બેંગલુરુમાં બીજી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાઇ
53 દેશના તરવૈયાઓ વચ્ચે અવની સાવલીયાએ 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ અને 50 તથા 100 મીટર બટરફ્લાયમાં સિલ્વર મેડલ મેળવ્યા
- Advertisement -
આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે રાજકોટનું નામ ગૌરવભેર રોશન થયું છે. બેંગલુરુ ખાતે 4થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી બીજી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ શાનદાર પ્રદર્શન કરીને એક ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીતી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 53 દેશોના અનુભવી તરવૈયાઓ વચ્ચે અવની સાવલીયાએ પોતાની પ્રતિભા અને કૌશલ્યનો પરિચય આપ્યો હતો. અવની સાવલીયાએ સ્વિમિંગની બટરફ્લાય શૈલીની ત્રણ અલગ-અલગ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં 50 મીટર બટરફ્લાય અને 100 મીટર બટરફ્લાય સ્પર્ધામાં સિલ્વર મેડલ જ્યારે 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ, ત્રણેય સ્પર્ધામાં મેડલ મેળવી તેમણે પોતાની રમતગમતની ક્ષમતા સાબિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બીજી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન ભારતના બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં એશિયા અને મધ્ય પૂર્વના કુલ 53 દેશોના તરવૈયાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં 25 વર્ષથી લઈને 80 વર્ષથી વધુ વયના ખેલાડીઓએ વિવિધ સ્વિમિંગ ઇવેન્ટ્સમાં ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા અવની સાવલીયાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ત્રણ મેડલ હાંસલ કરીને રાજકોટનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ રમતગમત સાથે જોડાયેલા ખેલાડીઓ અને સ્વિમિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મળેલી આ સફળતાથી રાજકોટના રમતગમત જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.




