ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ કરાશે
જૂનાં રોડના મટિરિયલના પુન:ઉપયોગથી ખર્ચ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, આયુષ્ય લાંબુ થશે
- Advertisement -
ગીર સોમનાથનો ભીડીયા સોમનાથ રોડ, મોરબીનો મોરબી-નાની વાવડી-બગથળા રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ અને જામનગરનો કાલાવડ-જામવંથલી-ફલ્લા રોડ આ અદ્યતન ટેક્નોલોજીથી તૈયાર થશે
રોડ પહોળા કરવાની કામગીરી, આર.સી.સી. ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેન વિકાસ, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ અને ગ્લાસ ગ્રીડ જેવી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણમૈત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ટેક્નોલોજી આધારિત માર્ગ નિર્માણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારતના રોડ નેટવર્કને સ્પીડ અને સ્કેલના વિઝન સાથે આધુનિક બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો વચ્ચે ગુજરાતે પણ નવી દિશામાં આગળ વધતા આ વર્ષના બજેટમાં રૂ. 1147 કરોડની જોગવાઈ કરી છે. આ ફાળવણી હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 20 મહત્વપૂર્ણ માર્ગો પર ક્લાઇમેટ રેઝિલ્યન્ટ અને આધુનિક ટેક્નોલોજી આધારિત માર્ગ નિર્માણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, હાલના જૂના માર્ગોના મટેરિયલનો ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે. જેના કારણે માત્ર ખર્ચમાં ઘટાડો નહીં થાય, પરંતુ કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા આ પહેલને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પસંદ કરાયેલા માર્ગોમાં પાટણ જિલ્લાના લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ અને રાધનપુર-મશાલી-માધાપુરા રોડ, ગીર સોમનાથનો ભીડીયા સોમનાથ રોડ, મહીસાગરનો સંતરામપુર-ઝાલોદ રોડ, ભરૂચ જિલ્લાના દયાદરા-નબીપુર-ઝનોર રોડ અને ઈલાવ-કોસંબા રોડ, મોરબીનો મોરબી-નાની વાવડી-બગથળા રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ, સુરતનો ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ, વડોદરાનો માંગલેજ-નારેશ્વર રોડ અને કરજણ-આમોદ રોડ, છોટા ઉદેપુરનો કોસીન્દ્રા-ભાખા રોડ, આણંદ જિલ્લાના ઇસરવાડા-ઉંદેલ રોડ અને વડતાલ-જોળ-બાકરોલ રોડ, મહેસાણાના વાલમ-કડી રોડ અને પેપળુ-કાપરા રોડ, કચ્છનો લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર-બાબીયા રોડ, ભાવનગરનો તળાજા-ગોપનાથ રોડ, જામનગરનો કાલાવડ-જામવંથલી-ફલ્લા રોડ તેમજ નર્મદાનો કોઠારા એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ માર્ગો પર અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ પહોળા કરવાની કામગીરી, આર.સી.સી. ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેન વિકાસ, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ અને ગ્લાસ ગ્રીડ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ તમામ કામગીરી પર્યાવરણને અનુકૂળ અને લાંબા ગાળે ટકાઉ બને તે રીતે અમલમાં મૂકવામાં આવશે.
ગ્રીન ટેક્નોલોજી કેવી રીતે કાર્ય કરે છે?
ગ્રીન ટેક્નોલોજી આધારિત માર્ગ નિર્માણમાં હાલના જૂના રોડની સામગ્રીનો પુન:ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં જૂના રોડને ઉખાડીને ત્યાં ચૂનો પાથરવામાં આવે છે. ત્યારબાદ જૂની સામગ્રીને પલ્વરાઈઝ કરીને તેનું રોલિંગ કરવામાં આવે છે, જેથી સપાટી સ્થિર બને. પછી આ જ જૂની સામગ્રી ફરીથી પાથરીને ડ્રાય રોલિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ સિમેન્ટ સ્પ્રેડર મશીન દ્વારા સિમેન્ટ પાથરી તેના પર કેમિકલ મિશ્રિત સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે. પેડ ફુટ રોલર, ગ્રેડર અને ન્યૂમેટિક ટાયર રોલરની મદદથી લેવલિંગ અને કોમ્પેકશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સાત દિવસ બાદ નોન વુવન મટેરિયલ આધારિત સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન પાથરી તેના ઉપર ડામરનું આવરણ લગાવવામાં આવે છે. આ એક હાઇટેક ફાઇબર શીટ છે, જે રોડમાં તિરાડો પડવાની શક્યતા ઘટાડે છે, વાહનોના દબાણને શોષી લે છે અને માર્ગનું આયુષ્ય વધારવામાં મદદરૂપ બને છે.



