્થતંત્ર અને રોજગારી માટે જરૂરી છે, પરંતુ વિકાસના નામે નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે બાંધછોડ કરવાનો અધિકાર કોઈને નથી.આના માટે નિષ્ણાતોની ટીમ સાથે ચર્ચા કરી પ્રદૂષણ કે જેમાં ઝેર ઓકતા ધુંવાડા, ઝેરી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવું જેવી બાબતો માટે રસ્તા કાઢવા જોઈએ.બાકી આવા ફાલતુ કકળાટને કોઈ સ્થાન નથી .ત્યારે અહીં આખરે મુદ્દો તે છે કે શું પ્રદૂષણની જવાબદારી માત્ર સામાન્ય નાગરિકોની જ છે?હા, પર્યાવરણ બચાવવું સામૂહિક જવાબદારી છે. નાગરિકોએ પણ ફટાકડાંનો અતિરેક ટાળવો જોઈએ, શક્ય હોય ત્યાં ઓછું પ્રદૂષણ કરતા વિકલ્પો અપનાવવા જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. પરંતુ સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બાંધકામ ક્ષેત્ર અને ઔદ્યોગિક એકમોની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે.વળી દિવાળીનો તહેવાર માત્ર ફટાકડાંનો નથી. તે પ્રકાશ, પરંપરા, સંસ્કૃતિ, આસ્થા, પરિવાર અને સામૂહિક આનંદનો પર્વ છે. કોઈના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે રીતે ઉજવણી થવી જોઈએ, પરંતુ પ્રદૂષણના નામે દર વર્ષે માત્ર એક જ તહેવારને ચર્ચાના કેન્દ્રમાં રાખીને બાકીના વર્ષના પ્રદૂષણની અવગણના કરવી પણ યોગ્ય નથી.અને આખરે ચૂંટણીઓમાં દરેક પાર્ટીના ચૂંટણી અજેન્ડામાં શુદ્ધ, હવા, પાણી અને ખોરાક નો વાયદો મુખ્ય સ્થાને હોવો જોઈએ.લોકો પણ આ અતિ મહત્વની બાબતને સમજે ..હેલ્થ તે વેલ્થ થી પણ કિંમતી બાબત છે તે ન ભૂલતા.શરીર તંદુરસ્ત હશે તો જીવન આસાન અને ખુશીભર્યું હશે….સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ …




