નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ગુનાહિત આંકડાઓનું તુલનાત્મક વિશ્ર્લેષણ જાહેર કર્યું
મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33માં સ્થાને ખૂન અને દુષ્કર્મ જેવા ગુનાના ઇન્ડેક્સમાં ગુજરાત 29મા ક્રમે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (ગઈછઇ), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા ક્રાઈમ ઇન ઇન્ડિયા-2024 અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશના અનેક રાજ્યોની સરખામણીએ વધુ સુદ્રઢ અને સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓમાં ગુજરાતનો ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે, જે રાજ્યમાં પોલીસ તંત્રની સક્રિયતા અને અસરકારક કાયદા અમલીકરણને દર્શાવે છે. અહેવાલ મુજબ વર્ષ 2024 દરમિયાન સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 નોંધાયો છે, જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 227.7 રહ્યો છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે સ્થાન ધરાવે છે. રાજ્યમાં અમલમાં રહેલી દારૂબંધીની નીતિને કારણે ગુજરાત પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ સતત કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેના પરિણામે લાખોની સંખ્યામાં કેસો નોંધાય છે. ગઈછઇના કુલ ગુનાઓના આંકડામાં પ્રોહિબિશન એક્ટ હેઠળના કેસો પણ સામેલ થતાં ગુજરાતમાં ગુનાઓની સંખ્યા ઊંચી દેખાય છે. પરંતુ જો દારૂબંધી સંબંધિત કેસોને અલગ કરવામાં આવે તો પરંપરાગત આઈ.પી.સી./બી.એન.એસ. હેઠળના ગંભીર ગુનાઓમાં ગુજરાતનો વાસ્તવિક ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઓછો રહે છે. મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓના મામલે ગુજરાતનું પ્રદર્શન વિશેષ નોંધપાત્ર રહ્યું છે. સમગ્ર દેશનો મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો સરેરાશ દર 64.6 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 22.0 નોંધાયો છે. આ કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને છે, જે ઓછા ગુનાખોરી દરને કારણે સુરક્ષિત રાજ્યોમાં રાજ્યની મજબૂત સ્થિતિ દર્શાવે છે. બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓના મામલે પણ ગુજરાતનો ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો રહ્યો છે. દેશનો સરેરાશ દર 42.3 સામે ગુજરાતમાં આ દર 25.8 નોંધાયો છે. આ કેટેગરીમાં ગુજરાત 29મા ક્રમે સ્થાન પામ્યું છે. ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં દેશનો સરેરાશ ક્રાઈમ રેટ 52.9 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 16.5 નોંધાયો છે. આ આધારે ગુજરાત દેશના 31મા સ્થાને રહ્યું છે, જે રાજ્યમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ઓછું હોવાનું દર્શાવે છે. શરીર વિરૂદ્ધના ગુનાઓમાં પણ ગુજરાતનો દર નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે આ કેટેગરીમાં ક્રાઈમ રેટ 62.1 છે, જ્યારે ગુજરાતમાં તે માત્ર 24.7 નોંધાયો છે. આ કેટેગરીમાં પણ ગુજરાત 31મા ક્રમે છે. ચોરી, ઘરફોડ, લૂંટ અને ધાડ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓમાં દેશનો સરેરાશ દર 57.9 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 30.4 નોંધાયો છે. આ કેટેગરીમાં ગુજરાત 23મા સ્થાને રહ્યું છે. ગઈછઇના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ગંભીર અને હિંસાત્મક ગુનાઓનું પ્રમાણ દેશની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે. રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાતી સક્રિય કાર્યવાહી, ટેકનોલોજી આધારિત દેખરેખ અને કડક કાયદા અમલીકરણના પરિણામે ગુજરાત દેશમાં વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાજ્યોમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
ગંભીર ગુનાઓના અલગ-અલગ આંકડાઓમાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર
- Advertisement -
વર્ષ 2024માં ખૂનના ગુનાઓમાં સમગ્ર દેશનો સરેરાશ ક્રાઈમ રેટ 1.9 રહ્યો હતો, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 1.3 નોંધાયો હતો. આ કેટેગરીમાં ગુજરાત 29મા ક્રમે રહ્યું છે.
બળાત્કારના ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 4.3 સામે ગુજરાતમાં માત્ર 1.9નો દર નોંધાયો છે. આ મામલે પણ ગુજરાત 29મા સ્થાને રહ્યું છે.
અપહરણ અને અપનયનના ગુનાઓમાં સમગ્ર ભારતનો સરેરાશ દર 6.8 રહ્યો હતો, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 1.7 નોંધાયો છે. આ કેટેગરીમાં ગુજરાત 26મા ક્રમે છે.
ઘરફોડના ગુનાઓમાં દેશનો સરેરાશ ક્રાઈમ રેટ 7.7 રહ્યો છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 4.1 નોંધાયો છે. આ કેટેગરીમાં ગુજરાત 27મા સ્થાને રહ્યું છે.



